Get The App

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અંગે અમેરિકા, બ્રિટન, યુએઈ સહિતના વર્લ્ડ મીડિયાએ શું કહ્યું?

વિદેશી મીડિયામાં એક તરફ અયોધ્યા રામ મંદિર અને વડાપ્રધાન મોદીની પ્રશંસા, તો બીજીતરફ ટીકા કરાઈ

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અંગે અમેરિકા, બ્રિટન, યુએઈ સહિતના વર્લ્ડ મીડિયાએ શું કહ્યું? 1 - image

World Media Reaction On Ram Mandir And PM Modi : અયોધ્યાનાં વિશાળ રામ મંદિરમાં રામલલાના પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામલલાના પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનને સંપન્ન કરાયો છે.  દેશભરમાં પણ ભવ્યાતિભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં રહેતા ભારતીયો પણ આજે દિવાળી જેવો ઉત્સવ ઉજવી રહ્યા છે. વિદેશી મીડિયામાં પણ અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા સમારોહની ખૂબ ચર્ચા ચાલી રહી છે.

અમેરિકન મીડિયામાં એક તરફ અયોધ્યા-મોદીની પ્રશંસા, બીજીતરફ ટીકા

અમેરિકાની બ્રોડકાસ્ટર NBC ન્યૂઝે લખ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે હિન્દુ મંદિરનું ઉદઘાટન કર્યું. આ મંદિર વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ‘ધાર્મિક તણાવ’નું પ્રતિક બની ગયું છે. અયોધ્યામાં બની રહેલું મંદિર રામનું મંદિર છે, જે મુખ્ય હિન્દુ દેવતા છે. આ મંદિરથી 30 લાખની વસ્તી ધરાવતા અયોધ્યાની કાયાપલટ થશે અને તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવશે.’

એબીસી ન્યૂઝે લખ્યું કે, ‘BJP દાયકાઓથી મંદિર બનાવવાની તરફેણ કરી રહી છે અને તેના ઉદઘાટનનો શ્રેય હિન્દુ વસ્તી ધરાવતા ભારતમાં મોદીની જીતના પક્ષમાં જશે.’

રિપોર્ટમાં જણાવાયું છે કે, અડધી હિન્દુ વસ્તી ધરાવતા મોરેશિયસમાં પણ પ્રાણપ્રતિષ્ઠા નિહાળી શકાય તે માટે હિન્દુ સરકારી કર્મચારીઓને બે કલાકની રજા અપાઈ છે.

અમેરિકન એનજીઓ હિન્દૂજ ફૉર હ્યૂમન રાઈટ્સની એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર સુનીતા વિશ્વનાથને ટાંકીને અમેરિકન બ્રોડકાસ્ટરે લખ્યું કે, ઉદઘાટન સમારોહ એક ચૂંટણી હથકંડો છે અને ધર્મના નામે આવું ન કરવું જોઈએ. જોકે આ એનજીઓ વિરુદ્ધ કાયદાકીય ફરિયાદ થયા બાદ તેને ઓક્ટોબર મહિનામાં ભારતમાંથી સસ્પેન્ડ કરી દેવાયું હતું.

સુનીતાને ટાંકીને અમેરિકન સમાચાર પત્રએ લખ્યું ‘મોદી કોઈ પુજારી નથી, તેથી રાજકીય ફાયદા માટે પોતે પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાન કરવું અનૈતિક અને તમામ બાબતે અયોગ્ય છે.’

યુએઈની મીડિયામાં મોદી અને રામ મંદિરના ભરપુર વખાણ

સંયુક્ત આરબ અમીરાત (UAE)ની ગલ્ફ ન્યૂઝે એક રિપોર્ટમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં હિન્દુ મંદિરનું ઉદઘાટન ભારત માટે મિલનો પથ્થર સાબિતદ થશે. સમાચાર પત્રએ એજન્સીને ટાંકીને લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાયકાઓ પહેલા પાર્ટીને આપેલ વચનો નિભાવવા તૈયાર છે. કર્મચારીઓ ઉત્સવની ઉજવણી કરી શકે તે માટે કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. ભારતનો સ્ટોક માર્કેટ પણ બંધ છે. ઘણા રાજ્યોમાં પણ અડધો દિવસ અથવા આખા દિવસની રજા રખાઈ છે.

સમાચાર પત્રમાં વધુમાં જણાવાયું છે કે, ‘મતદારોની દ્રષ્ટિએ મોદીનો હિન્દુ રાષ્ટ્રવાદ અને તેમની લોકપ્રિયતા મહત્વપૂર્ણ તત્વ છે. તેમની લોકપ્રિયતા અને તેમણે જે રીતે ભારતનો વિકાસ કર્યો, તેનાથી મતદારો તેમની પશંસા કરી રહ્યા છે. દેશો આર્થિક વિકાસ દર 7 ટકાથી વધુ છે અને સ્ટૉક માર્કેટ રેકોર્ડ પણ સતત જોવા મળી રહ્યો છે.’

બ્રિટનની મીડિયામાં અયોધ્યા છવાયું, કોંગ્રેસનો પણ ઉલ્લેખ

લંડન સ્થિત સમાચાર એજન્સી રોયટર્સે લખ્યું કે, રામ મંદિર ઉદઘાટનને ઐતિહાસિક ક્ષણ કહી વડાપ્રધાન મોદીએ ભારતીયોને આગ્રહ કર્યો છે કે, તેઓ સોમવારે પોતાના ઘરો અને નજીકના મંદિરોમાં દીપ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરે.

