3800 કિમીનું અંતર કાપી યાગી વાવાઝોડું ભારત પહોંચ્યું: આ રાજ્યોમાં થશે સૌથી વધુ અસર
Image Source: Twitter
Cyclone Yagi Impact in India: અનેક દેશોમાં વિનાશ વેરનાર યાગી વાવાઝોડું ભારત પહોંચ્યું છે. 30 વર્ષ બાદ ભારતના હવામાનમાં આવો બદલાવ જોવા મળ્યો છે. યાગી વાવાઝોડાની એટલી અસર છે કે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે 15 સપ્ટેમ્બર પછી ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ જાય છે.
પ્રશાંત મહાસાગરમાંથી ઉદભવેલું સાયક્લોન સૌથી પહેલા ચીનના દક્ષિણ કિનારે પહોંચ્યું અને બે જ દિવસમાં સુપર ટાયફૂનમાં ફેરવાઈ ગયું હતું. તેની રફ્તાર 350 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે. આ જ રફ્તારથી સુપર ટાયફૂન ફિલિપાઈન્સ, વિયેતનામ, થાઈલેન્ડ, મ્યાનમાર અને લાઓસમાં ત્રાટક્યું હતું. લાંબા અંતર કાપ્યા બાદ પણ આ વાવાઝોડા પર કોઈ ખાસ અસર નથી થઈ.
છેલ્લા દિવસોમાં યાગી વાવાઝોડું સાયક્લોનમાં ફેરવાઈ ગયું છે અને 3800 કિલોમીટરનું અંતર કાપી તે ભારત પહોંચ્યું છે. યાગી વાવાઝોડાની અસરને કારણે જ દિલ્હી-એનસીઆર, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
3800 કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં ઉદભવેલા આ સાયક્લોનની ભારતના હવામાન પર અસર જોઈને વિજ્ઞાનીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જોકે યાગી વાવાઝોડાની અસર બંગાળ, ઝારખંડ, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશ માટે ફાયદાકારક સાબિત થઈ છે. વાવાઝોડાએ આ વિસ્તારોમાં વરસાદના અભાવની ભરપાઈ કરી છે. જો કે આ વિસ્તારમાંથી નીકળ્યા બાદ યાગી વાવાઝોડું હવે પશ્ચિમ તરફ વધી રહ્યું છે.
પશ્ચિમ ભારતમાં દેખાશે અસર
યાગી વાવાઝોડાના કારણે પશ્ચિમ ભારતમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. જેના કારણે પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં હળવો વરસાદ પડી શકે છે. 27 સપ્ટેમ્બર બાદ સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે.