પ્રયાગરાજમાં 'ટ્રાફિકરાજ’ માટે તંત્ર જ જવાબદાર હોવાનો લોકોનો આરોપ, જાણો ક્યાં થઈ ચૂક
MahaKumbh Traffic: આજકાલ કોઈને પણ ફોન કરો કે ક્યાં છો તો કહી રહ્યાં છે 'પ્રયાગરાજ'. સોશિયલ મીડિયા ઓપન કરો કે સામે 'પ્રયાગરાજ'ની પોસ્ટ અને રીલ્સ જોવા મળે છે. દરેક વ્યક્તિ આજે 'પ્રયાગરાજ'માં મહાકુંભમાં જઈ રહ્યાં છે. જો કે મહાકુંભમાં જે પરિસ્થિતિ છે હાલ એ ખૂબ જ ગંભીર છે. દુનિયાનો સૌથી મોટો ટ્રાફિક જામ હાલ પ્રયાગરાજમાં છે અને તેનો વ્યાપ 300 કિલોમીટરથી વધુ છે. પોલીસ દ્વારા લોકોને હાઇવે પર વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ શક્ય હોય તો પાછા જતી રહે. અહીં બધી જ વ્યવસ્થા કરાઈ છે, પરંતુ ટ્રાફિક નિયમન બેકાબુ છે એવો લોકો આરોપ મૂકી રહ્યા છે.
ટ્રાફિક હેન્ડલ કરવાની લાયકાત નથી
પ્રયાગરાજમાં આજે 300 કિલોમીટરનું ટ્રાફિક જામ છે, પરંતુ બે-ત્રણ દિવસ પહેલાં એ નહોતું. પ્રયાગરાજમાં અંદર સુધી કાર લઈ જઈ શકાતી હતી. 20 કિલોમીટરથી પાર્કિંગ શરૂ થઈ જાય છે. એટલે કે 'પ્રયાગરાજ'માં એન્ટ્રી પહેલાં જ પાર્કિંગ શરૂ થઈ જાય છે, પરંતુ એમ છતાં અંદર કાર જઈ શકતી હતી. જો કે આ માટે ઘણું ટ્રાફિક હતું. આ ટ્રાફિકના કારણ છે ત્યાની વ્યવસ્થા. પોલીસ પાસે કમ્યુનિકેશન માટે સાધન જ નથી. 'પ્રયાગરાજ'માં અરૈલ ઘાટથી ઝૂસી જવા બે બ્રિજ છે. ઝૂસી એટલે જ્યાં ત્રિવેણી સંગમ છે અને અરૈલ ઘાટ પર યમુનાજી છે. આથી અરૈલ ઘાટથી ઝૂસી જવા માટે જૂનો નૈની બ્રિજ અને નવો યમુના બ્રિજ એમ બે બ્રિજ છે.
દરેક વ્યક્તિ આ બ્રિજ પરથી પસાર થાય છે. આથી એ બ્રિજ પર સૌથી વધુ ટ્રાફિક જોવા મળે છે. આ ટ્રાફિક કન્ટ્રોલ કરવા માટે પોલીસ પાસે અમુક-અમુક અંતરે કેટલું ટ્રાફિક છે અને કયો રોડ ચાલું કર્યો છે એ એકમેક સાથે કમ્યુનિકેટ કરવું ખૂબ જ જરૂરી છે. જો કે 'પ્રયાગરાજ'માં એવું નથી થતું. નવા યમુના બ્રિજ પરના સર્કલ પાસે રોડ બંધ હોય અને એનાથી થોડે અંતરે આવેલા સર્કલ પરનો રોડ શરૂ કરી દેવામાં આવે છે. આથી એક જ જગ્યાએ ટ્રાફિક ભેગુ થતું રહે છે અને પરિણામે એ ટ્રાફિક ઓછું નથી થતું. આથી દરેક સર્કલ સાથે કમ્યુનિકેટ કરીને એક સમયે એક જ દિશાનો રોડ શરૂ કરવામાં આવે તો ટ્રાફિકનો ખૂબ જ સારી રીતે ઉકેલ આવી શકે છે.
પ્રયાગરાજમાં એન્ટ્રી અને એક્ઝિટ અલગ રાખવી
પ્રયાગરાજમાં ઘણી જગ્યાએથી જઈ શકાય છે, પરંતુ બે રસ્તા મુખ્ય છે. એક બુંદેલખંડ તરફથી જતો રસ્તો જે સીધો ઝૂસી જાય છે અને જ્યાં દરેક વ્યક્તિ સ્નાન કરવા માટે જાય છે. બીજો રસ્તો છે નાગપુર હાઇવે તરફથી જતો. આથી પોલીસ દ્વારા 'પ્રયાગરાજ'માં એન્ટ્રી ફક્ત નાગપુર-જબલપુર તરફથી દાખલ થતી રોડ પરથી કરવામાં આવે અને એક્ઝિટ માટે ઝૂસીમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી સીધા ઝૂસીથી એક્ઝિટ આપવામાં આવે તો ટ્રાફિક ઘણાં અંશે કન્ટ્રોલમાં આવી શકે છે. જો બન્ને બાજુ એન્ટ્રી અને એક્ઝિટ હોય તો દરેક વાહન સામ-સામે થાય તો ટ્રાફિક ચોક્કસ જ થવું.
