બંધારણમાંથી બિનસાંપ્રદાયિક અને સમાજવાદ શબ્દો નહીં હટે : સુપ્રીમ
- ઇંદિરા ગાંધીએ 1976માં બંધારણના આમુખમાં કરેલા સુધારાને લીલીઝંડી
- બંધારણની સાથે તેના આમુખમાં પણ સુધારો કરવાનો સંસદને અધિકાર, મૂળ ઢાંચાને અસર થાય તો જ પડકારી શકાય : સુપ્રીમે
નવી દિલ્હી : ભારતના બંધારણના આમુખમાંથી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દો હટાવવાની માગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ૧૯૭૬માં બંધારણમાં તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીની સરકાર દ્વારા સુધારા કરીને સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટેગ્રિટી શબ્દો ઉમેરવામાં આવ્યા હતા, આ સમગ્ર સુધારાને રદ કરવાની માગ સાથે થયેલી અરજીઓનો સુપ્રીમ કોર્ટે નિકાલ કરી દીધો હતો સાથે જ સ્પષ્ટતા કરી હતી કે બિનસાંપ્રદાયિકતા તે ભારતીય બંધારણના ઢાંચાનો જ હિસ્સો છે.
સુપ્રીમ કોર્ટમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા થયેલી અરજી મુદ્દે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમારની બેંચે ૨૨ નવેમ્બરના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ખન્નાએ અરજદારોને કહ્યું હતું કે વર્ષો વીતી ગયા હવે આ મુદ્દાને કેમ ઉઠાવી રહ્યા છો? સુપ્રીમે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે બંધારણમાં બિનસાંપ્રદાયિક અને સમાજવાદી શબ્દો ઉમેરાયા તેના ૪૦ વર્ષ બાદ ૨૦૨૦માં આ અરજીઓ દાખલ કરાઇ હતી. સુપ્રીમ કોર્ટમાં અગાઉના ચુકાદામાં ઠેરવવામાં આવ્યું છે કે બિનસાંપ્રદાયિકતા ભારતના મૂળ ઢાંચાનો હિસ્સો છે, બિનસાંપ્રદાયિકતા દેશના નાગરિકો સાથે કોઇ પણ પ્રકારના ભેદભાવને રોકવા માટેની દેશની કટિબદ્ધતા દર્શાવે છે.
બેંચે ચુકાદામાં નોંધ્યું હતું કે બીજો શબ્દ સમાજવાદ ભારતીય સંદર્ભમાં તેનુ અર્થઘટ એનુ ના કરી શકાય કે તે ચંૂટાયેલી સરકારને નીતિઓ ઘડતા અટકાવે છે, સમાજવાદનો અર્થ સમાજને સમાન તકો અને સુખાકારીવાળુ જીવન આપવા માટેની કટિબદ્ધતાની દ્રષ્ટીએ જોવો જોઇએ. ભારતમાં મિશ્રિત અર્થતંત્રનું મોડેલ છે, જ્યાં ખાનગી ક્ષેત્રોનો સમય સાથે બહોળો વિકાસ થયો છે જેનાથી વંચિત સમાજને ઘણી મદદ મળી છે. સમાજવાદ ખાનગી ક્ષેત્રોને મળેલા અધિકારોની વચ્ચે નથી આવતો. આ બન્ને શબ્દો બંધારણમાં ઉમેરવામાં આવ્યા તેના ૪૦ વર્ષ બાદ આ અરજીઓ કરવામાં આવી છે જેને સ્વીકારવા જેવુ કઇ તેમાં જણાતું નથી. જેને પગલે આ મામલા સાથે જોડાયેલી તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવે છે.
આ સાથે જ એક રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે સંસદને બંધારણમાં સુધારા કરવાનો જે અધિકાર મળ્યો છે તે બંધારણના આમુખ કે પ્રસ્તાવના પર પણ લાગુ પડે છે. પ્રસ્તાવના બંધારણનો હિસ્સો છે અને તેને અલગ ના તારવી શકાય. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે બંધારણમાં ૧૯૭૬માં સુધારા કરીને આમુખમાં સેક્યુલર અને સોશિયલિસ્ટ શબ્દ ઉમેરવામાં આવ્યા હતા, બંધારણના જ આર્ટિકલ ૩૬૮માં બંધારણમાં સુધારો કરવાના અધિકાર સંસદને અપાયા છે, આ અધિકાર કે સત્તા બંધારણના આમુખ સુધી પણ લંબાવવામાં આવી છે. સુધારાને કેટલાક આધાર પર પડકારી શકાય છે જેમ કે બંધારણના મૂળ ઢાંચાનો ભંગ કરાયો હોય વગેરે.