Explainer: કયા અધિકાર હેઠળ ચૂંટણી પંચ અધિકારીઓની બદલી કરે છે, દેશના છ રાજ્યના ગૃહ સચિવ કેમ બદલાયા

ચૂંટણી પંચની રચના દેશના બંધારણ હેઠળ કરવામાં આવી છે.

બંધાણની કલમ 324માં ચૂંટણી પંચના કાર્યો વિશે લખવામાં આવ્યું છે

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
Explainer: કયા અધિકાર હેઠળ ચૂંટણી પંચ અધિકારીઓની બદલી કરે છે, દેશના છ રાજ્યના ગૃહ સચિવ કેમ બદલાયા 1 - image

Lok Sabha Elections 2024: ચૂંટણી પંચે ગયા અઠવાડિયે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત દરમિયાન કહ્યું હતું કે તે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે દરેક સંભવ પગલાં લેશે. આ અંતર્ગત ચૂંટણી પંચે સોમવારે મોટી કાર્યવાહી કરી. ચૂંટણી પંચે છ રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ જારી કર્યા છે. આ સિવાય પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ને પણ હટાવવાના આદેશ આપ્યો છે. આ નિર્ણય મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર  (chief election commissioner of india rajiv kumar) અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુએ બેઠકમાં કર્યો હતો.

ચૂંટણી પંચે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવોને હટાવવાની સૂચના આપી દીધી છે. આ સિવાય મિઝોરમ અને હિમાચલ પ્રદેશના સામાન્ય વિભાગના સચિવને પણ હટાવવાનો આદેશ આપવામાં આવ્યા છે. એટલે કે ચૂંટણી પંચે આ અધિકારીઓને નામાંકન, મતદાન અને પરિણામો આવે ત્યા સુધી તેમના પદ પરથી હટાવી દીધા છે. આ દરેક અધિકારીઓ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ફરી પોત-પોતાના પદ પર પુનઃસ્થાપિત કરવામાં આવશે.

ચૂંટણીની અંગેની જાહેરાત થયા બાદ દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જાય છે, તો એવામાં સવાલ થાય છે કે, ચૂંટણી પંચને વરિષ્ઠ અધિકારીઓને હટાવવા માટેનો અધિકાર ક્યાંથી મળે છે. આ સાથે ચૂંટણી પંચ કેવી રીતે નક્કી કરે છે કે, કયા અધિકારી પર કેવી કાર્યવાહી કરી શકાય.

ચૂંટણી પંચને બંધારણમાં જ  સત્તા મળેલી છે

ચૂંટણી પંચની રચના દેશના બંધારણ હેઠળ જ કરવામાં આવી છે. આ એક બંધારણીય સંસ્થા છે. ભારતના બંધારણની કલમ 324માં ચૂંટણી પંચના કાર્યો વિશે વિસ્તૃતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કલમ 324માં નિષ્પક્ષ અને મુક્ત રીતે ચૂંટણીનું સંચાલન અને મતદારયાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંધારણ હેઠળ જે સત્તાઓ ચૂંટણી પંચને મળી છે, તેમા કાયદા પ્રમાણે પારદર્શકતાપૂર્વક લોકસભા, વિધાનસભા અને અન્ય ચૂંટણીઓ કરાવવાનો અધિકાર મળેલો છે. ચૂંટણી યોજવા માટે પંચ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે તાલમેલ કરી કામ કરે છે. 

ચૂંટણીમાં પંચની શું શું ફરજો હોય છે?

ભારતીય બંધારણમાં ચૂંટણી પંચને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળોને તૈનાત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જેથી કરીને ચૂંટણીમાં કોઈ હિંસા, બૂથ કેપ્ચરિંગ અને ચૂંટણી પહેલા ભ્રષ્ટાચાર અટકાવી શકાય. પંચ પાસે તેના માટે અર્ધલશ્કરી દળ, સ્થાનિક પોલીસ અને સશસ્ત્ર પોલીસ તૈનાત કરે છે. આ સિવાય ચૂંટણી પંચ મતદાન મથકો પર સીસીટીવી, વીડિયોગ્રાફી, વેબકાસ્ટિંગ અને ચૂંટણી દરમિયાન થતી ગેરરીતિઓ, મતદારો અને મતદાન અધિકારીઓની સુરક્ષા બાબતે પણ કામ કરે છે. આટલું જ નહીં પરંતુ જે ચૂંટણીઓ સરહદોની નજીક આવેલી છે, ત્યા ચૂંટણી પંચ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે કોર્ડિનેટ કરે છે, જેથી સરહદો પાર કોઈ અનિચ્છનીય બનાવ થતો અટકાવી શકાય.


Google NewsGoogle News