મણીપુરના આ અજાયબ ટાપુઓ સદીઓથી તરાપાની જેમ તરે છે
ઘાસ અને વેલાઓના પ ફુટ કરતા પણ વધુ જાડા થર જામ્યા હોવાથી આ ટાપુઓ ડૂબતા નથી
કયારેક તો ૩૫ થી ૪૦ ફુટ જેટલી જગ્યા છોડે છે
ઉત્તર પૂર્વ રાજય મણીપુરમાં તાજા પાણીનો જળ જથ્થો ધરાવતું લોકાટક નામનું વિશાળ સરોવર આવેલું છે. આ ૩૧૨ ચોરસ કિમીમાં છવાયેલા આ સરોવરમાં આવેલા તરતાં ટાપુઓ દુનિયાની અજાયબ ગણાય છે. સરોવરની જળસપાટી પર જાણે કે તરાપો તરતો હોય એમ ટાપુઓ તરે છે. કયારેક તો ૩૫ થી ૪૦ ફુટ જેટલી જગ્યા છોડે છે. પાછું એક બે નહી તરાપાની જેમ તરતા ટાપુઓની હારમાળાઓ રચાય છે જે દુનિયામાં સાવ દુલર્ભ છે. સામાન્ય રીતે જમીનની સપાટીનો કોઇ પણ ભાગ ટાપુઓ હોય કે સપાટ પ્રદેશ જે ખડકો અને માટી વડે જમીન સાથે જોડાયેલા હોવાથી તેનું હલનચલન થવું શકય નથી. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ આવે ત્યારે જમીન પર ધુજારીના લીધે હલન ચલન થતું હોય છે પરંતુ તે પોતાની સપાટી છોડીને ખસતો નથી પરંતુ મણીપુર રાજયમાં આવેલા આ વિશિષ્ટ ટાપુઓ રોજ રોજ ખસે છે.
આ ટાપુઓને મણીપુરની સ્થાનિક ભાષામાં કુમડી કહેવામાં આવે છે. આ ટાપુઓ પર ડાન્સીંગ ડિયર તરીકે પ્રખ્યાત થયેલા સાંગાઇ હરણો રહે છે. પરંતુ આ ટાપુઓ પર પાણીનો ફેલાવો વધતો જતો હોવાથી હરણાઓ પરનું જોખમ વધી ગયું છે. સદીઓ પહેલા આ ટાપુઓ પર હજારોની સંખ્યામાં સાંગાઇ રહેતા હતા તે હવે ઘટીને માંડ ૧૦૦ જેટલા બચ્યા છે. લોકાટક સરોવરમાં પાણીની ભરાવો વધતો જતો હોવાથી ટાપુઓ પરની વનસ્પતિઓ ઘસાતી જાય છે. ૧૯૮૦માં લોકટક સરોવરનું ક્ષેત્રફળ આશરે ૧૦૪ ચોરસ કિલોમીટર હતું જે આજે વધીને ૩૧૨ ચોરસ કિલોમીટર થઇ ગયું છે.
શા માટે સદીઓથી આ ટાપુઓ તરતા રહે છે
દુનિયામાં પાણી પર તરતી હોટલના કૃત્રિમ મેજીક તો અનેક જોવા મળે છે પરંતુ આ ટાપુઓ રોજ કેવી રીતે ખસતા રહે છે તેનું પણ એક વિજ્ઞાાન છે. સદીઓથી ઘાસ અને વેલાઓના પ ફુટ કરતા પણ વધુ જાડા થર જામ્યા હોવાથી આ ટાપુઓ ડૂબતા નથી. ખાસ તો કાનકુટી તરીકે ઓળખાતી વિશિષ્ટ પ્રકારની વનસ્પતિ પાણી ઉપર પ્લાસ્ટીકના દડાની માફક તરવાનો ગુણધર્મ ધરાવે છે. આની સાથે વળગેલા વેલાઓ અને અન્ય વનસ્પતિ પણ તરતી રહે છે. આવું સદીઓ સુધી થવાથી પાંચ ફુટના જાડા થર જામ્યા છે જે સતત તરતા રહે છે. ઘાસની ચાદરો એવી રીતે પથરાઇ ગઇ છે કે તેનો બે થી ત્રણ ફુટ જેટલો ભાગ પાણીમાં ડુબેલો રહે તેમ છતાં ટાપુઓ સાવ ડુબી જતા નથી. આ ટાપુઓ ઉપર રચાયેલી વન્યજીવોની ધવાઇલ્ડ લાઇફ સેન્ચૂરી ધ એક માત્ર મણિપુર સિવાય જગત આખામાં બીજે કયાંય નથી. આથી તેનું પ્રવાસન તથા જોવાલાયક સ્થળ તરીકે પણ મહત્વ વધવાની શકયતા જોતા સ્થાનિક લોકોએ આ તરતા ઘાસિયા ટાપુઓ પર રહેવાનું શરુ કર્યું હોવાથી સાંગાઇ હરણાઓ માટે જોખમ ઓર વધી ગયું છે.