કાશ્મીરથી કન્યાકુમારી સુધી ધામધૂમથી યોગ દિવસ ઊજવાયો
- દુનિયા નવા યોગ અર્થતંત્રને આગળ વધતા જોઈ રહી છે : પીએમ
નવી દિલ્હી : સમગ્ર દુનિયામાં શુક્રવારે ૨૧ જૂને ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધામધૂમથી ઊજવણી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં ડલ સરોવરના કિનારે શેર-એ-કશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રમાં ૭,૦૦૦થી વધુ લોકો સાથે યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઊજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, દુનિયા આજે એક નવા યોગ અર્થતંત્રને આગળ વધતા જોઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શ્રીનગરના ડલ સરોવર ખાતે સવારે ૬.૩૦ કલાકે આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે કહ્યું કે, ભારતમાં મેડિકલ પ્રવાસન પછી હવે ઋષિકેશ, કાશીથી લઈને કેરળ સુધી યોગ પ્રવાસનનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. દુનિયામાં પ્રવાસીઓ એટલા માટે ભારત આવી રહ્યા છે, કારણ કે તેમણે યોગ શીખવો છે. આજે યોગ રિટ્રીટ, યોગ રિસોર્ટ, એરપોર્ટ્સમાં, હોટેલ્સમાં યોગ માટે વિશેષ સુવિધાઓ અપાય છે.
શ્રીનગરમાં પીએમ મોદી સાથે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઊજવણી થઈ હતી. આ વર્ષની થીમ 'સ્વયં અને સમાજ માટે યોગ' હતી. આ થીમ વ્યક્તિગત કલ્યાણ અને સામાજિક સદ્ભાવના બંનેને પ્રોત્સાહન આપવામાં યોગની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી યોગ કાર્યક્રમોના આયોજન થયા હતા. ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં મદરેસાઓમાં પણ યોગના કાર્યક્રમો યોજાયા હતા.
દુનિયાભરમાં શુક્રવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી થઈ છે ત્યારે ભારતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ વહેલી સવારે યોગ કરીને આ ઊજવણીમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે, યોગ માનવતાને ભારતની મોટી ભેટ છે. વર્તમાન સમયમાં કથળતી જીવનશૈલી સંબંધિત સમસ્યાઓના કારણે યોગનું મહત્વ વધ્યું છે.
રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ પણ તેમની સાથે યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સમગ્ર વિશ્વના સમાજોને યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. દુનિયામાં જીવનશૈલી સંબંધિત સમસ્યાઓ વધી રહી છે ત્યારે માવન જીવનમાં યોગનું મહત્વ વધી ગયું છે. યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીનું માધ્યમ છે.