યોગી સરકારનો નિર્ણય ભાજપને ભારે પડ્યો! NDAમાં બબાલ, JDU બાદ હવે RLD મેદાને ઉતર્યું

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
યોગી સરકારનો નિર્ણય ભાજપને ભારે પડ્યો! NDAમાં બબાલ, JDU બાદ હવે RLD મેદાને ઉતર્યું 1 - image


Image: Facebook

Yogi Government: ઉત્તર પ્રદેશમાં શ્રાવણ મહિના દરમિયાન કાવડ યાત્રા રૂટ પર હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, ફળ અને ખાણી-પીણીની બીજી દુકાનો પર માલિકના નામનું બોર્ડ લગાવવાના આદેશથી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) માં ભાજપના સહયોગી દળ જ મોર્ચો ખોલી રહ્યાં છે. ગુરુવારે નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)એ આ આદેશની સમીક્ષાની માગ કરી હતી તો શુક્રવારે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પ્રભાવ રાખનારા જયંત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)એ આ આદેશને પાછો ખેંચવાની માગ કરી દીધી છે.

સૌથી પહેલા મુઝફ્ફરનગર પોલીસે કાવડ યાત્રાની દુકાનોને આવો આદેશ આપ્યો જે બાદ શામલી અને સહારનપુરમાં આવા જ આદેશ પોલીસે દુકાનદારોને આપ્યા. સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવ, બહુજન સમાજ પાર્ટી (બસપા) ની અધ્યક્ષ માયાવતી, ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અને બીજા વિપક્ષી નેતાઓના વિરોધ બાદ મુઝફ્ફરનગરની પોલીસે ગુરુવારે સ્પષ્ટતા આપતાં કહ્યું કે આ આદેશ સ્વૈચ્છિક છે પરંતુ શુક્રવારે સીએમ યોગી આદિત્યનાથે સમગ્ર યુપીમાં કાવડ રૂટ પર દુકાનદારોને નામ લગાવવાના આદેશ આપ્યા છે.

આરએલડીના પ્રદેશ અધ્યક્ષ રામાશીષ રાયે એક્સ પર ટ્વીટ કરી છે કે ઉત્તર પ્રદેશ તંત્રનો દુકાનદારોને પોતાની દુકાનો પર પોતાનું નામ અને ધર્મ લખવાનો આદેશ આપવો જાતિ અને સંપ્રદાયને પ્રોત્સાહન આપનાર પગલું છે. રાલોદ નેતાએ તેને ગેર બંધારણીય નિર્ણય ગણાવતાં તંત્રને તેને પાછો ખેંચવાની માગ કરી છે. જયંત ચૌધરીની પાર્ટીના વધુ સાંસદ તો નથી પરંતુ વેસ્ટ યુપીમાં તે ભાજપની એકમાત્ર સહયોગી પાર્ટી છે. જયંત ચૌધરીની પાર્ટીના રાજકારણમાં મુસલમાનોને સ્થાન મળતું રહ્યું છે. તેથી તેના પ્રદેશ અધ્યક્ષનું નિવેદન વિસ્તારમાં લઘુમતી વચ્ચે આ આદેશને ફેલાવી રહેલી નારાજગીને વ્યક્ત કરે છે. 

જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગી પશ્ચિમી યુપી સાથે જ સંબંધ રાખે છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે આવો કોઈ આદેશ જારી ન કરવો જોઈએ જેનાથી સાંપ્રદાયિક વિભાજન પેદા થાય. મુઝફ્ફરનગરના મુસ્લિમોનો ઉલ્લેખ કરતાં ત્યાગીએ કહ્યું હતું કે આ લોકો હંમેશા કાવડિયોની સેવા અને મદદમાં આગળ રહ્યાં છે. ત્યાગીએ સરકારને આ આદેશની સમીક્ષા કરવાની માગ કરી હતી.


Google NewsGoogle News