ફરિદાબાદમાં વરસાદી પાણી ભરેલા અન્ડરબ્રિજમાં એક્સયુવી ડૂબી, બેનાં મોત
- ઉત્તર પ્રદેશના ફરિદાબાદ નગરપાલિકાની બેદરકારી
- જૂના ફરિદાબાદમાં સાત ફૂટ ઊંડા અન્ડરપાસમાં પાણીમાંથી મૃતદેહ કાઢવામાં ચાર કલાક લાગ્યા
ફરિદાબાદ : હરિયાણામાં શુક્રવારે આખો દિવસ થયેલા વરસાદમાં ફરિદાબાદમાં એક દુર્ઘટના ઘટી હતી. નગર નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે બે પરિવાર નોંધારા થઈ ગયા. જૂના ફરિદાબાદમાં પાણી ભરેલા અન્ડરપાસમાંથી પસાર થતાં એક્સયુવી૭૦૦ ડૂબી ગઈ હતી, તેમાં બેઠેલા બેન્ક મેનેજર અને કેશિયરનું મોત થઈ ગયું. બંને એચડીએફસી બેન્કમાં કામ કરતા હતા.
હરિયાણામાં શુક્રવારે અનેક સ્થળો પર હળવાથી ભારે વરસાદ ખાબક્યો હતો. જેથી જૂના ફરિદાબાદ રેલવે અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જોકે, અહીં નગર નિગમના અધિકારીઓ દ્વારા કોઈ બેરીકેડ મૂકાયા નહોતા. પરિણામે રાતના સમયે એચડીએફસી બેન્કના મેનેજર પુણ્યશ્રેય શર્મા અને કેશિયર વિરાજ દ્વિવેદીની એક્સયુવી૭૦૦ કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. અહીં બંનેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું.
એચડીએફસી બેન્કના મેનેજરનું શબ પોલીસે થોડાક જ સમયમાં બહાર કાઢી લીધું હતું. પરંતુ કેશિયરનો મૃતદેહ શોધવા માટે પોલીસે એસડીઆરએફની ટીમ બોલાવવી પડી હતી. ડૂબકી લગાવનારા સ્ટીમર લઈને પાણીમાં ઉતર્યા અને ચાર કલાકની જહેમત પછી લોખંડની જાળીની મદદથી કેશિયર વિરાજ દ્વિવેદીનો મૃતદેહ બહાર કઢાયો હતો. આ અન્ડરપાસ સાત ફૂટ જેટલા પાણીમાં ડૂબેલો હતો તેમ છતાં ત્યાં પોલીસ કે નગર પાલિકા દ્વારા બેરિકેડ મૂકાયા નહોતા. બંને મૃતકોના સ્વજનોએ નગર પાલિકાના અધિકારીઓ વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ એનઆઈટી પોલીસ સ્ટેશનમાં કરી દીધી છે.