દેશમાં અહીં પહેલી માર્ચથી શરૂ થશે દુનિયાની પહેલી વૈદિક ઘડિયાળ, મુહૂર્ત-પંચાગ પણ બતાવશે
Image Source: Twitter
ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ ક્યારે થશે. સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય કયો છે. સારું મુહૂર્ત ક્યારે છે. આવી જ ઘણી ચોક્કસ જાણકારી વૈદિક ઘડિયાળથી મળી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક માર્ચે આ ઘડિયાળનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. આ દુનિયાની પહેલી એવી ડિજિટલ ઘડિયાળ હશે જે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ (IST) અને ગ્રીનવિચ મીન ટાઈમ (GMT) તો બતાવશે જ, પંચાંગ અને 30 મુહૂર્તની પણ જાણકારી આપશે.
ઉજ્જૈનમાં જીવાજી વેધશાળાની પાસે જંતર-મંતર પર 85 ફૂટ ઊંચું ટાવર બનાવવામાં આવ્યું છે. જેની પર 10×12 ની વૈદિક ઘડિયાળ લગાવવામાં આવશે. વિક્રમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર શ્રીરામ તિવારીએ જણાવ્યું કે આ ઘડિયાળ વિશ્વની પહેલી ઘડિયાળ હશે, જેમાં ભારતીય સમયની ગણતરીને દર્શાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉજ્જૈનને સમયની ગણતરીનું કેન્દ્ર માનવામાં આવે છે. ઉજ્જૈનથી કર્ક રેખા (ટ્રોપિક ઓફ કેન્સર) પસાર થાય છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ ઉજ્જૈનને ટાઈમ કેલ્ક્યુલેશનનું સેન્ટર બનાવવા માંગે છે. 22 ડિસેમ્બર 2023એ વિધાનસભા સત્રમાં તેમણે આ વાત કરી હતી. મધ્ય પ્રદેશ સરકાર પ્રાઈમ મેરિડિયનને ઈંગ્લેન્ડના ગ્રીનવિચથી ઉજ્જૈન સુધી ટ્રાન્સફર કરવા માટે કામ કરશે. આ માટે ઉજ્જૈનની વેધશાળામાં રિસર્ચ કરશે. નિષ્ણાતોનું કહેવું છે કે 300 વર્ષ પહેલા સુધી ઉજ્જૈનથી જ સમગ્ર દુનિયાનો સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરવામાં આવતો હતો. દેશની પહેલી વેધશાળા (વર્તમાનમાં જીવાજી વેધશાળા) રાજા જયસિંહ દ્વિતીયએ સન 1729માં ઉજ્જૈનમાં બનાવી હતી. ત્યાં સમય જોવા માટે સૌર ઘડિયાળ બનાવાઈ હતી. તેનાથી ઉજ્જૈન સહિત સમગ્ર દેશના શહેરોના સમયનું આકલન કરી શકાય છે.
વૈદિક ઘડિયાળથી આ જાણકારી મળશે
વૈદિક ઘડિયાળ ઈન્ટરનેટ અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) સાથે જોડાયેલી હશે. જેમાં IST, GMT ની સાથે ભારતીય સમયની ગણતરી વિક્રમ સંવતની જાણકારી મળશે. સૂર્યોદયથી સૂર્યાસ્તની સાથે ગ્રહ, યોગ, ભદ્રા, ચંદ્ર સ્થિતિ, નક્ષત્ર, ચોઘડિયા, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણની જાણકારી આપશે. અભિજીત મુહૂર્ત, બ્રહ્મ મુહૂર્ત, અમૃત કાળ અને હવામાન સાથે જોડાયેલી તમામ જાણકારી મળી શકશે. ઘડિયાળમાં દર કલાક બાદ બેકગ્રાઉન્ડમાં નવી તસવીર જોવા મળશે. દ્વાદશ જ્યોતિર્લિંગ મંદિર, નવગ્રહ, રાશિ ચક્રની સાથે બીજા ધાર્મિક સ્થળ પણ જોવા મળશે. દેશ-દુનિયાના સુંદર સૂર્યાસ્ત, સૂર્ય ગ્રહણના નજારા પણ જોવા મળશે.
મોબાઈલ એપ દ્વારા દરેક પળના મુહૂર્ત વગેરે જાણી શકાશે
વૈદિક ઘડિયાળથી જોડાયેલી મોબાઈલ એપ પણ લોન્ચ થશે. જેને આરોહ શ્રીવાસ્તવ ડિઝાઈન કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે તેનું નામ વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ હશે. વૈદિક ઘડિયાળના તમામ ફીચર આ એપમાં રહેશે. ઉજ્જૈનમાં લાગનારી ઘડિયાળમાં જે પરિવર્તન થશે તે એપમાં પણ નજર આવશે. તમે તેને મેન્યુઅલ પણ ઓપરેટ કરી શકશો.