મફત વીજળી યોજનામાં એક કરોડ રજિસ્ટ્રેશન, ગુજરાત પણ ટોચના રાજ્યમાં સામેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર યોજનામાં લોકોને રજિસ્ટ્રેશન કરવા અપીલ કરી
PM Surya Ghar Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર યોજનાને લઈને દેશવાસીઓની પ્રતિક્રિયા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે 'X' પર લખ્યું કે, 'આ યોજના શરૂ થયાના માત્ર એક મહિનામાં જ 1 કરોડ પરિવારોએ પીએમ સૂર્ય ઘર યોજના માટે નોંધણી કરાવી છે.' રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના એક કરોડ ઘરોને મફત વીજળી યોજના તરીકે સૌર ઉર્જા સુવિધા આપવાની જાહેરાત કરી હતી. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વીજળી તો મળશે જ, પરંતુ ભારત ઉર્જા ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકોને ખાસ અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પર પોસ્ટ લખ્યું, 'પીએમ સૂર્ય ઘર યોજના માટે દેશના તમામ ભાગોમાં નોંધણી થઈ રહી છે. આસામ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં પાંચ લાખથી વધુ નોંધણીઓ થઈ છે. આવી સ્થિતિમાં જેમણે હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓએ પણ શક્ય તેટલું જલ્દી રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ.'
પીએમ સૂર્ય ઘર યોજના શું છે?
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ દેશમાં રહેતા ગરીબ પરિવારોને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. આ યોજનાનો લાભ 1 કરોડ પરિવારોને આપવામાં આવશે. આ યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનારા લોકોને સબસિડી આપવામાં આવશે. જો કોઈ પરિવાર આ યોજના હેઠળ 1 કિલોવોટની રૂફટોપ સોલર સિસ્ટમ લગાવે છે, તો તે વ્યક્તિને 30,000 રૂપિયાની સબસિડી, 2 કિલોવોટ સિસ્ટમ માટે, 60,000 રૂપિયા અને 3 કિલોવોટની સિસ્ટમ માટે, 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ યોજના સંબંધિત અરજીઓ અને શરતો માટે https://pmsuryaghar.gov.in/ ની મુલાકાત લઈ શકો છો.
પીએમ સૂર્ય યોજના હેઠળ જનરેટ થતી વધારાની વીજળી વેચીને વાર્ષિક 17થી 18 હજાર રૂપિયાની કમાણી કરી શકાય છે. આ યોજના હેઠળ વર્ષ 2026 સુધીમાં 40 હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ લેનારા ગ્રાહકોને વીજળીનું બિલ ઓછું આવશે અને વાર્ષિક 18,000 રૂપિયા સુધીની બચત થશે.
પીએમ સૂર્ય ઘર યોજનાનો લોભ કોને મળશે?
પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ દેશના તે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મળશે, જેમના પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે. આ યોજના હેઠળ, પાત્રતા ધરાવતા લોકો વીજળી ઉત્પાદન માટે તેમની ખાલી છતનો યોગ્ય ઉપયોગ કરી શકે છે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગમાં પણ મદદ કરશે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, વીજળીનું બિલ, મોબાઈલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઈઝ ફોટો હોવા જોઈએ.