રાતોરાત બુલડોઝરથી મકાનો ના તોડી શકો : સુપ્રીમનો તમામ રાજ્યોને આદેશ
- રોડ પહોળા કરતી વખતે ડિમોલિશન પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરો
- લોકોને તેમના મકાનો તોડવાની જાણકારી ઢોલ વગાડી ના આપી શકાય, નોટિસ પાઠવો, કુદરતી ન્યાયનું પાલન કરો : સુપ્રીમ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તર પ્રદેશ સરકારનો ગેરકાયદે ડિમોલિશન મુદ્દે ઉધડો લીધો હતો. સાથે જ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રોડ પહોળા કરતી વખતે દબાણ હટાવવા માટેની પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવાનો આદેશ આપ્યો હતો. રોડ પહોળો કરતી વખતે એક વ્યક્તિનું ઘર તોડી પાડવા બદલ ઉત્તર પ્રદેશ સરકારને પીડિતને ૨૫ લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેંચે ઉત્તર પ્રદેશ સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે તમે રાતોરાત બુલડોઝર લઇને પહોંચી જાવ અને કોઇની પ્રોપર્ટીને તોડી નાખો એવુ ના ચલાવી લેવાય. તમે પરિવારને ઘર ખાલી કરવાનો પણ સમય ના આપ્યો, ઘરમાં જે સામાન હતો તેનુ શુ કર્યું ? આ સમગ્ર મામલાની રાજ્યના મુખ્ય સચિવ દ્વારા તપાસ કરવામાં આવે અને યોગ્ય પગલા લેવામાં આવે.
વર્ષ ૨૦૧૯માં ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં રોડ પહોળો કરતી વખતે એક વ્યક્તિનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું.
આ મામલે બાદમાં મકાન માલિક દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી અપીલ કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યારે પણ કોઇ દબાણ હટાવવામાં આવે તે પહેલા નોટિસ પાઠવવી પડે. કૂદરતી ન્યાયના સિદ્ધાંતનુ પણ પાલન થવું જોઇએ. અરજદાર વતી હાજર વકીલોએ એવી દલીલ કરી હતી કે કાયદાનું પાલન કર્યા વગર જ ડિમોલિશન કરી દેવાયું હતું.
સમગ્ર વિસ્તારમાં આશરે ૧૨૩ જેટલા બાંધકામ તોડી પડાયા હતા. સુપ્રીમની બેંચે યુપી સરકારને સવાલ કર્યો હતો કે તમે આ રીતે કોઇના ઘરોને કેવી રીતે તોડી શકો? તમે નોટિસ ના આપી, કોઇ જ પ્રક્રિયાનું પાલન ના કર્યું અને રાતોરાત બુલડોઝર લઇને મકાનો તોડી પાડવા પહોંચી ગયા. લોકોને માત્ર ઢોલ વગાડીને મકાન તોડવાની જાણકારી ના આપી શકો, તમારે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું પડે. જે પણ કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ આ મકાનો તોડી પાડવા માટે જવાબદાર હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ સુપ્રીમે આપ્યો હતો.