ટ્રાફિક થવાનું બીજું મોટું કારણ રસ્તાં પર ચાલતાં લોકો
સ્નાન કરવા આવેલા લોકો રસ્તા પર ગમે તેમ ચાલતા હોય છે. અહીં સ્નાન કરવા આવેલા લોકોની સંખ્યા ખૂબ જ વધુ છે. આથી જે રસ્તા પર જુઓ ત્યાં લોકો મળતા રહ્યાં છે. તેમના ચાલવા માટે રસ્તો, એટલે કે એક કોરિડોર બનાવવામાં આવે તો ટ્રાફિક જામ ઓછું થઈ શકે છે. ઉદાહરણ તરીકે ત્રણ લેન ધરાવતા રોડ પર એક લેન પર બેરિકેટ ઊભા કરીને ફક્ત એમાં જ ચાલવાનું બનાવવામાં આવે તો કાર બાકી બે લેન પર ખૂબ જ સરળતાથી ચાલી શકે છે. જો કે અહીં એક વ્યક્તિ જતાં થોડા સેકન્ડ બાદ બીજી વ્યક્તિ જાય છે અને એ ક્રમ ચાલુ જ રહે છે, આથી કારને આગળ વધવું મુશ્કેલ બને છે. આથી ચાલતા લોકો માટે એક અલગથી કોરિડોર બનાવવામાં આવે તો એને ખૂબ જ સારી રીતે મેનેજ કરી શકાય છે.
પિપા-પૂલનો જોરદાર પ્રચાર, પરંતુ યોગ્ય ઉપયોગ નહીં
યોગી સરકાર દ્વારા પિપા-પૂલનો જોરદાર પ્રચાર કરવામાં આવ્યો છે. આ પ્રકારના ઘણાં બ્રિજ બનાવવામાં આવ્યાં છે, પરંતુ એક ચોક્કસ અને સિસ્ટમેટિક રીતે એનો ઉપયોગ કરવો જોઈએ એ નથી થઈ રહ્યો. સેક્ટર 20 અને 21 પાસે જે પિપા બ્રિજ બનાવવામાં આવ્યાં છે ત્યાં એને નંબર આપવામાં આવ્યાં છે. 1થી લઈને 13 સુધી નંબર આપવામાં આવ્યાં છે. આ બ્રિજ પરથી ત્રિવેણી સંગમ અને હનુમાનજીના મંદિર તરફ જવાય છે. જોકે આ તમામ બ્રિજ પરથી એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવી છે. જો એનો સિસ્ટમેટિક રીતે ઉપયોગ કરવામાં આવે તો ત્રિવેણી સંગમ પરથી ભીડ પણ ઓછી કરી શકાય છે. ત્રિવેણી સંગમથી સૌથી નજીક એક નંબરનો પિપા-પૂલ છે. તો એકથી લઈને 6 બ્રિજ ફક્ત એક્ઝિટ માટે કરવામાં આવે અને સાતથી લઈને બાકીના તમામ બ્રિજ એન્ટ્રી માટે કરવામાં આવે તો એક સિસ્ટમેટિક પ્રોસેસ થઈ શકે છે.
આવતાં અને જતા વ્યક્તિ સામ-સામે ન થાય તો ટ્રાફિક ઓછું થાય છે. તેમ જ સ્નાન કરીને સીધુ બાજુમાં જ એક્ઝિટ હોવાથી લોકો જલદી બહાર નીકળી શકે છે અને સ્નાન કરવા માટે આગળના ગેટથી આવવાથી લોકોને ત્રિવેણી સંગમ સુધી પહોંચતા સમય પણ લાગે છે એથી ત્યાં ભીડ ખૂબ જ સારી રીતે ઓછી કરી શકાય છે. જો કે ત્યાંની પોલીસ ગમે તે સમયે બ્રિજ બંધ કરી દે છે અને ગમે તે સમયે ચાલુ કરી દે છે. લોકોને ખબર નથી હોતી કે ક્યારે કયો બ્રિજ ચાલુ હશે અને એથી ત્યાં અટવાયા કરે છે અને એના કારણે પણ ભીડ વધુ થાય છે.
