સુશાસનની પહેલી શરત જ કાયદાનું રાજ, બુલડોઝર એક્શન મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી યોગી સરકારની પ્રતિક્રિયા
Yogi Government On Bulldozer Action Verdict : સુપ્રીમ કોર્ટ દ્વારા આજે 'બુલડોઝર એક્શન' પર આપવામાં આવેલા ચૂકાદાને લઈને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સુશાસનની પહેલી શરત કાયદાનું શાસન છે. આ દૃષ્ટિકોણથી સુપ્રીમ કોર્ટે આજે આપેલો નિર્ણય સ્વાગત યોગ્ય છે. આ નિર્ણયથી ગુનેગારોના મનમાં કાયદાનો ભય પેદા થશે.
યુપી સરકારે આપી પ્રતિક્રિયા
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર યુપી સરકારે કહ્યું કે, આનાથી માફિયા તત્વો અને સંગઠિત ગુનાઓમાં સામેલ ગુનેગારોને કાબૂમાં રાખવામાં સરળતા રહેશે. કાયદાનું શાસન દરેક પર લાગુ પડે છે. જો કે, આ આદેશ દિલ્હીના સંદર્ભમાં હતો. અને ઉત્તર પ્રદેશ સરકાર તેમાં પક્ષકાર ન હતી. આ કેસ જમિયત ઉલેમા-એ-હિંદ વિરુદ્ધ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સાથે સંબંધિત હતો.
શું કહ્યું હતું સુપ્રીમ કોર્ટે?
અહીં તમને જણાવી દઈએ કે 13 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર ચુકાદો આપતાં આકરી ટીપ્પણી કરી હતી. તેમજ કોર્ટે બુલડોઝરની કાર્યવાહીને લઈને માર્ગદર્શિકા નક્કી કરી હતી. ચૂકાદો આપતી વખતે કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, કોઈ પણ કેસમાં આરોપી હોય અથવા તો કોઈ દોષી સાબિત થાય તો પણ તેનું ઘર તોડવું યોગ્ય નથી.
આ પણ વાંચોઃ 'પોતાનું ઘર એક સપનું હોય છે, તૂટવું ના જોઈએ...' બુલડોઝર એક્શન પર સુપ્રીમકોર્ટનું ફરમાન
કોઈ પણ સંજોગોમાં કાયદાનું શાસન હોય તે જરૂરી
કોર્ટે કહ્યું કે, અમે આ મુદ્દે નિષ્ણાતોના સૂચનોને પણ ધ્યાનમાં લીધા છે. અને તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ આ આદેશ આપ્યો છે. કારણ કે કોઈ પણ સંજોગોમાં કાયદાનું શાસન હોય તે જરૂરી છે. બુલડોઝરની કાર્યવાહી પક્ષપાતી ન હોઈ શકે. જો ખોટી રીતે મકાન તોડી નાખવામાં આવ્યું હોય તો પીડિતને વળતર મળવું જોઈએ.
અધિકારીઓ મન ફાવે તેમ કાર્યવાહી કરી શકે નહી
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું કે, બુલડોઝરની કાર્યવાહીમાં મનમાની ચલાવી લેવામાં નહી આવે અને અધિકારીઓ મન ફાવે તેમ કાર્યવાહી કરી શકે નહી. જો કોઈ કેસમાં એક આરોપી છે તો ઘર તોડીને આખા પરિવારને સજા કેમ આપવામાં આવે? આખો પરિવારનું ઘર છીનવી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર વિપક્ષે આપી પ્રતિક્રિયા
બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ યુપીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી માયાવતી અને સાંસદ ચંદ્રશેખર આઝાદ સહિત ઘણાં નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. માયાવતીએ કહ્યું કે, બુલડોઝરનો 'શેડો આતંક' હવે ચોક્કસપણે ખતમ થશે.
માયાવતીએ કહ્યું, બુલડોઝરનો 'શેડો આતંક' સમાપ્ત થશે
એક્સ પર પોસ્ટ કરતાં માયાવતીએ લખ્યું હતું કે, 'બુલડોઝર તોડી પાડવા સંબંધિત સુપ્રીમ કોર્ટના આજના ચૂકાદા નિર્ણય પછી એવી અપેક્ષા રાખવી જોઈએ કે યુપી અને અન્ય રાજ્ય સરકારો જનહિત અને જન-કલ્યાણનું સરળતાથી સંચાલન કરશે. અને બુલડોઝરનો 'શેડો આતંક' ચોક્કસપણે સમાપ્ત થશે.'
તેમનું બુલડોઝર હવે કોઈનું ઘર તોડશે નહીં : અખિલેશ યાદવ
આ મામલે સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે, 'એવા બહુ ઓછા ચૂકાદા હોય છે કે જેમાં સરકારને દંડ ભરવો પડે. સુપ્રીમ કોર્ટે સરકાર પર માત્ર 25 લાખ રૂપિયાનો દંડ જ નથી લગાવ્યો આ સાથે તેમણે નિર્દોષ લોકોના ઘરોને બુલડોઝ કરી નાખનાર દોષિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું છે. પરંતુ જે લોકો ઘર તોડવા માગે છે તેની પાસેથી તમે શું અપેક્ષા રાખી શકો? હવે પછીથી તેમનું બુલડોઝર કોઈનું ઘર તોડશે નહીં.'
કોંગ્રેસે ચૂકાદાનું સ્વાગત કર્યું
આ સિવાય યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હ્યું કે, 'અમે બધા ચોક્કસપણે સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાનું સ્વાગત કરીએ છીએ. અને આ માટે અમે તેમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ. કોઈનું પણ ઘર તોડી નાખવું એ બંધારણ મુજબ નથી.'
યુપી સરકારના મંત્રીએ કહ્યું, સરકારનો મકાન તોડી પાડવાનો ઇરાદો નથી
તો બીજી તરફ યુપી સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે, 'સમગ્ર દેશ સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાનું સ્વાગત કરે છે. અમારી સરકાર અને વિપક્ષ પણ તેનું સ્વાગત કરે છે. સરકાર કોઈનું મકાન તોડી પાડવાનો ઇરાદો ધરાવતી નથી. જો કોઈ ગુનેગારે ગેરકાયદેસર મિલકત હાંસલ કરી હોય અને સરકારી જમીન પર મકાન બનાવ્યું હોય તો તેને ખાલી કરવામાં આવે છે. સરકાર ક્યારેય કોઈ ખાનગી જમીન પર બનેલા મકાનને તોડતી નથી.'