કાશ્મીરની ચિનાબ નદી પર છે દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ, શું છે તેની વિશેષતા?
ચિનાબ રેલ બ્રિજ નદી સપાટીથી 359 મીટરની ઊંચાઈએ છે, 120 વર્ષ સુધી ટકી શકે એવી ડિઝાઈન
Worlds highest railway bridge: જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચા રેલવે બ્રિજનું મંગળવારે પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેને કટરા-બનિહાલ રેલવે ખંડ પર લગભગ 28 હજાર રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ પુલનું નિર્માણ 2004માં શરૂ થયું હતું અને વર્ષ 2009માં જ તેને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જો કે, સુરક્ષાના કારણોસર, તેની પ્રોજેક્ટ સાઇટ પરનું કામ ઘણી વખત અટકાવવું પડ્યું હતું.આ બ્રિજનું નિર્માણ કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલવે લિંક પરિયોજના હેઠળ કરવામાં આવ્યુ છે, જે ખીણને દેશના અન્ય ભાગો સાથે જોડશે. આથી ભારતીય સેના માટે પણ કામ સરળ બન્યું છે. ચાલો જાણીએ તેની વિશેષતાઓ અને શા માટે આ બ્રિજ પાકિસ્તાન અને ચીનની ચિંતાનું કારણ બન્યો છે.
120 વર્ષ સુધી ટકી રહે તેવી ડિઝાઇન
આ રેલવે બ્રિજની ઊંચાઈ નદી તટથી 359 મીટર અને લંબાઈ 1315 મીટર છે. આ બ્રિજ પેરિસના એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો છે. જો કે ચીનની શુપાઈ નદી પર બનેલો પુલ 275 મીટર ઊંચો છે. આ પુલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે 120 વર્ષ સુધી સેવા આપતો રહેશે. આનાથી ભારતીય રેલવે માટે જમ્મુથી કાશ્મીર ખીણ સુધી પહોંચવામાં સરળતા રહેશે.
બ્લાસ્ટ પ્રૂફ છે આ બ્રિજ
આ બ્રિજને સ્ટ્રક્ચરલ સ્ટીલથી બનાવવામાં આવ્યો છે, જે માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનને વેઠી શકે છે. આથી એવું કહી શકાય કે આ બ્રિજ પર જમ્મુ-કાશ્મીરના કોઈ પણ હવામાનની અસર પડશે નહીં અને તે વિસ્તારના બાકી ભાગો સાથે કનેક્ટિવિટી પણ રહેશે. આ બ્રિજ ચિનાબ નદીના બંને કિનારા-કૌરી છોર અને બક્કલ છોર પર સ્થાપિત બે વિશાળ કેબલ ક્રેનની મદદથી બનાવવામાં આવ્યો છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની મદદથી આ બ્રિજને બ્લાસ્ટ લોડ માટે પણ તૈયાર કરવામાં આવ્યો છે, એટલે કે એક રીતે આ બ્રિજ પર બ્લાસ્ટની કોઈ અસર નહીં થાય
આઠની તીવ્રતાના ભૂકંપ સામે પણ સુરક્ષિત
આ બ્રિજ પર ટ્રેનો 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. આ બ્રિજનો વિસ્તાર ભૂકંપ ઝોન ચારમાં આવે છે, પરંતુ તેને ભૂકંપ ઝોન પાંચ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, એટલે કે તે ભૂકંપની દ્રષ્ટિએ એકદમ સલામત છે અને રિક્ટર સ્કેલ પર આઠની તીવ્રતાના ભૂકંપને પણ સરળતાથી ટકી શકશે. આ ઉપરાંત કાશ્મીર ખીણમાં જોરદાર પવન ફૂંકાય, તેથી આ બ્રિજને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે જો 266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તો પણ બ્રિજ સુરક્ષિત રહે.
ઉત્તમ એન્જિનિયરિંગનું ઉદાહરણ છે આ બ્રિજ
ખીણમાં હાઇ સ્પીડ ટ્રેનો માટે માર્ગ મોકળો કરતો ચિનાબ રેલવે બ્રિજ પર બે પાટા નાખવામાં આવ્યા છે, જેથી ટ્રેનોને ક્રોસિંગ માટે ક્યાંય રોકવી ન પડે. તે ઇન્ક્રીમેન્ટલ લોન્ચિંગ અથવા પુશ-પુલ ટેક્નોલોજી સાથે તૈયાર કરવામાં આવ્યું છે. જે ઉત્તમ એન્જિનિયરિંગનું ઉદાહરણ છે. 27 હજાર ટનથી વધુ સ્ટીલના ઉપયોગથી બનેલા આ બ્રિજના નિર્માણમાં કુલ 18 પિલર બનાવવામાં આવ્યા છે.
આ બ્રિજ ચીન-પાકિસ્તાન માટે કેમ છે ચિંતાનું કારણ ?
ચિનાબ રેલ બ્રિજના કારણે ભારતના અન્ય ભાગો સાથે કાશ્મીર ખીણ સીધી જ જોડાઈ ગઈ છે. જેથી હવે ભારતીય સેના માટે દૂરની સરહદો સુધી પહોંચવામાં પણ સરળતા રહેશે. સેના અને લોજિસ્ટિક્સ દુશ્મનનો સામનો કરવા માટે પણ સક્ષમ બનશે.
નવો બ્રિજ બનતા શું પરીવર્તન આવશે?
આ ઉપરાંત કાશ્મીર ખીણનું દુનિયા સાથે સરળ જોડાણ બાદ ખીણને વૈશ્વિક વ્યાપાર પણ મળી રહેશે. આ ઉપરાંત પ્રવાસીઓ પણ આ સ્વર્ગની મુલાકાત સરળતાથી લઇ શકાશે. તેમજ આ રેલ બ્રિજ કાશ્મીર ખીણને જમ્મુના કટરા સાથે જોડશે, જેથી કટરાથી શ્રીનગરની મુસાફરીમાં પાંચથી છ કલાકથી ઓછો સમય લાગશે. તેમજ ભારે હિમવર્ષા, ભૂસ્ખલન અને હિમપ્રપાતને કારણે શિયાળામાં શ્રીનગર-જમ્મુ હાઈવે ઘણીવાર બંધ રહેતો હોય છે. જેથી કનેક્ટિવિટી પર અસર પડે છે. પરંતુ આ બ્રિજના કારણે હવે લોકોની સડક માર્ગ પર નિર્ભરતા પણ ઘટશે.