તમે લોકોના જીવનને જોખમમાં મૂક્યા : સુપ્રીમે સરકારને ઝાટકી
- પતંજલીની ખોટી જાહેરાતો મુદ્દે સુપ્રીમે કેન્દ્ર અને ઉત્તરાખંડ સરકારનો ઉધડો લીધો
- ઉત્તરાખંડ લાયસન્સિંગ ઓથોરિટી ચાર-પાંચ વર્ષ ઘોર નિંદ્રામાં રહી, અધિકારીઓએ ફાઈલો આગળ ધકેલ્યા સિવાય કશું ના કર્યું
નવી દિલ્હી : પતંજલી આયુર્વેદ દ્વારા આપવામાં આવેલી ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર કોઈ કાર્યવાહી નહીં કરવા બદલ સુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તરાખંડ રાજ્ય લાયસન્સિંગ ઓથોરિટીને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે, પતંજલી દ્વારા ખોટી માહિતી આપતી જાહેરાતોનું પ્રસારણ થઈ રહ્યું હતું ત્યારે ઉત્તરાખંડ લાયસન્સિંગ ઓથોરિટી ચીર નિંદ્રામાં પોઢી રહી હતી અને કશું જ કર્યા વિના માત્ર ફાઈલોને આગળ વધારી રહી હતી. રાજ્યના અધિકારી કોર્ટની અવમાનના કરનારા સાથે મળેલા છે. તમે લોકોના જીવનને જોખમમાં મૂક્યા છે.
સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશો હિમા કોહલી અને એ. અમાનુલ્લાની બેન્ચે આ કેસમાં કેન્દ્ર સરકારની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. બેન્ચે ઉત્તરાખંડ લાયસન્સિંગ ઓથોરિટીના અધિકારીઓને સવાલ કર્યો કે, તમે લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છો. લોકો પાસે પતંજલીની દવાઓ હતી અને તેમને મૂરખ બનાવાઈ રહ્યા હતા ત્યારે તમે શું કર્યું? ચાર-પાંચ વર્ષમાં સ્ટેટ લાયસન્સિંગ ઓથોરિટી ઘોર નિંદ્રામાં હતી. તમે પોસ્ટ ઓફિસની જેમ કામ કરી રહ્યા છો. તમે ઈરાદાપૂર્વક તમારી આંખો બંધ રાખી છે.
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સ્ટેટ લાયસન્સિંગ ઓથોરિટીને પણ પતંજલિની ભ્રામક જાહેરાતોની માહિતી મળતા કંપની અંગે તેમણે કયા પગલાં લીધા તે જણાવવા સોગંદનામુ રજૂ કરવા જણાવાયું હતું. બેન્ચે કહ્યું કે, તમારું સોગંદનામું અમે જોયું. તેમાં સક્ષમ અધિકારીઓએ ફાઈલ આગળ ધકેલ્યા સિવાય કશું જ કર્યું નથી. સોગંદનામા પરથી સ્પષ્ટ જણાય છે કે સરકારી તંત્રે આ મામલાને લટકાવવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે હકીકતમાં વર્ષ ૨૦૧૮-૧૯માં પહેલી વખત આ ભ્રામક જાહેરાતો અંગે તંત્રને જાણ કરાઈ હતી.
આ કેસની સુનાવણી દરમિયાન બેન્ચે સ્ટેટ લાયસન્સિંગ ઓથોરિટીના જોઈન્ટ ડિરેક્ટરને સસ્પેન્ડ કરી દેવાની પણ ધમકી આપી હતી. તેમને પૂછવામાં આવ્યું કે તેમણે પતંજલિ વિરુદ્ધ કોઈ પગલાં શા માટે લીધા નહીં. જવાબમાં જોઈન્ટ ડિરેક્ટરે કહ્યું કે, તેમને આ પદ પર આવ્યાને માત્ર નવ મહિના જ થયા છે. ત્યાર પછી તેમણે કહ્યું કે તેઓ હવે પતંજલિ વિરુદ્ધ પગલાં લેશે.
લાયસન્સિંગ ઓથોરિટીએ કહ્યું કે તેમનું માનવું હતું કે બોમ્બે હાઈકોર્ટના આદેશે તેમને પતંજલિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતાં અટકાવ્યા છે. આ અંગે બેન્ચે સવાલ કર્યો કે, તમે હાઈકોર્ટના આદેશ અંગે કોઈ કાયદાકીય સલાહ કેમ લીધી નહીં? લાયસન્સિંગ ઓથોરિટી કાયદા હેઠળ પગલાં લેવા બંધાયેલ હતી. હાઈકોર્ટે તેમને પગલાં લેતા અટકાવ્યા નહોતા. ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહે કહ્યું કે, અમે આ ગુનામાં તમને સહગુનેગાર બનાવીશું. આ તો માત્ર શરૂઆત છે. દરેક વ્યક્તિએ બેદરકારી દાખવી છે. આ અસંવેદનશીલ વર્તન છે.
બીજીબાજુ બેન્ચે કેન્દ્ર સરકારને પણ સોગંદનામુ દાખલ કરવા કહ્યું હતું. આયુષ મંત્રાલયે આ અંગે કહ્યું કે, એલોપેથિક દવાઓ અંગે પતંજલિના નિવેદનોની ટીકા કરાઈ હતી અને સરકારે કોરોના દરમિયાન પતંજલિને ચેતવણી આપી હતી. ભારત સરકારની વર્તમાન નીતિ એલોપથીની સાથે આયુષ વ્યવસ્થાના એકીકરણની સાથે એકીકૃત સ્વાસ્થ્ય સંભાળ વ્યવસ્થાના એક મોડેલની વકીલાત કરે છે. આયુષ વ્યવસ્થા અથવા એલોપેથિક સારવારની સેવાઓનો લાભ મેળવવા કોઈપણ વ્યક્તિ અથવા સ્વાસ્થ્ય સેવા મેળવવી તે વ્યક્તિ અથવા સ્વાસ્થ્ય સેવા ઈચ્છનારની પસંદ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ ંકે, કોરોના મહામારી દરમિયાન પતંજલિને કોરોનિલનો વાયરસની સારવાર તરીકે પ્રચાર કરવા અંગે ચેતવણી અપાઈ હતી.
ઈન્ડિયન મેડિકલ એસો.નો કેસ શું છે ?
કોરોના મહામારી દરમિયાન પતંજલિએ કોવિડ-૧૯ રસીકરણ વિરુદ્ધ બદનામ કરનારું અભિયાન ચલાવાયું હતું તેવો ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આરોપ મૂક્યો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ દ્વારા ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ થવી જોઈએ.
વિશેષ પ્રકારની બીમારીઓને દૂર કરવાના ખોટા દાવા કરતા પ્રત્યેક ઉત્પાદન માટે એક કરોડ રૂપિયા સુધીના દંડની સંભાવના પણ બેન્ચે વ્યક્ત કરી હતી. આમ છતાં પતંજલિ આયુર્વેદે તેની લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો બંધ કરી નહોતી. કોરોના મહામારી દરમિયાન એલોપથિક ફાર્માસ્યુટિકલ કંપનીઓ અંગે વિવાદાસ્પદ ટીપ્પણીઓ બદલ આઈએમએ તરફથી દાખલ ગુનાઈત કેસોનો સામનો કરનારા રામદેવે અંતે આ કેસ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.