યોગી-મોદી વચ્ચે દોઢ કલાક બેઠક બાદ અનેક અટકળો, દિગ્ગજ નેતાને મોટો હોદ્દો આપવાની ભલામણ!
PM Modi and CM Yogi meeting in Delhi | ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં દોઢ કલાક સુધી ચાલેલી બેઠકે રાજકીય ઉત્તેજના જગાવી છે. આ બેઠકમાં ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની વરણી વિશે ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. યોગીએ ભારપૂર્વક વસુંધરા રાજેને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા કહ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. યોગી મોદીને અચાનક મળવા પહોંચ્યા હતા.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બે દિવસ સુધી પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પર નજર રાખ્યા પછી અચાનક શુક્રવાર ને 10 જાન્યુઆરી, 2025ની સાંજે દિલ્હી પહોંચ્યા હતા. સત્તાવાર રીતે યોગી વડાપ્રધાન મોદીને પ્રયાગરાજ કુંભ મેળામાં આવવાનું નિમંત્રણ આપવા આવ્યા હતા પણ માત્ર નિમંત્રણ આપવામાં દોઢ કલાક ના લાગે એ કોઈને પણ સમજાય એવી વાત છે. યોગી અને મોદી વચ્ચે સાંજે 4:45 થી 6:15 સુધી દોઢ કલાક લગી ચર્ચા ચાલી હતી.
ભાજપે રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો નિમવા માટે અને સંગઠનની ચૂંટણી કરાવવા તમામ રાજ્યોમાં ચૂંટણી અધિકારી નિમી દીધા છે પણ હજુ સુધી ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરાઈ નથી. યોગીએ આ અંગે પણ મોદી સાથે ચર્ચા કરી હોવાનું કહેવાય છે. મુખ્યમંત્રી યોગીએ 'X' પર પોસ્ટ કરતા લખ્યું કે, આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શિષ્ટાચારના ભાગરૂપે મુલાકાત લીધી ભેટ આપી, મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી સનાતન ગર્વનું પ્રતીક મહાકુંભ-2025, પ્રયાગરાજ આજે પોતાના દિવ્ય, ભવ્ય અને ડિજિટલ સ્વરૂપથી દુનિયાને 'નવા ભારત'ના દર્શન કરાવી રહ્યો છે. આપનો કિંમતી સમય આપવા માટે હાર્દિક આભાર, પ્રધાનમંત્રી જી!' યોગીએ 30 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહ મંત્રી અમિત શાહ સહિતનાનેે કુંભનું આમંત્રણ આપ્યું હતું.