લોકસભામાં બહુમતીથી પસાર થયા બાદ આજે રાજ્યસભામાં રજૂ કરાશે 'મહિલા અનામત બિલ'

લોકસભામાં આજે મહિલા અનામત બિલ પર લાંબી ચર્ચા ચાલી

મહિલા અનામત બિલ પર લોકસભામાં ચિઠ્ઠીઓથી મતદાન થયું

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News

લોકસભામાં બહુમતીથી પસાર થયા બાદ આજે રાજ્યસભામાં રજૂ કરાશે 'મહિલા અનામત બિલ' 1 - image

બુધવારના દિવસને ભારતના ઈતિહાસનો સુવર્ણ દિવસ માનવામાં આવશે. ગઈકાલે લોકસભામાં ઈતિહાસ સર્જાયો છે. કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં મહિલા અનામત (નારી શક્તિ વંદન) બિલ રજૂ કર્યું હતું. ત્યારે આજે (બુધવાર) ચર્ચા બાદ મહિલા અનામત બિલ પર ચિઠ્ઠીઓથી મતદાન થયું હતું. સાંસદોએ વોટિંગ કર્યું હતું, ત્યારબાદ મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં મહિલા અનામત બિલ બહુમતિથી પસાર થયું છે. લોકસભામાં બે-તૃત્યાંશ બહુમતિથી બિલ પાસ થયું. મહિલા અનામત બિલના પક્ષમાં 454 મત પડ્યા અને વિરોધમાં 2 મત પડ્યા. હવે આજે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલના વિરોધમાં ફક્ત અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ જ મતદાન કર્યું હતું. 

બંધારણ સંશોધન માટે ગૃહની સંખ્યાના બે-તૃત્યાંશ બહુમતની જરૂર હોય છે. જ્યારે કોઈ નોર્મલ બિલ પાસ કરાવવા માટે ગૃહમાં 50 ટકાથી વધુ સભ્યોની હાજરી હોવી જોઈએ. તેના બે-તૃત્યાંશ બહુમતથી તે પસાર થવું જોઈએ. પરંતુ આ બંધારણ સંશોધન વિધેયક હતું, જોકે, કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષી દળોએ પણ સરકારનો સાથ આપ્યો. જોકે, કેટલાક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો પરંતુ સરકારના સમર્થનમાં દેખાયા.

મહત્વનું છે કે, મહિલા અનામત બિલ બુધવારે એટલે કે બીજા દિવસે પણ નવી સંસદમાં કાર્યવાહી ચાલી રહી હતી. લોકસભામાં ગઈકાલે  મહિલા અનામત બિલ પર વિપક્ષ અને પક્ષના નેતાઓએ ચર્ચા કરી હતી. સૌથી પહેલા કાયદા મંત્રી અર્જુન મેઘવાલે લોકસભામાં બિલની જોગવાઈએ અંગે માહિતી આપી. ત્યારબાદ કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ એલાન કર્યું કે, કોંગ્રેસ મહિલા અનામત બિલનું સમર્થન કરે છે. જોકે, તેમણે જાતિગત વસ્તી ગણતરી કરાવીને SC, ST અને OBC અનામતની જોગવાઈ આ બિલમાં કરવા કહ્યું. જોકે, જેના પર જવાબ આપતા ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ પૂછ્યું કે, કોંગ્રેસે સ્થાનિક ચૂંટણીમાં OBCને અનામત કેમ ન આપ્યું? આ પહેલા વડાપ્રધાન મોદીએ મહિલા અનામત બિલ પર વાત કરતા તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો અને તમામ સાંસદોને તેનું સમર્થન કરવાની અપીલ કરી હતી.

