યતિ નરસિંહાનંદે ફરી પયગમ્બર સાહેબનું અપમાન કર્યું, રાવણની કરી પ્રશંસા, વીડિયો થયો વાયરલ
Image: Facebook
Yati Narsinghanands Disputed Statement: ગાઝિયાબાદના ડાસના મંદિરના મહંત યતિ નરસિંહાનંદના વિવાદિત નિવેદનથી હોબાળો મચી ગયો છે. રાવણ પરિવારના વખાણ કરતાં તેમણે પયગમ્બર સાહેબ અને કુરાનને લઈને પણ ખૂબ વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમનો લગભગ એક અઠવાડિયા જૂનો વીડિયો સામે આવ્યા બાદ વાયરલ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર હજારો લોકોએ યતિને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો તો ગાઝિયાબાદ પોલીસે તેમની તાત્કાલિક ધરપકડ કરી છે.
યતિ નરસિંહાનંદનું વિવાદિત નિવેદન
29 સપ્ટેમ્બરે ગાઝિયાબાદના હિંદી ભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અમર બલિદાની મેજર આસારામ વ્યાગ સેવા સંસ્થા તરફથી તેનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં યતિ નરસિંહાનંદ પણ આવ્યા હતા. યતિએ જ્યારે માઈક સંભાળ્યુ તો પોતાના અંદાજમાં બોલવાનું શરૂ કર્યું. તેમણે મેઘનાદ, કુંભકરણના વખાણ કર્યાં તો રાવણને લઈને કહ્યું કે 'તેણે નાની ભૂલ કરી.' યતિએ મેઘનાદ, કુંભકરણ અને રાવણનું પૂતળુ ન સળગાવવાની અપીલ કરી. તે બાદ તેઓ પયગંબર પર ખૂબ વાંધાજનક વાતો કરવા લાગ્યા.
યતિએ કહ્યું, 'આપણે દર વર્ષે મેઘનાદને સળગાવીએ છીએ, તેમના જેવા ચરિત્રવાન વ્યક્તિનો આ પૃથ્વી પર જન્મ થયો નથી. આપણે દર વર્ષે મેઘનાદને સળગાવીએ છીએ, તેમના જેવો વિજ્ઞાની યોદ્ધા પેદા થયો નથી. તેમની ભૂલ શું હતી, રાવણે એક નાની ભૂલ કરી અને આજે લાખો વર્ષ થઈ ગયા છતાં આપણે રાવણને સળગાવી રહ્યાં છીએ.'
રાવણ પરિવારના વખાણ કર્યા બાદ યતિએ તેને ન સળગાવવાની અપીલ કરી. આ સાથે જ તે પયગંબર પર વિવાદિત વાતો કરવા લાગ્યા. મહંમદ સાહેબ પર ટિપ્પણી પહેલા યતિએ એ પણ કહ્યું કે 'હું જે બોલવા જઈ રહ્યો છું તેનું રેકોર્ડિંગ થઈ જાય. કોઈ રેકોર્ડ કરી રહ્યું છે કે નહીં, કરી લેજો.' પયગંબર મહંમદ સાહેબ સિવાય તેમણે કુરાનને લઈને પણ વિવાદિત વાતો કહી.
પોલીસે એફઆઈઆર નોંધાવી
પહેલા પણ પોતાના વિવાદિત નિવેદનોથી હોબાળો મચાવી ચૂકેલા યતિ નરસિંહાનંદનો વીડિયો વાયરલ થયા બાદ ગાઝિયાબાદ પોલીસે તેમના વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. પોલીસનું કહેવું છે કે કેસ નોંધાયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સિહાની ગેટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. એસીપીએ જણાવ્યું કે 'મહંત યતિ નરસિંહાનંદ વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાને અંગે કેસ નોંધીને આગામી કાર્યવાહી કરવામાં આવી રહી છે.'