Get The App

VIDEO : સાગરની સફરે નીકળેલી નૌકાદળની મહિલા જવાનોની સિદ્ધિ, ઉપગ્રહોનું કબ્રસ્તાન ગણાતો ‘પોઈન્ટ નેમો’ પાર કર્યો

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
VIDEO : સાગરની સફરે નીકળેલી નૌકાદળની મહિલા જવાનોની સિદ્ધિ, ઉપગ્રહોનું કબ્રસ્તાન ગણાતો ‘પોઈન્ટ નેમો’ પાર કર્યો 1 - image
Image Source - SpokespersonNavy (X)

Women Naval officers Reach Point Nemo : વિશ્વ કક્ષાએ ભારતને ગૌરવ અપાવે એવું પરાક્રમ આપણા દેશના નૌકાદળની બે જાંબાઝ મહિલા અધિકારીઓએ પાર પાડ્યું છે. લેફ્ટનન્ટ કમાન્ડર દિલના અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપાએ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલા દૂરસ્થ જળ-સ્થળ ‘પોઈન્ટ નેમો’ પાર કરવાની સિદ્ધિ મેળવી છે. ‘તારિણી’ નામના ભારતીય નૌકાદળના સેઈલિંગ વેસલ (INSV, એક પ્રકારની બોટ) લઈને બંને અધિકારી એક ખાસ અભિયાન પર નીકળી છે. 

વૈશ્વિક પરિક્રમાનું સીમાચિહ્ન

‘નાવિકા સાગર પરિક્રમા 2’ નામના આ અભિયાનની શરૂઆત 2 ઓક્ટોબર, 2024ના રોજ ગોવાથી થઈ હતી. ‘તારિણી’ ગોવાથી પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી ન્યૂઝીલેન્ડ પહોંચ્યું છે. હવે તે દક્ષિણ અમેરિકા વટાવીને દક્ષિણ આફ્રિકા થઈને છેલ્લે ગોવામાં પરિક્રમાની પૂર્ણાહૂતિ કરશે. આ સાગર-સફર દરમિયાન ‘તારિણી’ વિશ્વની ‘ધ થ્રી ગ્રેટ કેપ્સ’ કહેવાતી ત્રણ ભૂશિર પાર કરશે. આ અભિયાન ભારતની દરિયાઈ શોધ-કુશળતા અને નૌકાદળના કર્મચારીઓના સાહસનું પ્રતીક છે. અભિયાનનો બીજો તબક્કો પૂર્ણ કરીને ન્યૂઝીલેન્ડના લિટ્ટેલટન બંદરથી દક્ષિણ અમેરિકાના ફૉકલેન્ડ ટાપુ તરફ જતી વખતે ‘તારિણી’એ તાજેતરમાં ‘ઉપગ્રહોનું કબ્રસ્તાન’ ગણાતા પ્રસિદ્ધ સ્થળ ‘પોઈન્ટ નેમો’ પાર કરવાની સિદ્ધિ મેળવી છે. 

પોઈન્ટ નેમો શું છે?

પોઈન્ટ નેમો એટલે સમુદ્રમાં આવેલું પૃથ્વી પરનું સૌથી દૂરનું સ્થળ! દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત આ સ્થળની કોઈપણ દિશામાં હજારો કિલોમીટર સુધી જમીની સ્થળ જોવા મળતું નથી. અહીંથી નજીકમાં નજીકનું સ્થળ પણ 2,688 કિલોમીટર (1,670 માઈલ) દૂર આવેલું છે. એન્ટાર્કટિકાના મહેર ટાપુ, ચીલીના ઈસ્ટર ટાપુ અને બ્રિટનના કબજાના ડુશી ટાપુની વચ્ચે આવેલ પોઈન્ટ નેમો ‘ઉપગ્રહોનું કબ્રસ્તાન’ તરીકે પણ જાણીતું છે. 