લોકડાઉનની જરૂર નથી, એક્ઝિટ આપવી જરૂરી
પોલીસ દ્વારા રાત્રે સમયે તમામ રસ્તા બંધ કરી દેવામાં આવે છે. આથી જે વ્યક્તિ અંદર હોય એ બહાર નથી આવી શકતું અને બહાર હોય એ અંદર નથી જઈ શકતું. કોવિડ-19 નથી કે પોલીસ દ્વારા રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે. ભીડ ઓછી કરવા માટે એક્ઝિટ આપવી જરૂરી છે. લોકો બહાર નીકળશે તો જ ભીડ ઓછી થશે આ સીંપલ લોજિક ત્યાંના લોકો અને પ્રશાસનને સમજવામાં કેમ નથી આવી રહ્યું એ ખૂબ જ વિચિત્ર છે. એક સામાન્ય માણસ પણ આ સમજી શકે છે અને આ વિશે જ્યારે એક પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે જવાબ આપવામાં આવે છે કે ‘હમે ઓર્ડર હૈ ઇશ લિએ બંધ હી રખેંગે’.
તેમને ફરી એકવાર કહેવામાં આવ્યું કે સ્નાન થઈ ગયું છે અને બહાર જઈ રહ્યાં છે અને લોકો બહાર જશે ત્યારે જ તો ભીડ ઓછી થશે. તો પોલીસ દ્વારા જવાબ આપવામાં આવે છે કે ‘યહાં સે બહાર જાને દેંગે તો બહાર સે અંદર આને વાલે લોગ બોલેંગે કે ઇનકો જાને દે રહો હો તો હમે ક્યું નહીં’. આ તો કંઈ લોજિક નથી. એક્ઝિટ અને એન્ટ્રીમાં ફરક હોય એ સાવ સરળ છે. તેમ જ આ લોકડાઉન એવું છે કે ત્યાં સ્થાનિક રહેનારી વ્યક્તિ પણ ત્યાથી બહાર નથી આવી શકતી. એટલે કે આ ફક્ત લોકો માટે જ નહીં, પરંતુ ત્યાં રહેતાં લોકો માટે પણ ઘણી સમસ્યાઓ ભરેલી વ્યવસ્થા છે.
પોલીસ નહીં, પરંતુ આર્મીને કમાન આપવી જરૂરી
પ્રયાગરાજમાં આમ તો ટ્રાફિક છે અને કોઈને પણ કાર લઈ જવાની પરવાનગી નથી. જો કે તેમ છતાં VIP અને VVIP તેમ જ તેમની ફેમિલી અને નજીકના લોકોની કાર જવા દેવામાં આવે છે. તેમ જ આ કાર જવા દેવા માટે તેમની સાથે પોલીસની એક કાર પણ ચાલે છે. ત્યાં સતત પોલીસનું સાઇરન સંભળાતું જોવા મળશે અને એક પછી એક સતત આ પ્રકારની કાર જોવા મળશે. આથી પોલીસ જ્યારે આ પ્રકારના લોકોને ત્યાં લઈ જવામાં વ્યસ્ત હોય ત્યારે તેઓ કેવી રીતે સામાન્ય માણસની પરિસ્થિતિનું ધ્યાન આપી શકે? આથી આર્મીને જ્યારે કમાન સંભાળવામાં આપવામાં આવે ત્યારે દરેક વ્યક્તિ પણ તેમના ઉદ્દેશનું પાલન કરે છે. અહીં તો પોલીસ VIP અને VVIPની કાર પર ધ્યાન કેન્દ્રિત કરશે ને!
દુર્ઘટનાનું કારણ લોકોનું ગાંડપણ
મહાકુંભમાં જે દુર્ઘટના થઈ હતી એ ફરી નહીં થાય એની કોઈ ગેરેન્ટી નથી. આ પાછળનું કારણ લોકોનું ગાંડપણ છે. લોકો સ્નાન કરીને ત્રિવેણી સંગમ પર જમીન પર સૂઈ જાય છે. પોલીસ જ્યારે સ્નાન કરી રહેલાં લોકોને બહાર કાઢે છે અને એક નહીં, પરંતુ અસંખ્ય વાર જાહેરાત કરવા બાદ પણ તેઓ બહાર ન નીકળે ત્યારે પોલીસ પોતે ત્યાં આવીને લોકોને બહાર કાઢે છે. આ સમયે લોકો ડરીને ભાગવાની કોશિશ કરે છે. એકને ભાગતો જોઈ અન્ય વ્યક્તિને એવું લાગે છે કે પોલીસ લાઠી ચાર્જ કરી રહી છે, પરંતુ પોલીસ ફક્ત ત્યાંથી લોકોને બહાર નીકળવા કહેતી હોય છે. આમ એકને જોઈને બીજો દોડે છે અને પરિણામે ભાગમભાગ થાય છે. આ સમયે જે જમીન પર સૂઈ ગયું હોય એ ભાગમભાગમાં ઊઠી નથી શકતો અને લોકો તેમના પરથી દોડીને ભાગી જાય છે અને દુર્ઘટના થાય છે. આથી કોઈ પણ વ્યક્તિએ ત્રિવેણી સંગમ પર જમીન પર આખી રાત સૂઈ જવાનું ગાંડપણ ન કરવું જોઈએ.