VIDEO : દારૂડીયા દર્દીની હૉસ્પિટલમાં બબાલ, મહિલા ડૉક્ટર પર કર્યો હુમલો, વાળ ખેંચી બેડ પર પટકી
Woman Doctor Attacked By Patient : કોલકાતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કરવાની ઘટના મામલે હજુ પણ હોબાળો ચાલી રહ્યો છે. અનેક જગ્યાએ વિરોધ-દેખાવો થઈ રહ્યા છે, ત્યારે મહિલા ડૉક્ટર પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. મળતાં અહેવાલો મુજબ એક દારૂડીયા દર્દીએ હૉસ્પિટલમાં હોબાળો મચાવીને મહિલા ડૉક્ટર પર હુમલો કર્યો છે. તેણે ડૉક્ટરના વાળ ખેંચીને બેડ પર પટકી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.
દારૂડીયા દર્દીએ મહિલા ડૉક્ટરના વાળ ખેંચીને બેડ પર પટકી
મળતાં અહેવાલો મુજબ આ ઘટના આંધ્રપ્રદેશના તિરુપતિમાં આવેલી શ્રી વેંકટેશ્વર ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સમાં બની છે, જેના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વીડિયોમાં એક દર્દી મહિલા ડૉક્ટર પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે અને તે ડૉક્ટરના વાળ ખેંચતો પણ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ હૉસ્પિટલના ડૉક્ટરો સુરક્ષાની માંગ કરી રહ્યા છે. SVIMS તિરુપતિમાં બનેલી આ ઘટનામાં હુમલો કરનાર દર્દી દારૂ પીધેલી હાલતમાં હોવાનું તેમજ તેણે એક ઇન્ટર્ન પર હુમલો કર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ ગંભીર ઘટના બાદ કામના સ્થળે આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા અંગેની ચિંતામાં વધારો થયો છે.
જાણો શું હતો મામલો ?
શ્રી વેંકટેશ્વર ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સમાં બનેલી આ ઘટના હૉસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ વીડિયોમાં દર્દી ડૉક્ટરના વાળ પકડતો અને તેણીનું માથું બેડના સ્ટીલ ફ્રેમ પર પટકતો જોવા મળી રહ્યો છે. જો કે આ દરમિયાન વૉર્ડના અન્ય ડૉક્ટરો તુરંત દોડીને આવ્યા હતા અને મહિલાને બચાવી હુમલાખોરને પણ કાબૂમાં લઈ લીધો હતો.
વાઇસ ચાન્સેલરને પત્ર લખી સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરાઈ
આ ઘટના બાદ મહિલા ઇન્ટર્ન, SVIMSના ડિરેક્ટર અને વાઇસ ચાન્સેલર ડૉ. આર. વી. કુમારને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, પીડિત મહિલા ડૉક્ટર શનિવારે (24 ઑગસ્ટ) ઇમરજન્સી મેડિસિન વિભાગમાં ફરજ પર હતી. તેમણે લખ્યું છે કે, ‘બંગારુ રાજુ નામના દર્દીએ મારા પર અચાનક હુમલો કર્યો. તે પાછળથી મારી પાસે આવ્યો હતો. તેણે મારા વાળ ખેંચ્યા અને બેડના સ્ટીલના સળિયા સાથે માથું પટકાવ્યું હતું. તેમણે પત્રમાં એમ પણ લખ્યું હતું કે, મારી મદદ કરવા માટે સ્થળ પર કોઈ પણ સુરક્ષા કર્મચારી હાજર ન હતો.