VIDEO : સાગરની સફરે નીકળેલી નૌકાદળની મહિલા જવાનોની સિદ્ધિ, ઉપગ્રહોનું કબ્રસ્તાન ગણાતો ‘પોઈન્ટ નેમો’ પાર કર્યો 2 - image
Image Source - SpokespersonNavy (X)

ઉપગ્રહોનું કબ્રસ્તાન ગણાય છે આ સ્થળ

પૃથ્વીની પરિક્રમા કરતો માનવસર્જીત ઉપગ્રહ કામ આપતો બંધ થઈ જાય ત્યારે તેને જળસમાધિ આપી દેવામાં આવે છે. ઉપગ્રહને મહાસાગરમાં પડતું મૂકવાનો દિશાનિર્દેશ આપતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે ઉપગ્રહ સમુદ્રમાં એવી જગ્યાએ પડે જ્યાં માનવવસ્તી ન હોય. તેથી આ કામ પોઈન્ટ નેમો ખાતે કરવામાં આવે છે. નાસા અને વિશ્વની બીજી સ્પેસ એજન્સીઓ વર્ષ 1993 થી પૃથ્વીની પરિક્રમા કરીને નિવૃત્ત થતા ઉપગ્રહોના અંતિમસંસ્કાર માટે પોઈન્ટ નેમોનો ઉપયોગ કરતી આવી છે. અહીંથી દૂર-દૂર સુધી કોઈ માનવવસ્તી તો નથી જ, પણ આ જ સ્થળને ‘ઉપગ્રહોના કબ્રસ્તાન’ તરીકે પસંદ કરવાનું એક બીજું પણ કારણ છે.

VIDEO : સાગરની સફરે નીકળેલી નૌકાદળની મહિલા જવાનોની સિદ્ધિ, ઉપગ્રહોનું કબ્રસ્તાન ગણાતો ‘પોઈન્ટ નેમો’ પાર કર્યો 3 - image
Image Source - SpokespersonNavy (X)

સાવ ઉજ્જડ છે આ જળ-સ્થળ

મહાસાગરમાં જે સ્થળે પોઈન્ટ નેમો આવેલું છે ત્યાંના પાણીમાં પોષક તત્વો ખૂબ નબળા હોવાથી અહીં ભાગ્યેજ કશું દરિયાઈ જીવન પાંગરે છે. માછલી જેવા જળચરો તો અહીં બિલકુલ દેખાતા નથી, એટલે એ હિસાબે આ જળ-સ્થળ સાવ ઉજ્જડ કહી શકાય એવું છે. એટલા માટે પણ અહીં ઉપગ્રહો પડતા મૂકવામાં આવે છે કે જેથી એમની પછડાટથી જીવજગતને નુકશાન ન થાય. રશિયાના સ્પેસ સ્ટેશન ‘મીર’ અને અમેરિકાના ‘સ્કાયલેબ’ સહિત 260 થી વધુ માનવસર્જીત અવકાશી ઉપગ્રહો આ કબ્રસ્તાનમાં પોઢી ગયા છે.

આ પણ વાંચો : ‘ચૂંટણી પંચ-દિલ્હી પોલીસનો પંજાબ CM ભગવંત માનના દિલ્હીના નિવાસસ્થાને દરોડો’ AAPનો દાવો

પોઈન્ટ નેમો નામ પડવાનું કારણ 

મહાન લેખક જુલે વર્નની નવલકથા ‘ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ્સ અંડર ધ સી’ના પાત્ર કેપ્ટન નેમોના નામ પરથી આ સ્થળને ‘પોઈન્ટ નેમો’ નામ આપવામાં આવ્યું છે, જે અહીંની એકલતા અને રહસ્યમય ભાવના દર્શાવે છે. લેટિન ભાષામાં ‘નેમો’ શબ્દનો અર્થ ‘કોઈ નહિ’ એવો થાય છે.

આ પણ વાંચો : દુષ્કર્મ આરોપી કોંગ્રેસ સાંસદ રાકેશ રાઠોરની ચાલુ પત્રકાર પરિષદમાં ધરપકડ, હાઇકોર્ટે ફગાવી હતી જામીન અરજી


Google NewsGoogle News