''તમો આગ સાથે રમી રહ્યા છો'' સુપ્રીમ કોર્ટે રાજયપાલને સ્પષ્ટ કહ્યું
- પંજાબ-સરકાર વિરૂદ્ધ રાજયપાલ
- પંજાબ સરકારને પણ ઠપકો આપતા કહ્યું : ''તમે જે કરી રહ્યા છો તે સંવિધાનની અવહેલના સમાન છે''
નવી દિલ્હી : પંજાબ વિધાન સભાએ પસાર કરેલા કેટલાક વિધયેકોને રાજયપાલે પસાર ન કરતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાજયપાલ બનવારીલાલ પુરોહિતને કહ્યું કે ''તમો આગ સાથે રમી રહ્યા છો.''
રાજયપાલ અને પંજાબ સરકાર વચ્ચે કેટલાક વિધેયકોને રાજયપાલે મંજૂરી ન આપતા બંને વચ્ચે વિવાદ વધી ગયો, અને બાબત છે કે સર્વોચ્ચ અદાલત સુધી પહોંચતા સુપ્રીમ કોર્ટે રાજયપાલને કહ્યું : ''તમો (રાજયપાલ) આગ સાથે રમી રહ્યા છો. જે વિધેયકો વિધાનસભાને પસાર કર્યા હોય તેને 'અયોગ્ય' કહી અસ્વીકાર્ય કહી કેમ શકાય. કારણમાં તેમ કહ્યું કે વિધાનસભાનું તે સત્ર જ ''અસંવૈધાનિક'' હતું. તેથી તેમાં પસાર કરાયેલા વિધેયકો 'અયોગ્ય' છે. પરંતુ તે વિધેયકો વિધિવત-નિર્વાચિત સંસ્થા (વિધાનસભા) દ્વારા પસાર કરાયા હતા. તેને મંજૂર ન કરતાં તે 'અસંવૈધાનિક' છે તેમ કહેવું તે આગ સાથે રમવા જેવું છે. આ રીતે આપણે સંસદીય લોકશાહી કઈ રીતે ચલાવી શકીશું ? મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના નેતૃત્વ નીચે રચાયેલી ૩ ન્યાયમૂર્તિઓની મીડીયાએ આ અવલોકનો આપ્યા હતા.
તેઓએ કહ્યું ''મહેરબાની કરી વિધિવત નિર્વાચિત વિધાન સભાએ પસાર કરેલા વિધેયકોને 'એક તરફ' ન મૂકો. આ બહુ ગંભીર બાબત છે. તેમ સુપ્રીમ કોર્ટની બેન્ચે રાજયપાલના કાર્યાલયના વકીલ, એડીશનલ સોલિસીટર જનરલ સત્યપાલ જૈનને કહ્યું હતું.
આ સાથે સર્વોચ્ચ અદાલતે અંદાજપત્ર સત્રને વિધિવત્ નિલંબિત ન કરવાની પંજાબ સરકારની કાર્યવાહીને પણ અયોગ્ય કહી હતી. પંજાબ સરકારે અંદાજપત્ર સત્રને શિયાળુ સત્ર સાથે ભેળવી દેવાની કરેલી ગતિવિધિ અયોગ્ય છે. તેમ પણ કહ્યું હતું.
રાજય સરકાર વતી રજૂઆત કરનારા સીનીયર કાઉન્સેલ અભિષેક મનુ સિંઘવીને કોર્ટે કહ્યું : ''તમારી સરકાર જે કૈ કહી રહી છે. તે સંવિધાનના ભંગ સમાન છે. અમે બરોબર જાણીએ છીએ કે અંદાજપત્ર-સત્ર અચોક્કસ મુદત સુધી દીવાળી વગેરેની રજાઓને લીધે સ્થગિત રહે. પરંતુ હવે તો અંદાજપત્ર સત્ર જે ચોમાસું સત્રમાં શરૂ થયું તે શિયાળુ સત્ર સાથે જોડાઈ જાય ? જો લોકશાહી ચલાવવી હોય તો તે મુખ્યમંત્રી તેમજ રાજયપાલ બંનેએ સાથે રહી ચલાવવી પડે. તમો ગૃહના તે નિયમને ઉવેચી ન શકો કે, ગૃહમાં ત્રણ સત્ર યોજવા જોઈએ.''
આ સાથે બેન્ચે મનુ સિંઘવીને કહ્યું ''અમોને જણાવો કે અંદાજપત્ર સત્ર જે હજુ સુધી મુલત્વી રખાયું નથી. તે ક્યારે મુલત્વી રખાશે ?'' ત્યારે સિંઘવીએ ન્યાયમૂર્તિઓને કહ્યું કે ''હું આપને ચોક્કસ તારીખ તો આપી શકું નહીં પરંતુ તેટલું તો કહી શકું કે શિયાળુ સત્ર નજીકના ભવિષ્યમાં જ યોજવામાં આવશે.''
ઉલ્લેખનીય છે કે રાજયપાલે રાજય વિધાનસભાએ પસાર કરેલા કેટલાક વિધેયકોને સ્વીકાર્ય કરી (મંજૂર કરવાની) 'ના' કહી દીધી હતી. તે માટે તેઓએ જૂન-૧૯/૨૦ ના દિવસે મળેલા સત્રની યોગ્યતા અંગે જ પ્રશ્ન ઉઠાવ્યો હતો.