અરવિંદ કેજરીવાલને કાલે તપાસ અધિકારી સમક્ષ હાજર થવામાંથી રાહત : ગોવા પોલીસે પરત ખેંચ્યું સમન્સ
ગોવા ચૂંટણી દરમિયાન સાર્વજનિક સંપત્તિ ખરાબ કરવા મામલે ગોવા પોલીસે દિલ્હીના CMને પાઠવ્યું હતું સમન્સ
કેજરીવાલને 27 એપ્રિલે હાજર થવાનું ફરમાન હતું, જોકે ગોવા પોલીસે સમન્સ પરત ખેંચતા કેજરીવાલને મળી રાહત
Image - Arvind Kejriwal, Facebook |
પણજી, તા.26 એપ્રિલ-2023, બુધવાર
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આવતીકાલે ગોવામાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવામાંથી રાહત મળી છે ઉપરાંત ગોવા પોલીસે પણ કેજરીવાલને પાઠવેલું સમન્સ પરત ખેંચ્યું છે. વિધાનસભા ચૂંટણી-2022 દરમિયાન કથિતરીતે સાર્વજનિક સંપત્તિ ખરાબ કરવા મામલે ગોવા પોલીસે દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ પાઠવ્યું હતું અને આ મામલે કેજરીવાલને આવતીકાલે 27મી એપ્રિલે તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનું પણ કહેવામાં આવ્યું હતું, જોકે આમ આદમી પાર્ટી દ્વારા બોમ્બે હાઈકોર્ટની ગોવા બેંચ સમક્ષ આ મામલે અરજી કરાયા બાદ ગોવા પોલીસે કેજરીવાલને પાઠવેલું સમન્સ પરત ખેંચી લીધું છે.
સાર્વજનિક સંપત્તિ પર પોસ્ટર લગાવવા મામલે કેજરીવાલને સમન્સ
દરમિયાન ગોવા પોલીસે આજે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું કે, તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાઠવેલું સમન્સ પરત લઈ રહી છે. પોલીસે વિધાનસભા ચૂંટણી-2022 માટે પ્રચાર દરમિયાન સાર્વજનિક સંપત્તિ પર કથિતરીતે પોસ્ટર લગાવવાના મામલે કેજરીવાલને સમન્સ જારી કર્યું હતું.
13 એપ્રિલે કેજરીવાલને જારી કરાઈ હતી નોટિસ
ગોવા પોલીસે સાર્વજનિક સંપત્તિ પર પોસ્ટર લગાવવાના મામલાને 13 એપ્રિલે અરવિંદ કેજરીવાલને ફોજદારી પ્રક્રિયા સંહિતા (CRPC)ની કલમ 41(A) હેઠળ નોટિસ જારી કરી હતી, જેમાં તેમને આ કેસ મામલે તપાસ અધિકારી સમક્ષ 27 એપ્રિલે હાજર થવા પણ જણાવ્યું હતું. જોકે કેજરીવાલે પરનેમ પોલીસ દ્વારા જારી કરાયેલા સમન્સને પડકાર્યો હતો.
પોલીસે કહ્યું, અમે સમન્સ પરત ખેંચી રહ્યા છીએ
જસ્ટિસ મહેશ સોનક અને જસ્ટિસ વાલ્મિકી મેનેઝેસની બનેલી બોમ્બે હાઈકોર્ટની ગોવા બેંચની ખંડપીઠે બુધવારે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે કહ્યું કે, તેઓ દ્વારા કેજરીવાલને જારી કરાયેલું સમન્સ પરત લેવા જઈ રહી છે. કેજરીવાલના એડવોકેટ સુબોધ કંટકે જણાવ્યું કે, પોલીસે કહ્યું છે કે, તેઓ સમન્સ પાછું ખેંચી લેશે, જેના પગલે બેન્ચે અરજીનો નિકાલ કર્યો હતો.
ભાજપ શાસિત રાજ્યમાં AAPએ જીતી હતી 2 બેઠક
ઉલ્લેખનિય છે કે, ગોવામાં વિધાનસભા ચૂંટણી-2022 દરમિયાન અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAPએ ભાજપ શાસિત રાજ્યમાં 2022ની ચૂંટણીમાં બે બેઠકો જીતી હતી.