'વારંવાર અપમાનનો બદલો લેવા...' પેશાબથી લોટ બાંધનાર નોકરાણીની ચોંકાવનારી કબૂલાત
Woman Mixed Urine In Food For Take Revenge: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ક્રોસિંગ્સ રિપબ્લિક વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં એક ઘરકામ કરતી મહિલાની લોટમાં મૂત્ર ભેળવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ ચોંકાવનારા કિસ્સાએ ઘરકામ માટે નિયુક્ત કરાતા કામદારોમાં સ્વચ્છતા અને સુરક્ષાના ધોરણો વિશે ચિંતા ઉપજાવી છે.
પેશાબથી લોટ બાંધ્યો
આ કિસ્સો ત્યારે ઉજાગર થયો જ્યારે આ વિસ્તારમાં રહેતા એક પરિવારના સભ્યો ન સમજી શકાય તેવી બીમારીનો ભોગ બન્યા હતા. વારંવાર બીમારી અને ખોરાકની સામગ્રીની થતી ચોરીથી કંટાળીને તેમણે રસોડામાં એક હિડન કેમેરા લગાવ્યો હતો. તેમને ઝટકો તો ત્યારે લાગ્યો જ્યારે કેમેરાના ફૂટેજમાં મહિલા કર્મી લોટ બાંધતી વખતે તેમાં પોતાનો પેશાબ ભેળવતી નજરે પડી. પરિવારે તુરંત પોલીસ ફરિયાદ કરતા મહિલા કર્મીની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ 'ચોરી માટે રેલવે જ જવાબદાર...', હવે સામાન ગુમાવનાર યાત્રીને મળશે વળતર, જાણો શું છે મામલો
અપમાનનો બદલો લેવા કર્યું કૃત્ય
પોલીસે જ્યારેમહિલાને આવું કરવા પાછળનું કારણ પૂછ્યું તો, આરોપી મહિલાએ જણાવ્યું કે, હું આઠ વર્ષથી ત્યાં કામ કરી રહી હતી. તેમ છતાં પરિવારના લોકો નાની-નાની વાત પર મારા પર ગુસ્સો કરતાં અને અપમાનિત કરતાં. ઘણીવાર તો ભૂલ પરિવારના કોઈ વ્યક્તિની હોય છતાં ગુસ્સો મારા પર કરવામાં આવતો. આ પ્રકારે વારંવાર થતાં અપમાનથી પરેશાન થઈ ગઈ હતી. એકવાર તો વિચાર્યું કે, કામ છોડી દઉં, પછી આ દરમિયાન મગજમાં આવ્યું કે, આ અપમાનનો બદલો લેવો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ શાંતિ નગરની રહેવાસી રીનાના રૂપે થઈ છે. તે મૂળરૂપે ખુર્જા બુલંદ શહેરની રહેવાસી છે. 8 વર્ષ પહેલાં રોજી-રોટી માટે તે ગાઝિયાબાદ આવી હતી. અહીં તે શાંતિ નગરમાં રહીને ક્રોસિંગ રિપબ્લિકની એક સોસાયટીમાં રહેતી રિયલ એસ્ટેટ કારોબારીના ઘરમાં રસોઈ કરવાનું કામ કરતી હતી.
મેડિકલ નિષ્ણાંતોએ જણાવી ગંભીર ઘટના
મેડિકલ નિષ્ણાંતોના મતે, પરિવારના સભ્યોની બીમારી માટે દૂષિત આહાર જવાબદાર હતો. તેમણે ચેતવણી આપી કે આવી ભેળસેળ ગંભીર ચેપ અને ગેસ્ટ્રોઈન્ટસ્ટાઈનલ બીમારી સર્જી શકે છે. આ ઘટનાથી ઘરમાં ખોરાક રાંધતી વખતે પણ સ્વચ્છતાની જરૂર ઉજાગર થઈ છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો
આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો અને ઈન્ટરનેટ પર તેના કારણે ભારે રોષ ફેલાયો હતો. લોકોએ આ ઘટનાને શરમજનક ગણાવતા આવું કરનારાના માનસિક અભિગમ બાબતે સવાલ ઉઠાવ્યા હતાં તેમજ તેના માટે સખત સજાની માગ પણ કરી હતી.