Get The App

પ્લેસીસ ઓફ વર્શિપ ઍક્ટ: સુનાવણી સુધી મંદિર-મસ્જિદને લગતી નવી અરજી દાખલ નહીં કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
પ્લેસીસ ઓફ વર્શિપ ઍક્ટ: સુનાવણી સુધી મંદિર-મસ્જિદને લગતી નવી અરજી દાખલ નહીં કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ 1 - image


Worship Act Case: સુપ્રીમ કોર્ટમાં બુધવારે પૂજા સ્થળ અધિનિયમ, 1991 વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી ચાલુ થઈ ગઈ છે. આ દરમિયાન ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરી છે કે, આ મામલે આગામી સુનાવણી સુધી મંદિર-મસ્જિદથી જોડાયેલા કોઈપણ નવા કેસને દાખલ કરવામાં નહીં આવે. અમે ઇચ્છીએ છીએ કે, આગામી સુનાવણી સુધી કોઈ નવી અરજી દાખલ ના થાય. તમામ પક્ષકારોને પણ કહીએ છીએ કે, તમે તમારા તર્ક સંપૂર્ણ રીતે તૈયાર રાખો, જેથી કેસને ઝડપથી ઉકેલી શકાય. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચાર સપ્તાહમાં જવાબ દાખલ કરવાનો પણ નિર્દેશ કર્યો છે. 

પ્લેસીસ ઑફ વર્શિપ ઍક્ટ 1991ને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની સ્પેશિયલ બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. પૂજા સ્થળ અધિનિયમ 1991, ધાર્મિક સ્થળોની સ્થિતિને 15 ઑગસ્ટ 1947ના આધાર પર સુરક્ષા આપે છે અને તેમાં ફેરફાર પર રોક મૂકે છે. જો કે, આ કાયદામાં અયોધ્યાના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને બહાર રખાયો હતો.

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારની  દલીલો 

કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ મુદ્દે સરકાર એફિડેવિટ દાખલ કરશે. બીજી તરફ, ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ નિર્દેશ આપ્યો કે, તમે ચાર સપ્તાહમાં તમારો જવાબ દાખલ કરો. 

ચીફ જસ્ટિસની મહત્ત્વની ટિપ્પણીઓ 

ચીફ જસ્ટિસ આ કેસની કોઈ વિગતવાર સુનાવણી થશે નહીં કારણ કે તે હજુ પેન્ડિંગ છે. હવે કોઈ જ નવી અરજી દાખલ નહીં કરાય કારણ કે, સુનાવણી ચાલુ છે. આ મામલે ઘણાં પ્રશ્નો ઊભા થયા છે, જેના પર કોર્ટ સુનાવણી કરશે.

અરજદારની વધુ સુનાવણી પર રોકની માગ

વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને જણાવ્યું હતું કે, આ મામલે વિવિધ અદાલતોમાં કુલ 10 અરજી દાખલ થઈ છે, જેથી તેમાં વધુ સુનાવણી પર રોક લગાવવી જોઈએ.

સુનાવણી રોકવા મુદ્દે કેન્દ્ર સરકારનો વિરોધ

કેન્દ્ર સરકારે આ માંગનો વિરોધ કર્યો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કોઈ પણ ખાનગી પાર્ટી અરજી પર સ્ટેની માંગ કેવી રીતે કરી શકે. આ માગ સ્વીકાર્ય નથી. 

મુસ્લિમ પક્ષે પણ દલીલો કરી

મુસ્લિમ પક્ષે કહ્યું કે દેશભરમાં 10 સ્થળે 18 કેસ દાખલ કરાયા છે. અમારી વિનંતી છે કે, જ્યાં સુધી પૂજા સ્થળ કાયદા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી તમામ કેસની સુનાવણી સ્થગિત કરવામાં આવે.

દેશમાં અન્ય પડતર કેસ પણ છે

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, મથુરા કેસ અને અન્ય બે દાવા પહેલાથી જ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. આ બંને મામલાને પણ આ જ કાયદો લાગુ પડે છે. 

