Get The App

કોંગ્રેસના અધિવેશનમાં ભારતનો ખોટો નક્શો છપાતાં વિવાદ, POK જ ગુમ થતાં ભાજપ ભડક્યું

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસના અધિવેશનમાં ભારતનો ખોટો નક્શો છપાતાં વિવાદ, POK જ ગુમ થતાં ભાજપ ભડક્યું 1 - image


CWC Session: કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિ(CWC)ની બેઠક યોજાવા જઈ રહી છે. ત્યારે આ પહેલા નેતાઓના સ્વાગત માટે પોસ્ટર અને બેનરો લગાવવામાં આવ્યા છે, જેના કારણે હવે વિવાદ છેડાઈ ગયો છે. આરોપ છે કે, પાર્ટીના કાર્યકરોએ બેનરો અને ફ્લેક્સમાં ભારતના નકશાને વિકૃત રૂપે રજૂ કર્યો છે. બેલાગવી શહેરના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલા આ બેનરોમાં છપાયેલા ભારતના નકશામાંથી પાકિસ્તાનના કબજાવાળું કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીનના વિસ્તારોને ગાયબ કરી દેવામાં આવ્યા છે. આ મામલે હવે ભાજપે પલટવાર કર્યો છે અને આકરા પ્રહારો કરીને કોંગ્રેસને નવી મુસ્લિમ લીગ ગણાવી દીધી છે.

પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ હાજરી આપશે

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)ની બેઠક 26 અને 27 ડિસેમ્બરના રોજ બેલગાવીમાં યોજાવા જઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી આ વર્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનની શતાબ્દી તરીકે ઉજવણી કરી રહી છે, જેની સ્થાપના 1924માં થઈ હતી. આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ હાજરી આપશે.

કોંગ્રેસ પર ભારતના નકશાને વિકૃત કરવાનો આરોપ લગાવ્યો

ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર ભારતના નકશાને વિકૃત કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજય પાટીલે કહ્યું કે, 'આ કોંગ્રેસની વાસ્તવિક માનસિકતા દર્શાવે છે. આ જ કારણોસર કોંગ્રેસે કલમ 370 હટાવવાનું સમર્થન નથી કર્યું.'

કોંગ્રેસ હવે નવી મુસ્લિમ લીગ બની ગઈ

બીજી તરફ સ્થાનિક ભાજપના કૉર્પોરેશન કાઉન્સિલર શ્રેયા નાકડીએ આ અંગે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, 'ભારતનો તાજ ગાયબ છે. હવે આ મહાત્મા ગાંધીનું ભારત નથી પણ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનું ભારત છે.' ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં કહ્યું કે, 'કોંગ્રેસ હવે નવી મુસ્લિમ લીગ બની ગઈ છે. તે ભારતને ફરીથી તોડવા માગે છે.'

આ પણ વાંચો: 24 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસને I.N.D.I.A.થી બહાર કરાશે: AAPનું અલ્ટિમેટમ

કોંગ્રેસે આ મામલે અંતર બનાવ્યું

કોંગ્રેસે આ મામલે અંતર જાળવી રાખતાં કહ્યું કે, 'આ કોંગ્રેસના સત્તાવાર બેનરો નથી. કોંગ્રેસના એમએલસી નાગરાજ યાદવે કહ્યું કે, આ કોંગ્રેસના સત્તાવાર બેનર નથી, આ કેટલાક અનુયાયીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. જો કેટલાક શુભેચ્છકો અથવા અનુયાયીઓ નેતાઓને આવકારવા માટે બેનરો લગાવે છે, તો તેઓ સરકારની સલાહ નથી લેતા.'


Google NewsGoogle News