'મારે આ ગાડીમાં નથી જવું, મારી ગાડી તો મારુતી 800 છે', પૂર્વ PM મનમોહનની સાદગીના લોકો કાયલ હતા
Manmohan Singh: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ યોગી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ, માયાવતી સહિત ઘણા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ દરમિયાન, યોગી સરકારના મંત્રી અસીમ અરુણે તેમના જૂના દિવસોને યાદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે, જ્યારે તેઓ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહના મેઈન બોડીગાર્ડ હતા.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે અસીમ અરુણે કહ્યું કે, 'હું વર્ષ 2004થી લગભગ ત્રણ વર્ષ સુધી તેમનો બોડીગાર્ડ હતો. SPGમાં, વડાપ્રધાનની સુરક્ષાનું ઇન્ટરનલ સર્કલ ક્લોઝ પ્રોટેક્શન ટીમ છે, જેનું નેતૃત્વ કરવાની મને તક મળી. AIG CPT એવા અધિકારી છે જે ક્યારેય PM થી દૂર ન રહી શકે. જો પીએમ સાથે માત્ર એક જ બોડી ગાર્ડ રહી શકે છે તો માત્ર આ ઓફિસર જ તેમની સાથે રહેશે. આવી સ્થિતિમાં તેની સાથે પડછાયાની જેમ રહેવું એ મારી જવાબદારી હતી.'
ડૉ.મનમોહન સિંહ પોતાની કારને લઈને ભાવુક હતા
યોગી સરકારમાં મંત્રી અસીમે વધુમાં જણાવ્યું હતું, 'ડૉ. સાહેબ પાસે માત્ર એક જ કાર હતી - મારુતિ 800, જે પીએમ હાઉસમાં ચમકતી બ્લેક BMW પાછળ પાર્ક કરેલી રહેતી હતી. મનમોહન સિંહજી મને વારંવાર કહેતા હતા – અસીમ, મને આ કારમાં મુસાફરી કરવાનું પસંદ નથી, મારી કાર આ (મારુતિ) છે. હું સમજાવું છું કે સાહેબ, આ કાર તમારી લક્ઝરી માટે નથી, તેના સિક્યુરીટી ફીચર્સ એવા છે કે જેના માટે એસપીજીએ તેને લીધી છે. પરંતુ જયારે પણ તેમની ગાડી મારુતિ સામેથી પસાર થતી ત્યારે તેઓ હંમેશા મારુતિને મનભરીને જોતા. જાણે પોતાનો સંકલ્પ રીપીટ કરી રહ્યા હોય કે હું મિડલક્લાસ વ્યક્તિ છું અને સામાન્ય માણસની ચિંતા કરવાનું મારું કામ છે. કરોડોની કિંમતની કાર પીએમની છે, મારી તો આ મારુતિ છે.
આ પણ વાંચો: 'હમ કો ઉનસે હૈ વફા કી ઉમ્મીદ...' જ્યારે સંસદમાં મનમોહન સિંહનો શાયરાના અંદાજ જોવા મળ્યો
ડૉ.મનમોહન સિંહનું 26 ડિસેમ્બરની રાત્રે થયું નિધન
ડૉ.મનમોહન સિંહ 26 ડિસેમ્બરે ઘરે અચાનક બેહોશ થઈ ગયા હતા, તેમને રાત્રે 8.06 વાગ્યે દિલ્હી AIIMSમાં ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. તાત્કાલિક સારવાર આપ્યા બાદ AIIMSએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતા' અને રાત્રે 9.51 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.