ન્યુક્લિયર બોમ્બમાં આખરે પાકિસ્તાનથી આગળ નીકળ્યું ભારત, જાણો ક્યાં સુધી પહોંચી સંખ્યા
Pakistan-India Total Nuclear Bomb : આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન અને ભારત વચ્ચે વર્ષોથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે પરમાણુ બોમ્બ બનાવવાની સ્પર્ધા પણ જોવા મળી રહી છે. સૌથી મોટી વાત એ છે કે, આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને છેલ્લા એક વર્ષથી એકપણ પરમાણુ બોમ્બ બનાવ્યો નથી, જ્યારે ભારતે એક વર્ષમાં આઠ પરમાણુ બોમ્બ બનાવી પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. ભારતના પરમાણુ બોમ્બની સંખ્યા હવે દુશ્મન દેશ પાકિસ્તાનથી વધુ થઈ ગઈ છે.
ભારત, પાકિસ્તાન, ચીન પાસે કેટલા પરમાણુ બોમ્બ ?
વિશ્વભરમાં પરમાણુ બોમ્બ બનાવવાના દેશો પર નજર રાખતી ચર્ચાસ્પદ સંસ્થા ‘સિપ્રી’ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, વર્તમાન સ્થિતી મુજબ ભારત પાસે 172 પરમાણુ બોમ્બ તો પાકિસ્તાન પાસે 170 પરમાણુ બોમ્બ છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, પરમાણુ બોમ્બ ન ધરાવતા નવ દેશોએ પોતાના હથિયારોને ટેકનોલોજીથી સજ્જ કર્યા છે. એટલું જ નહીં આ દેશોએ પરમાણુ હથિયારો તહેનાત પણ કર્યા છે. જ્યારે ભારતના સૌથી મોટા દુશ્મન ચીનની વાત કરીએ તો તેના પરમાણુ બોમ્બની સંખ્યા એક વર્ષમાં 410થી વધીને 500 સુધી પહોંચી ગઈ છે.
નવ દેશો પાસે કુલ 12,121 પરમાણુ બોમ્બ
સિપ્રીના રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ 2023માં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, નોર્થ કોરિયા અને ઈઝરાયલે પરમાણુ હથિયારોનું વધુમાં વધુ આધુનિકરણ કર્યું છે. વર્ષ 2024માં કુલ પરમાણુ બોમ્બની સંખ્યા હવે 12,121 પર પહોંચી ગઈ છે. પરમાણુ બોમ્બનો જરૂર પડે ઉપયોગ થઈ શકે તે માટે, આમાંથી 9585 પરમાણુ બોમ્બ સેનાના ભંડારમાં મુકવામાં આવ્યા છે, જ્યારે 3904 પરમાણુ બોમ્બ મિસાઈલો અને ફાઈટર પ્લેનમાં રાખવામાં આવ્યા છે, જે વર્ષ 2023ની તુલનાએ 60 વધુ છે. રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી વાત એ કહેવાઈ છે કે, કુલ પરમાણુ બોમ્બમાંથી 2100 બોમ્બ મિસાઈલોની અંદર એલર્ટ પર રખાયા છે.
કયા દેશ પાસે કેટલા પરમાણુ બોમ્બ
- અમેરિકા - 5044
- રશિયા - 5580
- ચીન - 500
- ફ્રાન્સ - 290
- બ્રિટન - 225
- ભારત - 172
- પાકિસ્તાન - 170
- ઈઝરાયલ - 90
- ઉત્તર કોરિયા - 50
- કુલ - 12,121