એક મહિલાના 10 પુરુષો સાથે લગ્ન, પછી રેપનો આરોપ
- હાઇકોર્ટ પણ આ કેસથી ચોંકી ઊઠી
- સમગ્ર રાજ્યમાં મહિલા ફરિયાદ નોંધાવવા આવે તો સાવધ રહેવા પોલીસને સૂચના
બેંગ્લુરુ : એક મહિલાએ વારાફરતી દસ યુવકો સાથે લગ્ન કર્યા અને તેમની સાથે જાતીય સંબંધ બાંધ્યા, તેના પછી તેમના પર બળાત્કારનો આરોપ લગાવીને કેસ કર્યો. આ પ્રકારના અનોખા કેસની સુનાવણી કરતી કર્ણાટક હાઇકોર્ટે તાજેતરમાં જ ડીજી અને આઇજીપીને નિર્દેશ આપ્યો છે કે આ શંકાસ્પદ મહિલા દીપિકાની વિગતો સમગ્ર રાજ્યના પોલીસ સ્ટેશનોમાં મોકલે અને તેની ફરિયાદોથી સાવધ રહે.
કોડાગુ જિલ્લાના કુશાલ નગરમાં રહેતા વિવેક અને દીપિકા ૨૮ ઓગસ્ટ ૨૦૨૨૨માં મૈસૂરની હોટેલમાં એક વ્યાપારિક કામના સંદર્ભમાં મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે સંબંધ બની ગયા. તેના કેટલાક મહિના પછી ૮ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ દીપિકાએ વિવેકના પર બળાત્કારનો કેસ નોંધાવ્યો. કુશાલનગર પોલીસે બંનેને આંતરિક રીતે મામલો ઉકેલવા જણાવ્યું. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ બીજી ફરિયાદમાં દાવો કર્યો કે વિવેકે તેની સાથે લગ્ન કર્યા અને પછી તેને છોડી દીધી.
આ કેસ કર્ણાટક હાઇકોર્ટમાં ગયો. કોર્ટમાં વિવેક અને તેના કુટુંબના લોકોએ તર્ક આપ્યો કે વિવેક દીપિકા દ્વારા નોંધાયેલો કેસોમાં દસમો શિકાર છે. તેણે પોતાની દલીલમાં કોર્ટમાં જણાવ્યું હતું કે તેના કુટુંબના બધા સભ્યોને પરાણે ઘસેડવામાં આવ્યા છે.
ન્યાયાધીશ નાગપ્રસન્નાએ જણાવ્યું હતું કે ૨૦૧૧થી દીપિકાએ બળાત્કાર, ક્રૂરતા, ધમકી, છેતરપિંડી વગેરેનો આરોપ લગાવતા જુદા-જુદા પતિઓ-સાથીઓ સામે દસ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના મામલા બેંગ્લુરુના જુદાં-જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે અને ચિક્કાબલ્લાપુર તથા મુંબઈમાં ેએક-એક મામલો નોંધવામાં આવ્યો છે.