Get The App

આકરી ગરમી બાદ આ વર્ષે પડી શકે છે કાતિલ ઠંડી, લા નીનાની જોવા મળશે અસર

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
આકરી ગરમી બાદ આ વર્ષે પડી શકે છે કાતિલ ઠંડી, લા નીનાની જોવા મળશે અસર 1 - image


WMO said it will get colder this year: આ વર્ષે દેશભરમાં ભારે વરસાદના કારણે અનેક રાજ્યોમાં વિનાશ સર્જાયો છે. પર્વતોથી લઈને મેદાનો સુધી વરસાદનો કહેર જોવા મળ્યો છે. અનેક રાજ્યમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ આકરી ગરમીએ ઉત્તર ભારતને ખૂબ જ પરસેવે નવડાવ્યા હતા. મે-જૂન મહિનામાં રાજસ્થાનના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. આકરી ગરમી અને મુશળધાર વરસાદ બાદ હવે ઠંડી લોકોને પરેશાન કરવાની છે. વર્લ્ડ મીટીરોલૉજીકલ ઑર્ગેનાઈઝેશન(WMO)ની આગાહી પ્રમાણે આ વર્ષે કડકડતી ઠંડી પડશે. WMO કહે છે કે તીવ્ર ઠંડીનું કારણ લા નીનાની અસર હશે.

આ વર્ષે સામાન્ય કરતાં વધુ ઠંડી રહેશે

WMOના જણાવ્યા પ્રમાણે  ભારતના ઉત્તરીય ભાગોમાં તીવ્ર ઠંડી પડી શકે છે. એક વાત પણ નોંધનીય છે કે, આ વર્ષે સામાન્ય કરતાં વધુ ઠંડી રહેશે એટલું જ નહીં પરંતુ શિયાળાની મોસમનો સમયગાળો પણ વધશે. WMO અનુસાર વર્ષના અંત સુધીમાં લા નીનાની સ્થિતિ વધુ મજબૂત થવાની 60 ટકા સંભાવના છે, જેના કારણે દેશના ઉત્તરીય ભાગોમાં સામાન્ય સ્થિતિ કરતાં વધુ ઠંડી પડશે.

આકરી ગરમી બાદ આ વર્ષે પડી શકે છે કાતિલ ઠંડી, લા નીનાની જોવા મળશે અસર 2 - image

ક્યારે  ક્યારે પડશે ઠંડી ?

WMOએ જણાવ્યું છે કે, સપ્ટેમ્બર-નવેમ્બર 2024 સુધીમાં લા નીના સ્થિતિ બનવાની 55% સંભાવના છે અને તે ઑક્ટોબર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી 60% સુધી મજબૂત થવાની આશા છે. લા નીનાની અસર ભારતમાં ચોમાસા દરમિયાન તીવ્ર અને લાંબા ગાળા સુધી વરસાદ થવાનું કારણ બને છે અને ઉત્તર ભારતમાં સામાન્ય સ્થિતિ કરતાં વધુ ઠંડી પડે છે. વર્ષના અંત સુધીમાં લા નીનાની અસર વધશે, જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ઠંડી પડે તેવી સંભાવના રહેલી છે.

આકરી ગરમી બાદ આ વર્ષે પડી શકે છે કાતિલ ઠંડી, લા નીનાની જોવા મળશે અસર 3 - image

WMO ના કહેવા પ્રમાણે કુદરતી રીતે બનતી આબોહવા ઘટનાઓ જેમ કે, લા નીના અને અલ નીનો જેવી ઘટનાઓ માનવ પ્રેરિત આબોહવા પરિવર્તનને કારણે થઈ રહી છે. અને આ વૈશ્વિક તાપમાનમાં વધારો કરી રહ્યું છે, અને મોસમી વરસાદ અને તાપમાનને અસર કરી રહ્યું છે.

શું છે લા નીના અસર ?

હકીકતમાં લા નીનાને કારણે મધ્ય અને પૂર્વ વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટે છે. આ ફેરફાર ઉષ્ણકટિબંધીય વાતાવરણીય પરિભ્રમણને અસર કરે છે, જેમ કે પવન, દબાણ અને વરસાદને અસર કરે છે. સામાન્ય રીતે લા નીના ભારતમાં ચોમાસા દરમિયાન તીવ્ર અને લાંબા સમય સુધી વરસાદનું કારણ હોય છે. લા નીનાને કારણે શિયાળો પણ સામાન્ય કરતાં વધુ ઠંડો રહે છે. દરેક લા નીના ઘટનાની અસર અલગ અલગ હોય છે. તે તેની તીવ્રતા, સમયગાળો, વર્ષનો સમય અને અન્ય જળવાયુ પરિબળો પર આધાર રાખે છે. સામાન્ય રીતે, લા નીનાની અસર અલ નીનોથી વિપરીત હોય છે.



Google NewsGoogle News