આસામમાંથી રૂ. 71 કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત
- આસામ પોલીસના એસટીએફએ બે લોકોની ધરપકડ કરી
- પોલીસને બે વાહનોમાંથી 2,70,000 યાબા ટેબલેટ અને સાબુના 40 બોક્સમાં છુપાવેલુ 520 ગ્રામ હેરોઇન મળ્યુંં
ગુવાહાટી : આસામના કામરૂપ જિલ્લામાં એક સર્ચ ઓપરેશન દરમિયાન ૭૧ કરોડ રૂપિયાનું હેરોઇન અને પ્રતિબંધિત યાબા ટેબલેટ જપ્ત કરવામાં આવી છે અને આ સંબધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ચોક્કસ બાતમીને આધારે આસામ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ અમિનગાવ વિસ્તારમાં એક ઓપરેશન શરૂ કર્યુ હતું. આ ઓપરેશનમાં બાજુના રાજ્યમાંથી આવેલા બે વાહનોને રોકવામાં આવ્યા હતાં.
તપાસ દરમિયાન પોલીસને આ બંને વાહનોમાંથી ૨,૭૦,૦૦૦ યાબા ટેબલેટ અને સાબુના ૪૦ બોક્સમાં છુપાવેલુ ૫૨૦ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું.
યાબા ટેબલેટ ક્રેઝી ડ્રગ તરીકે પણ ઓળખાય છે. ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણકે તેમાં મેથામ્ફેટામાઇન હોય છે.
પોલીસના જણાવ્યા અનુસાર પકડવામાં આવેલા બે લોકો બાજુના રાજ્યમાંથીઆ ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરવામાં આવેલા યાબા ટેબલેટનું બજાર મૂલ્ય ૬૭ કરોડ રૂપિયા અને હેરોઇનનું મૂલ્ય ચાર કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.
આ સર્ચ ઓપરેશનનું નેતૃત્ત્વ એસટીએફના વડા પાર્થસારથી મહાંતાએ કર્યુ હતું. તેમને આ ઓપરેશનમાં એડિશનલ એસપી કલ્યાણ પાઠકે પણ મદદ કરી હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે વધુ તપાસ ચાલુ છે અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.