રાજકીય ટિપ્પણીકાર પૃથ્વી દત્તા ચંદ્ર શોભીને ટાંકીને રોયટર્સે લખ્યું કે, ‘મંદિરનું ઉદઘાટન ધાર્મિક ઉત્સવ કરતા વધુ ચૂંટણી પ્રચારની શરૂઆત જેવો લાગી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, વડાપ્રધાન એક રાજાની ભૂમિકામાં છે, જેઓ એક મોટો ધાર્મિક અનુષ્ઠાન કરી રહ્યા છે.’

રોયટર્સે લખ્યું કે, રામ મંદિરના ઉદઘાટન સમારોહથી ભારતમાં રાજકીય વિવાદ ઉભો થયો છે, કારણ કે ભારતના તમામ મોટા વિપક્ષી દળોએ, જેમાં કોંગ્રેસ પણ સામેલ છે, તેઓએ સમારોહમાં સામેલ થવાાન આમંત્રણનો અસ્વિકાર કર્યો છે. વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે, ઉદઘાટન સમારોહને રાજકીય, મોદી ઈવેન્ટ બનાવી દેવાયો છે.

‘રામ મંદિરનું ઉદઘાટન રાજકીય ફાયદા માટે’

બ્રિટનના બ્રોડકાસ્ટર બીબીસી વર્લ્ડના જણાવ્યા મુજબ ‘અયોધ્યાનું રામ મંદિર 16મી સદીમાં બનેલા એક મસ્જિદની જગ્યા લેશે, જેને હિન્દુઓની એક ભીડે વર્ષ 1992માં ધ્વસ્ત કરી દીધું હતું. મસ્જિદને ધ્વસ્ત કર્યા બાદ દેશભરમાં હિંસા ભડકી હતી, જેમાં લગભગ 2000 લોકોના મોત થયા હતા. મંદિરના ઉદઘાટનમાં ભારતના ટોપ ફિલ્મ સ્ટાર્સ, ઉદ્યોગપતિ, ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે, પરંતુ મોટાભાગની વિપક્ષી પાર્ટીઓએ સમારોહમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે. વિપક્ષનું કહેવું છે કે, વડાપ્રધાન મોદી રાજકીય ફાયદા માટે રામ મંદિરનો ઉદઘાટન ઉપયોગ કરી રહ્યા છે.’

રશિયાની સરકારી મીડિયામાં અયોધ્યાના વખાણ

રશિયન સમાચાર પત્ર રશિયા ટુડેના રિપોર્ટમાં જણાવાયું છે કે, ‘અયોધ્યામાં રામ મંદિર બનવાથી શહેરની કાયાપલટ થઈ ગઈ છે. અયોધ્યા, જેને હિન્દુ ભગવાનું જન્મસ્થળ માનવામાં આવે છે, ત્યાં હવે મોટાપ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી આગળ વધી રહી છે અને જમીનની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ સરકારે નવી હોટલો બનાવવા એક ડઝનથી વધુ પરમિટ જારી કરી છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પહેલાથી જ લગભગ 4 અબજ ડૉલર ખર્ચ કરાયા છે.’

રશિયન સમાચાર પત્રએ લખ્યું કે, મંદિરનું નિર્માણ એ વડાપ્રધાનના 2019ના ચૂંટણી વચનોમાંથી એક હતું. મંદિરનું ઉદઘાટન ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા કરાયું છે. મંદિરનું નિર્માણ 16મી સદીની એક મસ્જિદના સ્થાને કરાઈ રહ્યું છે, જેને હિન્દુ કાર્યકર્તાઓએ ધ્વસ્ત કરી દીધું હતું. તેમનું માનવું છે કે, મસ્જિદનું નિર્માણ રામ મંદિર તોડીને કરાયું હતું. મસ્જિદ ધ્વસ્ત કરાયા બાદ મોટાપાયે હિંસાઓ થઈ હતી.

નેપાળના સમાચાર પત્રમાં ટીકા

નેપાળના મુખ્ય સમાચાર પત્ર ‘ધ કાઢમંડૂ પોસ્ટ’ના રિપોર્ટમાં જણાવાયું છે કે, ‘મંદિરના ઉદઘાટનમાં ભગવાન રામથી વધુ જે વ્યક્તિ લાઈમલાઈટ મેળવી રહ્યા છે, તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, જેઓ ભારતના બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાકના વડાપ્રધાન છે.

સમાચાર પત્રમાં આક્ષેપ કરાયો છે કે, ભારત બિનસાંપ્રદાયિકતાના પોતાના સિદ્ધાંતોથી ઘણો દૂર થઈ ગયો છે અને અયોધ્યામાં ભારતની બિનસાંપ્રદાયિકતા ધૂળમાં ભળી ગઈ છે.

કતારની ટીવી નેટવર્ક અલજજીરાએ શું કહ્યું?

કતાર સ્થિત ટીવી નેટવર્ક અલજજીરાએ એક ઑપિનિયમ લેખમાં લખ્યું છે કે, ‘ભગવા રાજનીતીના પહાડ નીચે ભારતની બિનસાંપ્રદાયિકતા દબાઈ ગઈ છે.’ ભારતીય રાજકીય વિવેચક ઈન્સિયા વાહન્વતિના લેખમાં જણાવાયું છે કે, બિનસાંપ્રદાયિક ભારતના કોઈ વડાપ્રધાન દ્વારા મંદિરનું ઉદઘાટન કરવું અયોગ્ય છે. લેખમાં જણાવાયું છે કે, ‘બાબરી મંદિર વિધ્વંસ આજે પણ મુસલમાનો માટે દુઃખદાયી છે. વિધ્વંસ બાદની હિંસામાં જે લોકોના મોત થયા, આપણામાંથી ઘણા લોકોને તે યાદ છે. રાજકીય વચનો અપાયા કે મસ્જિદ ફરી બનાવાશે, પરંતુ આવું ક્યારે થયું નથી.’


Google NewsGoogle News