'Yeah, Yeah, નહીં Yes બોલો, આ કોફી શોપ નહીં કોર્ટ છે...' ચીફ જસ્ટિસ વકીલ પર ભડક્યા
Image: Facebook
CJI D Y Chandrachud: ભારતના ચીફ જસ્ટિસ ડી. વાય ચંદ્રચૂડે સોમવારે એક વકીલને કોર્ટ શિષ્ટાચારનો પાઠ ભણાવ્યો, જે ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ધ આંતરિક તપાસની માગ કરી રહ્યા હતા. ચીફ જસ્ટિસની સામે વકીલ પોતાની અરજી વિશે જણાવી રહ્યા હતા, ત્યારે ડી. વાય. ચંદ્રચૂડે વકીલને કહ્યું કે 'બેન્ચના સવાલનો જવાબ આપતી વખતે 'Yeah, Yeah નહીં, Yes બોલો કહો.'
'મને એલર્જી છે...'
ચીફ જસ્ટિસની ટકોર બાદ વકીલે તાત્કાલિક માફી માગી અને પોતાની દલીલો રજૂ કરવાનું ચાલુ રાખ્યું પરંતુ તેમણે ફરીથી ભૂલ કરી અને CJIને જવાબ આપતી વખતે 'યે' શબ્દનો ઉપયોગ કર્યો. ત્યારે ચીફ જસ્ટિસે તેમને ફરી વિનમ્રતાથી આ રીતે નહીં બોલવાનું કહ્યું.
ચીફ જસ્ટિસે કહ્યું, 'આ કોઈ કોફી શોપ નથી, મને આ 'યે, યે, યા, યા શબ્દોથી બહુ એલર્જી છે. કોર્ટમાં તેની મંજૂરી ના આપી શકાય. વકીલે 2018માં પૂર્વ CJI રંજન ગોગોઈ વિરુદ્ધ ઈન-હાઉસ તપાસની માગ કરતા એક અરજી દાખલ કરી હતી.
આ અંગે ચીફ જસ્ટિસે વકીલને કહ્યું કે, 'જસ્ટિસ ગોગોઈ હવે રિટાયર્ડ જજ છે અને કોર્ટ આ પ્રકારની તપાસનો આદેશ આપી શકતી નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ સમીક્ષા અરજી પહેલા જ ફગાવી દેવાઈ છે. તેથી અરજીકર્તાએ હવે ક્યુરેટિવ અરજી દાખલ કરવી પડશે. આ કલમ 32ની અરજી છે? તમે પ્રતિવાદી તરીકે જજની સમક્ષ જનહિત અરજી કેવી રીતે દાખલ કરી શકો છો? તેઓ કોર્ટના પૂર્વ જજ હતા અને તમે એક જજ વિરુદ્ધ આ પ્રકારની અરજી દાખલ કરી શકો નહીં અને ઈન-હાઉસ તપાસની માગ કરી શકો નહીં.'
આ અંગે અરજદાર વકીલે કહ્યું, 'પરંતુ જસ્ટિસ ગોગોઈએ તે નિવેદન પર વિશ્વાસ કરતાં મારી અરજી ફગાવી દીધી, જેને મેં ગેરકાયદે હોવાના કારણે પડકાર આપ્યો હતો. મારી કોઈ ભૂલ નહોતી, મે વિનંતી કરી હતી કે તે શ્રમ કાયદાની જાણકાર કોઈ બેન્ચ સમક્ષ મારી સમીક્ષા અરજી રજૂ કરો પરંતુ આવું થયું નહીં અને તેને ફગાવી દેવાઈ.'
ત્યારે ચીફ જસ્ટિસે અરજદારને કહ્યું કે 'તમે પોતાની અરજીથી જસ્ટિસ ગોગોઈનું નામ હટાવી દો અને હવે અમે તેને જોઈશું.'