વધુ એક ક્રિકેટરે રાજકીય ઇનિંગનો આરંભ કર્યો, અચાનક નિવૃતિ જાહેર કરીને ચાહકોને આપ્યો હતો આંચકો
આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીની વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા
થોડાક સમય પહેલા જ 20 ફોર્મેટમાંથી પણ નિવૃતિ જાહેર કરી હતી
હૈદરાબાદ,૨૮ ડિસેમ્બર,૨૦૨૩,ગુરુવાર
ક્રિકેટર અને ફિલ્મ કલાકારોને રાજકારણ સાથે ચોલી દામન જેવો સંબંધ રહયો છે. ભારતના વધુ એક ક્રિકેટ ખેલાડીએ રાજકારણમાં ઝંપલાવ્યું છે. પૂર્વ ક્રિકેટ ખેલાડી અંબાતી તિરુપતિ રાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.
મુખ્યમંત્રી ઉપરાંત ડેપ્યુટી સીએમ નારાયણ સ્વામી અને સાંસદ પેદ્દીરેડ્ડી મિથુન રેડ્ડી પણ રાયડુના રાજકારણ પ્રવેશ કાર્યક્રમમાં હાજર રહયા હતા. રાયડુની ક્રિકેટ કેરિયર ખૂબજ નોંધનીય રહી હતી. અનેક ઇનિંગમાં બેટસમેન તરીકે સુંદર પ્રદર્શન કરીને લોકપ્રિયતા મેળવી હતી. ૨૦૧૯ની વિશ્વકપ સ્પર્ધામાં પસંદગી ના થતા નારાજ થઇને અચાનક જ નિવૃતિ લીધી ત્યારે તેના ચાહકોને આંચકો લાગ્યો હતો.
જો કે ભારતમાં લોકપ્રિય ૨૦ ક્રિકેટ સ્પર્ધા ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ) રમવાનું ચાલું રાખ્યું હતું.દોઢ મહિના પહેલા ૨૦ સહિતના તમામ ફોર્મેટમાંથી ક્રિકેટ રમતમાંથી સંપૂર્ણ સન્યાસ લઇને આંધ્રપ્રદેશની રાજનીતિમાં કારર્કિદીની નવી ઇનિંગનો પ્રારંભ કર્યો છે. રાજકારણમાં પ્રવેશ અંગે પ્રતિક્રિયા આપતા રાયડુએ જણાવ્યું હતું કે લોકોની સમસ્યાઓને પરખવા અને સમજવા માટે રાજયના વિવિધ ભાગોની મુલાકાત લેવાનું નક્કી કર્યુ છે.