Get The App

પુરુષો કરતાં સ્ત્રીઓની લગ્નની ઉંમર ઓછી રાખી ભેદભાવ કરાયો, અલ્લાહાબાદ હાઇકોર્ટનું સૂચક નિવેદન

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
પુરુષો કરતાં સ્ત્રીઓની લગ્નની ઉંમર ઓછી રાખી ભેદભાવ કરાયો, અલ્લાહાબાદ હાઇકોર્ટનું સૂચક નિવેદન 1 - image


Allahabad High Court News | મહિલા અને પુરુષના લગ્ન માટે લઘુત્તમ વય મર્યાદામાં અંતર હોવું પિતૃસત્તાત્મક વ્યવસ્થાની એક નિશાની છે તેમ એક કેસની સુનાવણી દરમિયાન અલ્લાહાબાદ હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે ભારતમાં યુવકની લગ્નની વય મર્યાદા 21 વર્ષ અને યુવતીની વય મર્યાદા 18 વર્ષ છે. આ ભેદભાવ પિતૃસત્તાત્મક વિચારધારાને દર્શાવે છે. પુરુષોને શિક્ષણ, કારકિર્દી માટે ત્રણ વર્ષ વધુ મળ્યા પરંતુ મહિલાઓ સાથે તેનાથી ઊંધું થયું, મહિલાઓને આ છૂટ ના આપી તેમને તકોથી વંચિત રખાઈ છે. 

અલ્લાહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ સૌમિત્ર દયાલ સિંહ અને ન્યાયાધીશ ડોનાડી રમેશની બેંચે કહ્યું હતું કે સ્ત્રી-પુરુષ વચ્ચે લગ્નની વય મર્યાદામાં ભેદભાવ પિતૃસત્તાત્મક વિચારધારાની દેન છે અને હાલના આધુનિક કાયદાએ પણ તેને અપનાવી રાખી છે. પુરુષોની લગ્નની વય મર્યાદા 21 વર્ષ રખાઈ કે જેથી તે શિક્ષણ મેળવી શકે કે રોજગારી પ્રાપ્ત કરીને ઘર ચલાવવા સક્ષમ બની શકે. આ જ મર્યાદા મહિલાઓ માટે 18 રખાઈ તેથી મહિલાઓ પાસેથી આ તક છીનવીને તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો અને તેમને શિક્ષણ કે રોજગારી જેવી તકોથી વંચિત રાખવામાં આવી. આ ભેદભાવ દર્શાવે છે કે પુરુષ જ મોટો ગણાશે અને તે જ પરિવારના ખર્ચનો બોજ ઉઠાવશે જ્યારે તેની જીવન સાથી મહિલા એક બાળકને જન્મ આપનારી બનીને રહી જશે. 

બાળ વિવાદને લઈને હાઇકોર્ટમાં એક અપીલ કરાઈ હતી, અરજદાર યુવકે દાવો કર્યો હતો કે ૨૦૦૪માં મારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર 12 વર્ષની અને મારી પત્નીની ઉંમર માત્ર 9 વર્ષની હતી માટે આ લગ્નને બાળ વિવાહ સમજીને રદ કરવામાં આવે. જો કે પતિની આ દલીલની સામે પત્નીએ એવી દલીલ કરી હતી કે બાળ વિવાહ થયા હતા કે કેમ તેનો દાવો કરવામાં અરજદારે મોડું કરી નાખ્યું, તેણે અપીલ કરી ત્યારે તે 18 વર્ષનો થઈ ગયો હતો. કોર્ટ સમક્ષ એ સવાલ ઊભો થયો હતો કે પુરુષની પુખ્ત વય 18 વર્ષ ગણવી કે 21 વર્ષ. કોર્ટે નોંધ્યું હતું કે બાળ વિવાહ વિરોધી કાયદા મુજબ 21 વર્ષથી ઓછી વયના પુરુષ અને 18 વર્ષથી ઓછી વયની સ્ત્રીને બાળક માનવામાં આવે છે. આ કાયદામાં બહુમત શબ્દ વ્યાખ્યાયિત જ નથી કરાયો. પતિ-પત્ની વચ્ચે ભરણપોષણનો વિવાદ હતો જે હાઇકોર્ટ પહોંચ્યો હતો. પત્નીએ ૫૦ લાખનો કાયમી ભરણપોષણનો દાવો કર્યો હતો. પતિએ કહ્યું હતું કે તે 15 લાખ જ આપવા સક્ષમ છે. હાઇકોર્ટે આ લગ્નને બાળ વિવાહ માનીને રદ કર્યા હતા સાથે જ પત્નીને ૨૫ લાખ ચૂકવવા પતિને આદેશ આપ્યો હતો.


Google NewsGoogle News