મહિલા અનામત બિલ મારી પાર્ટી માટે રાજકીય મુદ્દો નથી : અમિત શાહ

અમિત શાહે લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા કરતા કહ્યું હતું કે, આ બિલ દ્વારા એક તૃત્યાંશ બેઠકો માતૃશક્તિ માટે અનામત રાખવામાં આવશે. તેમણે કહ્યું કે, આ દેશની દીકરીઓ ન માત્ર નીતિઓમાં જ પોતાનો ભાગ મેળવશે, પરંતુ નીતિ નિર્ધારણમાં પણ પોતાના પદને સુરક્ષિત કરશે. તેમણે કહ્યું કે, કેટલીક પાર્ટીઓ માટે આ બિલ પોલિટિકલ એજન્ડા હોઈ શકે છે, પરંતુ મારી પાર્ટી અને મારા નેતા વડાપ્રધાન મોદી માટે આ રાજકીય મુદ્દો નથી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી માટે માન્યતાનો સવાલ છે. અમિત શાહે કહ્યું કે, કોઈ સિદ્ધાંત માટે કોઈ વ્યક્તિ કે સંસ્થાનું આકલન કરવું જોઈએ, તો કોઈ એક ઘટનાથી નિર્ણય ન થઈ શકે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તો તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. તો તે સમયે તેમના બેન્ક એકાઉન્ટમાં જેટલા પણ રૂપિયા હતા, તે આખા ગુજરાતના સચિવાલયના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓના બાળકોના ભણણતર માટે આપી દીધા. તેના માટે કોઈ કાયદો ન હતો.

હું આ બિલના સમર્થનમાંઃ રાહુલ ગાંધી

મહિલા અનામત બિલ પર રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. નવા સંસદ ભવનના વખાણ કરતા તેમણે કહ્યું હતું કે, નવી સંસદમાં બોલવાની ખુશી છે. પરંતુ આ નવા સદનમાં રાષ્ટ્રપતિને જોવા માંગું છું. આ પ્રક્રિયા માટે રાષ્ટ્રપતિનું હોવું જરૂરી હતું, તેને બોલાવવા જોઈતા હતા. હું આ બિલના સમર્થનમાં છું. મહિલાઓને સત્તા હસ્તાંતરણમાં ખુબ મોટું પગલું હતું પંચાયતી રાજ, આ એક વધુ મોટું પગલું છે. આ બિલ આજથી જ લાગૂ થવું જોઈએ. બિલ માટે વસ્તીગણતરી અને પરિસિમનની રાહ શા માટે ?

90 સચિવોમાંથી માત્ર 3 OBCથીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ OBC અંગે વાત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારના સંસ્થાનોમાં OBC અનામતની જોગવાઈ હોવી જોઈએ. આપણી સંસ્થાઓમાં OBCની ભાગીદારી કેટલી? કેન્દ્ર સરકારમાં 90 સચિવોમાંથી માત્ર 3 જ OBCથી છે. રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરી અંગે કહ્યું કે, ડરો નહીં, અમે જાતિગત વસ્તીગણતરીની માંગ કરી રહ્યા છીએ. રાહુલ ગાંધીની સ્પીચ દરમિયાન સંસદમાં જોરદાર હોબાળો થયો. રાહુલ ગાંધીએ 'ડરો નહીં' શબ્દનો પ્રયોગ કર્યો, જેના પર સત્તા પક્ષના સાંસદોએ વિરોધ વ્યક્ત કર્યો.

બિલનું સમર્થન કરવું અમારું કર્તવ્ય: અધીર રંજન ચૌધરી

મહિલા અનામત બિલ પર લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બિલ પાસ થવું જોઈએ. બિલનું સમર્થન કરવાની સાથોસાથ સૂચન આપવું અમારું કર્તવ્ય છે. અમે સરકારને સૂચન આપવા માંગીએ છીએ. સંસદમાં કોઈએ પણ આ બિલનો વિરોધ નથી કર્યો.

ઓબીસી અને મુસ્લિમિ વિરોધી બિલઃ ઓવૈસી

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મહિલા અનામત બિલનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, મોદી સરકાર માત્ર સવર્ણ મહિલાઓ માટે પ્રતિનિધિત્વ આગળ વધારવા માંગે છે. આ બિલથી OCB મહિલાઓ અને મુસ્લિમ મહિલાઓના પ્રતિનિધિત્વ પર અસર પડશે. આ મહિલાઓને દગો આપનારું બિલ છે, ઓબીસી વિરોધી, મુસ્લિમ વિરોધી બિલ છે. આનાથી મુસ્લિમ મહિલાઓ આ બિલ સાથે પક્ષપાતપૂર્ણ વલણનો શિકાર બનશે. કેન્દ્ર સરકાર માત્ર મોટા લોકો માટે વિચારી રહી છે. આ લોકો નથી ઈચ્છતા કે નાના લોકો આ સદનનું નેતૃત્વ કરે. આ બિલ સંસદમાં મુસ્લિમ મહિલાઓના પ્રતિનિધિત્વ માટે દરવાજા બંધ કરનારું છે. તેમણે કહ્યું કે, આ બિલથી ભવિષ્યમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ નબળું થશે, જ્યારે સવર્ણોને પ્રોત્સાહન મળશે. આ દેશ માટે ઘાતક છે.

મહિલા અનામત બિલ શું છે?

છેલ્લા 27 વર્ષથી આ બિલની માંગ કરવામાં આવી રહી છે. મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટ અનામત રાખવાનો પ્રસ્તાવ મૂકે છે. જેમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે અનામતમાં એક તૃતિયાંશ સીટમાં SC અને ST સમુદાયની મહિલાઓ માટે અનામત થઇ જશે. આ અનામત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં અલગ અલગ ક્ષેત્રમાં રોટેશન પ્રક્રિયા મુજબ ફાળવવામાં આવશે. આ સુધારો અધિનિયમ લાગુ થયાના 15 વર્ષ બાદ મહિલાઓ માટે અનામત ખતમ થઈ જશે.

આ બિલમાં એક પ્રસ્તાવ એવો પણ છે કે લોકસભાની દરેક ચુંટણી બાદ અનામત બેઠકને રોટેટ કરવામાં આવવી જોઈએ. અનામત સીટ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના વિભિન્ન   નિર્વાચન ક્ષેત્રમાં રોટેશન પ્રક્રિયાથી વહેચણી કરવામાં આવી શકે છે.

2029 પહેલા દેશમાં આ બિલ નહિ થઇ શકે લાગુ ?

મહિલા અનામત બિલ પાસ થયા બાદ પણ પુરા દેશમાં વર્ષ 2029માં લાગુ થશે. કારણે કે તેના માટે લોકસભાની સીટો પર પરમીશનની શરતો રાખવામાં આવી છે. આ પરમીશન માટે બંધારણીય પ્રક્રિયાની શરૂઆત થયા બાદ ઓછામાં ઓછા બે વર્ષ લાગશે. આ ઉપરાંત એ બાબત પણ નક્કી નથી કે પરમીશન પ્રોસેસ પૂરી થયા બાદ વિધાનસભાની ચુંટણી થાય ત્યારે જે તે રાજ્યમાં આ પ્રાવધાન લાગુ પડે કે કેમ? તેમાં અનામત ક્વોટાની વ્યવસ્થા કેવી હશે? અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતી તેમજ OBC માટેનો ક્વોટામાં મહિલાઓને અનામતના લાભની પ્રક્રિયા શું હશે? આ ઉપરાંત ઘણી અન્ય કાનૂની અને બંધારણીય સમસ્યાઓ હશે. 

કેટલા વર્ષ જૂની અનામતની માંગ?

12મી સપ્ટેમ્બર આ બીલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે 12મી સપ્ટેમ્બર, 1996માં પહેલીવાર મહિલા અનામત બિલને સંસદમાં રજૂ કરવામાં આવ્યું તેને 27 વર્ષ થશે. તે સમયગાળામાં એચ.ડી. દેવગૌડાની સરકાર હતી અને મહિલા અનામત બિલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો, આથી બિલ માત્ર રજૂ કરવામાં આવ્યું હતું, પસાર થઈ શક્યું ન હતું.

એચ.ડી. દેવગૌડા સરકાર દ્વારા 81મા બંધારણીય સુધારા વિધેયક તરીકે પ્રથમ વખત મહિલા અનામત બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી જ દેવગૌડા સરકાર લઘુમતીમાં આવી અને 11મી લોકસભા ભંગ કરી દેવામાં આવી. આ બિલને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના સાંસદ ગીતા મુખર્જીની અધ્યક્ષતાવાળી સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. આ સમિતિએ તેનો અહેવાલ 9 ડિસેમ્બર, 1996ના રોજ લોકસભામાં રજૂ કર્યો હતો.

અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની NDA સરકારે 12મી લોકસભામાં મહિલા અનામત બિલને 84માં બંધારણીય સુધારા બિલ તરીકે રજૂ કર્યું હતું, પરંતુ તે પસાર થઈ શક્યું ન હતું. આ પછી, સરકાર પડી ગઈ અને 12મી લોકસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ 1999, 2002 અને 2003-04માં આ બિલ મંજુર કરાવવાની કોશિશ કરવામાં આવી હતી પણ નિષ્ફળતા મળી હતી.

6 મે 2008 રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું અને લો એન્ડ જસ્ટીસની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું હતું. જેમાં સ્થાયી સમિતિએ તેનો અહેવાલ રજૂ કર્યો અને સમાજવાદી પાર્ટી, JDU અને RJDના વિરોધ વચ્ચે સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું.

રાજ્યસભાએ 9 માર્ચ, 2010ના રોજ મહિલા અનામત બિલ પસાર કર્યું હતું, જો કે, લોકસભા ક્યારેય આ બિલ પસાર કરી શકી ન હતી, તેથી બિલને નાબૂદ કરવામાં આવ્યું હતું. જો તે હજુ પણ લોકસભામાં પેન્ડિંગ છે, તો હવે તેને ફરીથી પાસ કરાવવાની પ્રક્રિયા કરવી પડશે.

બિલમાં શું છે?

મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટ અનામત રાખવાનો પ્રસ્તાવ મૂકે છે. અનામત બેઠકો રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના વિવિધ મતવિસ્તારોને અનુક્રમે ફાળવવામાં આવી શકે છે. આ સુધારો અધિનિયમ લાગુ થયાના 15 વર્ષ બાદ મહિલાઓ માટે અનામત ખતમ થઈ જશે.

મહિલા અનામતનો વિરોધ શા માટે?

મહિલાઓને અનામત આપવાના માર્ગમાં અનેક અવરોધો છે. બિલનો વિરોધ કરવાનું પહેલું કારણ સમાનતાનો અધિકાર છે. એવો દાવો કરવામાં આવે છે કે જો મહિલા અનામત બિલ પસાર થશે તો તે બંધારણમાં આપવામાં આવેલા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન હશે. સમાનતાનો અધિકાર એવું કહે છે કે લિંગ, ભાષા, પ્રદેશ, સમુદાયના આધારે કોઈ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહિ. એક દલીલ એવી પણ છે કે જો મહિલાઓને અનામત મળશે તો તેઓ મેરિટના આધારે હરીફાઈ નહીં કરે જેના કારણે મહિલાઓના સામાજિક દરજ્જામાં ઘટાડો થઈ શકે છે. અન્ય એક દલીલ પ્રમાણે સ્ત્રીઓ એ કોઈ જ્ઞાતિ સમૂહની જેમ સમજાતીય સમુદાય નથી, તેથી સ્ત્રીઓ માટે જાતિ આધારિત અનામત બાબતે આપવામાં આવતી દલીલો યોગ્ય નથી.

સંસદમાં હાલ મહિલાઓની સંખ્યા કેટલી છે?

હાલમાં લોકસભામાં સાંસદોની સંખ્યા 543 છે. આ સાથે મહિલા સાંસદોની સંખ્યા 82 થઈ ગઈ છે. જયારે રાજ્યસભામાં 250 સાંસદોમાંથી માત્ર 31 મહિલાઓ છે. મોદી કેબિનેટમાં મહિલાઓની ભાગીદારી લગભગ 15 ટકા છે.

બીજી તરફ એસેમ્બલીમાં ડિસેમ્બર 2022માં કાયદા મંત્રી કિરેન રિજિજુએ સંસદમાં મહિલાઓની ભાગીદારી અંગેનો એક ડેટા રજૂ કર્યો હતો. જે મુજબ આંધ્ર પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કેરળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 1 ટકા છે, જ્યારે 9 રાજ્યોમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 10 ટકાથી ઓછી છે. આ રાજ્યોમાં લોકસભાની 200થી વધુ સીટ છે અને બિહાર, યુપી, હરિયાણા, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 10 ટકાથી વધુ પરંતુ 15 ટકાથી ઓછી છે.


Google NewsGoogle News