સરકારને વર્ષ 2023 ફળ્યું : જીએસટીનું સરેરાશ માસિક કલેક્શન રૂ. 1.66 લાખ કરોડ
- ડિસે.માં જીએસટી કલેક્શન રૂ. 1.64 લાખ કરોડને પાર
- એપ્રીલથી ડિસેમ્બર સુધીનું જીએસટી કલેક્શન રૂ. 14.97 લાખ કરોડ, પાંચ વર્ષથી સતત વધારો થયો
નવી દિલ્હી : કેન્દ્ર સરકારને ૨૦૨૩નું વર્ષ ફળ્યું છે. વર્ષના અંતે જીએસટી કલેક્શનમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો હતો. ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનનો આંકડો વધીને ૧.૬૪ લાખ કરોડને પાર પહોંચી ગયો હતો. આ જ સમયગાળામાં વર્ષ ૨૦૨૨માં એકઠા થયેલા જીએસટી કલેક્શનનો આ આંકડો ૧.૪૯ લાખ કરોડ હતો. એટલે કે ૧૦ ટકાનો વધારો થયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં જીએસટીની આવકમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. એપ્રીલથી ડિસેમ્બર સુધીનું સરેરાશ માસિક કલેક્શન ૧.૬૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
ડિસેમ્બર મહિનામાં સેંટ્રલ જીએસટી ૩૦,૪૪૩ કરોડ, સ્ટેટ જીએસટી ૩૭,૯૩૫ કરોડ જ્યારે ઇંટીગ્રેટેડ જીએસટી ૮૪,૨૫૫ કરોડ રૂપિયા તેમજ સેસ ૧૨,૨૪૯ કરોડ રૂપિયા રહ્યો હતો. તાજેતરના જીએસટી ડેટા સાથે વર્ષ ૨૦૨૩-૨૪માં સરેરાશ માસીક કલેક્શન ૧.૬૬ લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી જીએસટીની આવકમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન જીએસટી કલેક્શન દર મહિને સરેરાશ એક લાખ કરોડથી નીચુ રહેતુ હતું.
જોકે કોરોના મહામારી બાદ જ આ આંકડામાં ઉછાળો આવવાનું શરૂ થયું હતું. અને વર્ષ ૨૦૨૨-૨૩માં માસિક કલેક્શનનો સરેરાશ આંકડો ૧.૫૧ લાખ કરોડ રૂપિયાને પાર જતો રહ્યો હતો. હવે ડિસેમ્બર મહિનામાં તેનાથી પણ મોટો ઉછાળો આવ્યો છે અને સરકારે જીએસટીના ૧.૬૪ લાખ કરોડ રૂપિયા એકઠા કર્યા છે. ગત વર્ષે દર મહિને જીએસટીની આવકમાં વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૩માં એપ્રીલથી ડિસેમ્બર સુધીનું કુલ જીએસટી કલેક્શન વધીને ૧૪.૯૭ લાખ કરોડ પર પહોંચી ગયું હતું. ગુજરાતના જીએસટી પર નજર કરીએ તો રાજ્યમાં ડિસેમ્બર ૨૦૨૩માં ૫૦૭૯ કરોડ રૂપિયાની જીએસટી આવક સરકારને થઇ છે. ગયા વર્ષની શરૂઆતથી જ ગુજરાતના જીએસટી કલેક્શનનો આંકડો પાંચ હજાર કરોડને પાર રહ્યો હતો.