ચૂંટણીમાં 238 વખત પરાજય છતાં હાર માનવા તૈયાર નથી આ 'નેતા', ફરી નોંધાવી ઉમેદવારી
image Twitter |
Lok Sabha Elections 2024: ચૂંટણીમાં જીતનારની વાત તો દરેક લોકો કરે છે, પરંતુ શું તમે દુનિયાના સૌથી વધારે ચૂંટણી હારનાર વિશે જાણો છો? હા, આ આપણા દેશના જ નાગરિક છે અને અત્યાર સુધીમાં 238 ચૂંટણી હારી ચૂક્યા છે. તેમનું નામ કે. પદ્મરાજન છે. હવે તેઓ વધુ એક લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. કપાળ પર તિલક, ખભા પર પીળા રંગનું વસ્ત્ર, રુઆબદાર મૂંછ... આ છે 65 વર્ષના પદ્મરાજનની ઓળખ. હારી ગયા પછી પણ તેઓ ખુશ છે.
ટાયર રિપેર કરવાની દુકાન ચલાવે છે પદ્મરાજન
પદ્મરાજન મૂળ તો તમિલનાડુનો છે, અને તે ટાયર રિપેર કરવાની દુકાન ચલાવે છે. તેમણે 1988માં તમિલનાડુમાં તેમના હોમ ટાઉન મેટ્ટુરથી ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. જ્યારે પણ તેઓ ચૂંટણી લડતા મેદાનમાં ઉતરતા ત્યારે લોકો હસવા લાગ્યા હતા. જો કે, તેનાથી બેફિકર રહી પદ્મરાજન કહેતા કે, તેઓ સાબિત કરવા માંગે છે કે સામાન્ય માણસ પણ ચૂંટણી લડી શકે છે. તેઓ કહે છે કે, તમામ ઉમેદવારો જીતવા માટે ચૂંટણી લડે છે પરંતુ હું નહીં. તેમના મતે તો ચૂંટણીમાં ભાગ લેવો એ જ તેમની જીત છે. અને તેઓ ચૂંટણી હાર્યા બાદ પણ તેઓ ખુશ છે.
લોકો તેમને 'ઈલેકશન કિંગ' કહે છે
આ વખતે લોકસભા ચૂંટણી માટે આગામી 19 એપ્રિલથી મતદાન શરૂ થશે અને છ અઠવાડિયા સુધી ચૂંટણી ચાલશે. પદ્મરાજન તમિલનાડુના ધર્મપુરી જિલ્લાની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. લોકો તેમને 'ઈલેકશન કિંગ' કહે છે. તેઓ સ્થાનિક ચૂંટણીથી લઈને રાષ્ટ્રપતિની ચૂંટણી લડી ચૂક્યા છે.
પદ્મરાજન હાલના વર્ષોમાં PM નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ PM અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે હારી ગયા છે. તેણે કહ્યું કે સામે ઉમેદવાર કોણ છે તેની હું પરવા કરતો નથી.