'હા હું આદિત્યને CM બનાવવા માગુ છું', ઉદ્ધવ ઠાકરેએ ખુલ્લા મંચથી કર્યું એલાન

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
'હા હું આદિત્યને CM બનાવવા માગુ છું', ઉદ્ધવ ઠાકરેએ ખુલ્લા મંચથી કર્યું એલાન 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 08 માર્ચ 2024 શુક્રવાર

લોકસભા ચૂંટણી પહેલા શિવસેના અને ભાજપની વચ્ચે વાગ્યુદ્ધ ચાલી રહ્યુ છે. એક બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષી દળોને પરિવારવાદના મુદ્દા પર ઘેરી રહ્યા છે. શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરેએ ખુલ્લા મંચથી કહી દીધુ કે તેઓ પુત્ર આદિત્યને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે. 

ગુરૂવારે ધારાશિવમાં એક રેલી દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહ પર ખૂબ પ્રહાર કર્યા. રિપોર્ટ અનુસાર તેમણે કહ્યુ, 'હા, હુ આદિત્યને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છુ છુ. આ શક્ય કરવા માટે તમારે સૌ એ પહેલા તેને તે પદ માટે ચૂંટવો પડશે. ખાસ વાત એ છે કે લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પણ આ વર્ષે થવાની છે.'

તેમણે ભાજપ અને અન્ય દળોને દિવંગત બાલાસાહેબ ઠાકરેની તસવીરોનો ઉપયોગ ન કરવાનો પડકાર ફેંક્યો. તેમણે કહ્યુ, 'તમે કેમ મારા પિતાની તસવીર ચોરી રહ્યા છો? જો તમારી પાસે હિંમત છે તો પ્રચારમાં પોતાના પિતાનો ઉપયોગ કરો. શાહે વિપક્ષી નેતાઓ પર જન કલ્યાણ પહેલા પોતાના પરિવારોને પ્રાથમિકતા આપવાના આરોપ લગાવ્યા હતા.'

રિપોર્ટ અનુસાર ઠાકરેએ આરોપ લગાવ્યો કે શાહ ઘણી વખત મહારાષ્ટ્ર આવે છે પરંતુ મુશ્કેલ વિસ્તારોમાં જવાથી બચે છે. તેમણે કહ્યુ, 'કેમ તેઓ મણિપુર ગયા નહીં, જ્યારે તે સળગી રહ્યુ હતુ? તેઓ અરુણાચલ પ્રદેશ જવાથી પણ બચે છે, જે ચીનનો સામનો કરી રહ્યા છે. તેઓ વિરોધીઓને ડરાવવા માટે માત્ર મહારાષ્ટ્રનો પ્રવાસ કરે છે.' 

લાલુ પ્રસાદ યાદવે ઉઠાવ્યો પરિવારવાદનો મુદ્દો

તાજેતરમાં જ પટનામાં એક રેલી દરમિયાન બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પરિવારવાદના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે 'જો મોદીનો પરિવાર નથી તો અમે શું કરી શકીએ છીએ. જે બાદ પીએમ મોદીએ આ નિવેદનનો ઉલ્લેખ કર્યો અને ભાજપ નેતાઓએ સોશિયલ મીડિયા પર નામ બદલીને મોદી કા પરિવાર લખી દીધુ હતુ.'


Google NewsGoogle News