તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો...' પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ
Image Source: Twitter
Asaduddin Owaisi On Pakistan: AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી સતત પાકિસ્તાન પર પ્રહાર કરી રહ્યા છે. હવે તેમણે પાડોશી દેશને કહ્યું કે, તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદથી તેઓ સતત આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ ખુલીને બોલી રહ્યા છે. 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
મીડિયા અહેવાલ પ્રમાણે ઓવૈસીએ કહ્યું કે, 'તમે કયા ધર્મની વાત કરી રહ્યા છો? તમે ખાવરજી કરતાં પણ ખરાબ છો. તમે ISISના ઉત્તરાધિકારી છો. 'ધર્મ પૂછીને નિર્દોષ લોકોની હત્યા કરવી એ અમારો ધર્મ નથી.'
ઓવૈસીએ આગળ કહ્યું કે, પાકિસ્તાન ભારતથી અડધો કલાક નહીં પણ અડધી સદી પાછળ છે. અમારું સૈન્ય બજેટ તમારા દેશના બજેટ કરતાં વધુ છે. પાકિસ્તાની નેતાઓએ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી ન આપવી જોઈએ. તેમણે યાદ રાખવું જોઈએ કે જો તમે બીજા દેશના નિર્દોષ લોકોની હત્યા કરશો, તો કોઈ શાંત નહીં બેસે.'
પાકિસ્તાની મંત્રીની ધમકી
વાસ્તવમાં પાકિસ્તાન સરકારમાં મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને પરમાણુ હથિયારોની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે ગૌરી, શાહીન અને ગઝનવી મિસાઇલ જેવા હથિયારો માત્ર ભારત માટે જ રાખવામાં આવે છે. આ પહેલા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ પણ ભારતને યુદ્ધની ધમકી આપી ચૂક્યા છે. તાજેતરમાં માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે ધમકી આપી છે કે, પાકિસ્તાનનું પાણી રોકવાના કોઈપણ નિર્ણયને યુદ્ધની ઘોષણા માનવામાં આવશે.
અમે સરકારની સાથે
ઓવૈસીએ પહલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓ અને તેમના આકાઓને તેમની કલ્પના બહાર સજા આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનું સ્વાગત કર્યું છે. ઓવૈસીએ કહ્યું કે, 'મારી પાર્ટી રાષ્ટ્રીય હિતમાં સરકાર દ્વારા લેવામાં આવેલા કોઈપણ પગલાને સમર્થન કરે છે.' તેમણે સરકાર પાસેથી જવાબદારી નક્કી કરવાની પોતાની માગનો પણ પુનરોચ્ચાર કર્યો. હૈદરાબાદમાં પત્રકારોને સંબોધતા ઓવૈસીએ કહ્યું કે, 'પીડિત પરિવારો માટે ન્યાય ત્યારે જ સુનિશ્ચિત થશે જ્યારે જવાબદારી નક્કી કરવામાં આવશે અને આતંકવાદીઓને સજા આપવામાં આવશે.'