પ્લેસીસ ઑફ વર્શિપ ઍક્ટ નાબૂદ કરવાની માગ

આ અંગે ભાજપ નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે પણ એક જનહિત અરજી કરી છે. આ અરજીમાં તેમણે કહ્યું છે કે પ્લેસીસ ઑફ વર્શિપ ઍક્ટ નાબૂદ કરવો જોઈએ, જેથી ઇતિહાસની ભૂલો સુધારી શકાય અને ભૂતકાળમાં ઇસ્લામિક શાસકો દ્વારા અન્ય ધર્મોના જે-જે પૂજા સ્થળો અને તીર્થ સ્થળોનો વિનાશ કરીને તેમની પર ઇસ્લામિક માળખા બનાવાયા, તે પાછું તેમને સોંપવામાં આવી શકે, જે તેના હકદાર છે. પ્લેસીસ ઑફ વર્શિપ ઍક્ટ 1991ની જોગવાઈ મનસ્વી અને ગેરબંધારણીય છે. આ જોગવાઈન અનુચ્છેદ 14, 15, 21, 25, 26 અને 29નું ઉલ્લંઘન કરે છે. બંધારણના સમાનતાનો અધિકાર, જીવનનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકારમાં પ્લેસીસ ઑફ વર્શિપ ઍક્ટ 1991માં હસ્તક્ષેપ કરે છે.

આ અરજીમાં દાવો કરાયો છે કે, કેન્દ્ર સરકારે પોતાના અધિકાર વિસ્તારથી બહાર જઈને આ કાયદો બનાવ્યો છે. પૂજા પાઠ અને ધાર્મિક વિષય રાજ્યનો વિષય છે, પરંતુ કેન્દ્રએ મનસ્વી કાયદો બનાવી દીધો છે. ભારતમાં મુસ્લિમ શાસન ઈસ. 1192માં શરૂ થયું, જ્યારે મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને પરાજિત કરી દીધો. ત્યારથી ઈસ. 1947 સુધી ભારત પર વિદેશી શાસન જ રહ્યું. તેથી જો ધાર્મિક સ્થળના ચરિત્રને અકબંધ રાખવાની કોઈ કટ ઑફ ડેટ નક્કી કરવાની હોય, તો તે ઈસ. 1192ની હોવી જોઈએ. ત્યાર પછી હજારો મંદિરો અને હિંદુઓ, બૌદ્ધો અને જૈનોના તીર્થસ્થળોનો વિનાશ થતો રહ્યો. મુસ્લિમ શાસકોએ તેમને નુકસાન પહોંચાડ્યું અને તેમનો વિનાશ કરીને તેને મસ્જિદમાં બદલી દીધું.

શું છે પ્લેસીસ ઑફ વર્શિપ ઍક્ટ?

દેશની તત્કાલીન નરસિમ્હા રાવ સરકારે 1991માં પ્લેસીસ ઑફ વર્શિપ ઍક્ટ એટલે કે ઉપાસના સ્થળનો કાયદો બનાવ્યો હતો. કાયદો લાવવાનો અર્થ અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલનની વધતી તીવ્રતા અને ઉગ્રતાને શાંત કરવાનો હતો. સરકારે કાયદામા એ જોગવાઈ કરી દીધી કે અયોધ્યાની બાબરી મસ્જિદ સિવાય દેશની કોઈ પણ અન્ય જગ્યા પર કોઈ પણ પૂજા સ્થળ પર બીજા ધર્મના લોકોના દાવાને સ્વીકાર કરાશે નહીં. તે કાયદા પ્રમાણે, દેશની આઝાદીના દિવસે એટલે કે 15 ઑગસ્ટ 1947 એ કોઈ ધાર્મિક માળખું કે પૂજા સ્થળ જ્યાં જે રૂપમાં હતું, તેના પર બીજા ધર્મના લોકો દાવો કરી શકશે નહીં.

