'ઓપરેશન ભેડિયા': વરુએ દોઢ મહિનામાં નવ લોકોનો ભોગ લીધો, શું કરી રહી છે વનવિભાગની 16 ટીમો?

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
UP Wolf Attack



Bahraich Wolf Attack: ઉત્તર પ્રદેશના બહરાઇચમાં પાછલા કેટલાક સમયથી માનવભક્ષી વરુઓએ આતંક ફેલાવ્યો છે. વરુના હુમલામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત અને 22થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હવે આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે, સવાલ થઇ રહ્યા છે કે વન વિભાગ અને તંત્ર આ અંગે શું કરી રહ્યું છે?  બીજીતરફ યોગી સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે.  તંત્ર દ્વારા ‘ઓપરેશન ભેડિયા’ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વરુના ઝુંડને પકડવા વન વિભાગની 16 ટીમો કાર્યરત થઇ છે. સુરક્ષા માટે સતત ડ્રોન મેપિંગ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધી 4 વરુઓને પકડવામાં પણ આવ્યા છે.

ક્યારે શરૂ થયો વરુઓનો આતંક?

બહરાઇચના મહસી તાલુકામાં માનવભક્ષી વરુઓ ગામના લોકો પર સતત હુમલાઓ કરી રહ્યો છે, જેના કારણે 50 ગામના લોકો ભયભીત છે.  આ વર્ષે માર્ચ મહિનામાં આ પ્રકારના હુમલાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો હતો. ત્યાર બાદથી વરુઓના હુમલા સતત વધી રહ્યા છે. નોંધનીય છે કે, 3 ઓગસ્ટે વન વિભાગે એક માદા વરુને પકડી હતી, જેનું વન વિભાગ લાવતા સમયે મોત થયું હતું. ત્યાર બાદથી વરુઓના હુમલામાં ઉગ્ર વધારો થયો છે.

આ પણ વાંચોઃ રાજ્યસભા અને દક્ષિણ ભારતમાં NDA વધુ મજબૂત બનશે: જગનમોહનની YSRના બે સાંસદોનું રાજીનામું

વન વિભાગના નિવૃત અધિકારીએ આ અંગે જણાવ્યું કે, 'વરુ ખૂબ જ ચંચળ અને વેર ભાવના રાખનારું પ્રાણી છે. સામાન્ય રીતે વરુઓ મનુષ્યો પર હુમલા કરતા હોય તે અતી દુર્લભ ગણવામાં આવે છે, પરંતુ તેમાં વેર લેવાની પ્રબળ ભાવના હોય છે. તેમના બાળકો અથવા તેમના ઝુંડમાં કોઇને મારવાથી ઝુંડનો પ્રમુખ વરુ ઉગ્ર થઇને હુમલાઓ કરે છે. બહરાઇચમાં પણ થઇ શકે છે કે કોઇએ તેમના બાળકોને નુકસાન પહોંચાડ્યું હોય અને ત્યાર બાદ વરુઓ વેરની ભાવનાથી હુમલા કરતા હોઇ શકે છે.'

વરુઓના હુમલાથી કેટલું નુકસાન થયું?

વરુઓના હુમલાથી આશરે 50 જેટલા ગામોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. જે કારણસર ખેડૂતો ખેતરોમાં જઇ રહ્યા નથી, જેથી રખડતાં પશુઓ તૈયાર પાકનો બગાડ કરી રહ્યા છે.  લોકો તેમના બાળકોને પણ શાળાએ નથી મોકલી રહ્યા જેથી બાળકોના અભ્યાસનું પણ નુકસાન થઇ રહ્યું છે.

આ પણ વાંચોઃ NDAમાં નવા જૂનીના એંધાણ? અજીત પવારે જ સરકાર વિરુદ્ધ કર્યા મૌન ધરણાં

તંત્ર શું કરી રહ્યું છે?

વન વિભાગના જણાવ્યા મુજબ વરુના હુમલામાં લગભગ 35 કિલોમીટરનો વિસ્તાર પ્રભાવિત છે. વન વિભાગની 16 ટીમો ઉપરાંત 200થી વધુ પોલીસ કર્મચારીઓ વરુને પકડવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે. આ ઉપરાંત ત્રણ ડીએફઓ પણ ઓપરેશનમાં જોડાયા છે. વરુ પર CCTV અને ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. બે દિવસની તપાસ દરમિયાન ડ્રોન કેમેરામાં ચાર વરુ જોવા મળ્યા છે. આ ઉપરાંત ચાર વરુ પકડવામાં આવ્યા છે. 29 ઓગસ્ટે એક વરુ પકડાયો છે. અગાઉ હરડી વિસ્તારના સિસૈયા ચુડામણીમાં એક, કુલૈલા ગામમાં નર વરુ અને એક માદા વરુને પણ પકડવામાં આવ્યો હતો. અન્ય વરુઓને પકડવા મક્કા પુરવા અને કુલૈલામાં ચાર પાંજરા મુકવામાં આવ્યા છે.


Google NewsGoogle News