2013માં કેજરીવાલે જ પોતાના ધારાસભ્યોને BJPના નામે ખોટા કોલ કરાવેલાઃ યોગેન્દ્ર યાદવ
- પરમજીત કાત્યાલે એવો દાવો કર્યો હતો કે, તેમને અને અન્ય લોકોને અરૂણ જેટલી તથા નિતિન ગડકરી જેવા વરિષ્ઠ ભાજપના નેતાઓના નામ પર આપના ધારાસભ્યોને પૈસાના બદલામાં પાર્ટી છોડવાની ઓફરનો કોલ કરવા કહેવામાં આવ્યું હતું
નવી દિલ્હી, તા. 24 ઓગષ્ટ 2022, બુધવાર
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ સીબીઆઈની રડાર પર છે. દિલ્હીમાં લિકર પોલિસી મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા યોગેન્દ્ર યાદવે પણ નિવેદન આપ્યું છે. તેમણે પરમજીત કાત્યાલના એક જૂના વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તેમને એ ઘટના અંગે પહેલેથી જ જાણ હતી.
આ પણ વાંચોઃ BJPએ સંજીવ ઝા સહિત 4 ધારાસભ્યોને 20 કરોડની ઓફર આપી હોવાનો AAPનો દાવો
યોગેન્દ્ર યાદવે ટ્વિટમાં લખ્યું હતું કે, 'પરમજીતજીએ 7 વર્ષ પહેલા મને આ ઘટનાની જાણ કરી હતી. તે સમયે મેં પુછપરછ કરી અને મને તે આખી વાત સંપૂર્ણપણે સત્ય હોવાની જાણ થઈ હતી. અરવિંદ કેજરીવાલના આદેશ પર ડિસેમ્બર 2013માં પોતાના જ ધારાસભ્યને ભાજપના નામે ફોન કરાવાયા હતા. આવી કરતૂતોના કારણે જ અમને લોકોને આપના નેતૃત્વથી મોહભંગ થયો હતો.'
પરમજીત કાત્યાલના વીડિયોમાં શું છે?
લિકર પોલિસી મામલે આમ આદમી પાર્ટી (આપ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે મંગળવારે રાતે ટ્વિટર પર એક નવો વીડિયો શેર કર્યો હતો. તેમણે દિલ્હીની સત્તાધારી પાર્ટી સામે કટાક્ષ કર્યો હતો. સાથે જ તપાસના આદેશ બાદ નવી લિકર એક્સાઈઝ પોલિસી શા માટે પલટાવી દેવાઈ તે મામલે અરવિંદ કેજરીવાલની સ્પષ્ટતા પણ માંગી હતી.
અમિત માલવીયે એક જૂનો વીડિયો પણ શેર કર્યો હતો જે આપના પૂર્વ સચિવ પરમજીત સિંહ કાત્યાલનો છે. વીડિયોમાં તેઓ અરવિંદ કેજરીવાલની મજાક ઉડાડતા સંભળાય છે. વીડિયોમાં તેમણે ભાજપ પર આપના 35 ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. પરમજીત કાત્યાલે એવો દાવો કર્યો હતો કે, તેમને અને અન્ય લોકોને અરૂણ જેટલી તથા નિતિન ગડકરી જેવા વરિષ્ઠ ભાજપના નેતાઓના નામ પર આપના ધારાસભ્યોને પૈસાના બદલામાં પાર્ટી છોડવાની ઓફર આપવા કહેવામાં આવ્યું હતું.
વીડિયોમાં કાત્યાલ કહી રહ્યા છે કે, 'મજેદાર વાત એ છે કે, જ્યારે અમે ટીવી પર અરવિંદ કેજરીવાલને એમ કહેતા જોયા કે ભાજપ તેમના ધારાસભ્યોને બોલાવી રહી છે અને તેમને ખરીદવાનો પ્રયત્ન કરી રહી છે અને તેમને 35 લાખની ઓફર આપી રહી છે. મને પહેલી વખત એવી લાગણી થઈ કે હું કશુંક ખોટું કરી રહ્યો હતો.'
આ પણ વાંચોઃ ભાજપની ઓફરનું રેકોર્ડિંગ હોવાનો સિસોદિયાનો દાવો, કહ્યું- હું CM બનવા નથી આવ્યો