Get The App

અનુરાગ ઠાકુર સાથેની બેઠક સમાપ્ત, કુસ્તીબાજોએ કહ્યું ‘...ત્યાં સુધી કોઈપણ પ્રકારનું પ્રદર્શન નહીં કરીએ’

બ્રિજભૂષણ શરણ સિંહ મામલે કુસ્તીબાજોએ રજુ કરેલા મુદ્દાઓ પર રમત-ગમત મંત્રી સહમત થયા

અનુરાગ ઠાકુરે 15 જૂન સુધીમાં તપાસ પૂર્ણ કરવાની ખાતરી આપી, ત્યાં સુધી કુસ્તીબાજો પણ પ્રદર્શન નહીં કરે

Updated: Jun 7th, 2023


Google NewsGoogle News
અનુરાગ ઠાકુર સાથેની બેઠક સમાપ્ત, કુસ્તીબાજોએ કહ્યું ‘...ત્યાં સુધી કોઈપણ પ્રકારનું પ્રદર્શન નહીં કરીએ’ 1 - image

નવી દિલ્હી, તા.7 જૂન-2023, બુધવાર

કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર અને કુસ્તીબાજો વચ્ચે આજે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કુસ્તીબાજોએ કહ્યું કે, 15 જૂન સુધીમાં પોલીસ તપાસ પૂર્ણ કરવાની ખાતરી અપાઈ છે અને ત્યાં સુધી કોઈપણ પ્રકારનું પ્રદર્શન નહીં કરવામાં આવે. ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહેલા કુસ્તીબાજોએ કહ્યું કે, તેમને ખાતરી આપવામાં આવી છે. ધીમી ગતિથી પોલીસ તપાસ થઈ રહી હતી, જેના પર 15 જૂન સુધીમાં તપાસ પૂર્ણ કરવાનું આશ્વાસન અપાયું છે. રમત-ગમત મંત્રીએ કુસ્તીબાજોને બેઠક માટે બોલાવ્યા હતા.

અનુરાગ ઠાકુર અને કુસ્તીબાજો વચ્ચે આ મુદ્દો પર થઈ ચર્ચા, સહમતી પણ થઈ

અનુરાગ ઠાકુરે કહ્યું કે, મેં કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું હતું અને વાતચીત સારી રીતે સમાપ્ત થઈ છે. અમે 6 કલાક ચાલેલી બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. ચર્ચા કરાયેલા મુદ્દાઓમાં એવું કહેવાયું છે કે, આરોપોની તપાસ પૂર્ણ કરી 15 જૂન સુધીમાં ચાર્જશીટ આપવામાં આવે... 30 જૂન સુધીમાં ચૂંટણી યોજવામાં આવે... આંતરિક ફરિયાદ સમિતિ બનાવવામાં આવે, જેનું નેતૃત્વ મહિલાએ કરવું જોઈએ... WFIની ચૂંટણીઓ યોજાય ત્યારે સારા પદાધિકારીઓની પસંદગી કરવી જોઈએ, તેના માટે ખેલાડીઓ પાસેથી અભિપ્રાય લેવા જોઈએ... બ્રિજ ભૂષણ સાથે સંકળાયેલા લોકો પસંદગી થઈને ન આવવા જોઈએ... આ તેમની માંગ હતી. ચર્ચા દરમિયાન ખેલાડીઓ સામેના કેસ પાછા ખેંચવાની માંગ પણ કરાઈ છે. આ બધી ચર્ચાઓ સાથે અમારી સહમતિથી થઈ છે.

બ્રિજ ભૂષણની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે કુસ્તીબાજો

કુસ્તીબાજોનું કહેવું છે કે, જ્યાં સુધી બ્રિજભૂષણને જેલમાં ન ધકેલવામાં આવે ત્યાં સુધી તેઓ વિરોધ પ્રદર્શન કરતા રહેશે. કુસ્તીબાજોને લાગે છે કે ધીમી ગતીએ તપાસ થઈ રહી છે. કુસ્તીબાજ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ સતત બ્રિજભૂષણની ધરપકડની માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે, ગૃહમંત્રી અમિત શાહને મળ્યાના થોડા દિવસો બાદ સરકારે બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, સરકાર કુસ્તીબાજો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા આતુર છે. મેં ફરી એકવાર કુસ્તીબાજોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે.


Google NewsGoogle News