આ કાયદાથી અયોધ્યાની બાબરી મસ્જિદને અલગ કરી દેવાઈ અને આને અપવાદ બનાવી દેવાયો કારણ કે, આ વિવાદ આઝાદી પહેલાથી કોર્ટમાં વિચારાધીન હતો. આ ઍક્ટમાં કહેવાયું છે કે 15 ઑગસ્ટ 1947એ જે ધાર્મિક સ્થળ જે સંપ્રદાયના હતો તે આજે, અને ભવિષ્યમાં, પણ તેમના જ રહેશે. જો કે અયોધ્યા વિવાદને તેમાંથી બહાર રાખવામાં આવે કારણ કે, તેના પર પહેલેથી કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે. 

પૂજારીઓના સંગઠનની પણ અરજી 

પૂજારીઓના સંગઠને પણ વકીલ વિષ્ણુ શંકર જૈન થકી આ મામલે અરજી કરી છે. આ અરજીમાં પણ સુપ્રીમ કોર્ટમાંથી 1991ના પ્લેસીસ ઑફ વર્શિપ ઍક્ટને રદ કરવાની માગ કરાઈ છે. જેથી મથુરામાં કૃષ્ણ જન્મસ્થળ અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર-મસ્જિદના વિવાદનો ઉકેલ લાવી શકાય. હિંદુ પૂજારીઓના સંગઠન વિશ્વ ભદ્ર પૂજારી પુરોહિત મહાસંઘે આ ઍક્ટની જોગવાઈને પડકાર આપ્યો છે. તેમાં કહેવાયું છે કે આ ઍક્ટને ક્યારેય પડકાર પડકારાયો નથી અને ના કોઈ કોર્ટે ન્યાયિક રીતે તે દિશામાં વિચાર કર્યો છે. અયોધ્યા નિર્ણયમાં પણ બંધારણ બેન્ચે તેના પર માત્ર ટિપ્પણી કરી હતી.

જો કે, મુસ્લિમ સંગઠન જમાયત ઉલમા-એ-હિંદએ આ અરજીનો જોરદાર વિરોધ કર્યો છે. તેમણે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, આ અરજી ઇતિહાસની ભૂલોને સુધારવાનો છેતરામણો પ્રયાસ છે. અમારી ચેતવણી છે કે જો સુપ્રીમ કોર્ટે આમાં રસ લીધો તો દેશમાં કેસ અને અરજીઓનું પૂર આવી જશે. તેમનું કહેવું છે કે, આ કેસમાં કોર્ટ નોટિસ ના આપે. નોટિસ ફટકારવાથી ખાસ કરીને અયોધ્યા વિવાદ બાદ મુસ્લિમ સમુદાયના લોકોના મનમાં પોતાના પૂજા સ્થળોના સંબંધમાં ભય પેદા થશે. આ કેસ રાષ્ટ્રના ધર્મનિરપેક્ષ તાણાવાણાને નષ્ટ કરશે. 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર 1,045 પાનાના પોતાના નિર્ણયમાં 1991ના આ કાયદાનો હવાલો આપતાં કહ્યું હતું કે આ કાયદો 15 ઑગસ્ટ 1947એ સાર્વજનિક પૂજા સ્થળોના રહેલા ધાર્મિક ચરિત્રને અકબંધ રાખવા અને તેમાં પરિવર્તન વિરુદ્ધ ગેરંટી આપે છે. આ કાયદો દરેક ધાર્મિક સમુદાયને આશ્વાસન આપે છે કે તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા થશે અને તેનું ચરિત્ર નહીં બદલાય. પ્લેસીસ ઑફ વર્શિપ ઍક્ટ ધારાસભા તરફથી કરાયેલી જોગવાઈ છે, જે પૂજા સ્થળોના ધાર્મિક ચરિત્રને યથાવત્ રાખવાના આપણા ધર્મનિરપેક્ષ મૂલ્યોના અનિવાર્ય પાસાને બનાવે છે. આ એક સારો કાયદો છે. 


Google NewsGoogle News