ત્રિદેવના આશીર્વાદથી અમારા ત્રીજા કાર્યકાળમાં દેશ વધુ મોટા નિર્ણયો કરશે : મોદી
આંધ્ર પ્રદેશમાં પીએમ આવાસ હેઠળ ૧૦ લાખ પાકા મકાન અપાવ્યા
કોંગ્રેસે મજબૂરીમાં ગઠબંધનમાં જોડાવું પડયું છે, પરંતુ તેની વિચારસરણી 'યુઝ એન્ડ થ્રો'ની છે
પલનાડુ: દેશમાં શનિવારે લોકસભા ચૂંટણીનો શંખનાદ થયો છે અને આજે હું તમારા બધા વચ્ચે આંધ્ર પ્રદેશમાં છું. મને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ મળી રહ્યા છે. ત્રિદેવોના આશીર્વાદથી અમારી સરકારના ત્રીજા કાર્યકાળમાં દેશ વધુ મોટા નિર્ણયો લેશે. આ વખતે ચૂંટણીના પરિણામ ૪ જૂને આવવાના છે. આખો દેશ કહે છે ૪ જૂને ૪૦૦ પાર તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું.
લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા પછી વડાપ્રધાન નરન્દ્ર મોદીએ રવિવારે આંધ્ર પ્રદેશના પલનાડુમાં પહેલી ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ સભામાં એનડીએના સાથી પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા એન. ચંદ્રાબાબુ નાયડુ અને જન સેના પક્ષના વડા પવન કલ્યાણ પણ તેમની સાથે હતા. વડાપ્રધાને તેમના સંબોધનની શરૂઆત તેલુગુમાં લોકોને 'નમસ્કારમ્'થી કરી હતી. આ સમયે તેમણએ કહ્યું કે આ વખતે આખા દેશમાં એનડીએને ૪૦૦થી વધુ બેઠકો મળશે.
સાથી દળોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, અમારું એનડીએ ગઠબંધન રીજનલ એસ્પિરેશન્સ અને નેશન પ્રાગ્રેેસ બંનેને સાથે લઈને ચાલે છે. આ ચૂંટણીમાં ભાજપના સહયોગી સતત વધી રહ્યા છે. એનડીએની તાકાત વધી રહી છે. ચંદ્રાબાબુ નાયડૂ અને પવન કલ્યાણ બંને લાંબા સમયથી આપ લોકોના અધિકારો અને આંધ્ર પ્રદેશના વિકાસ માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. એનડીએનું સપનું છે વિકસિત ભારત, વિકસિત આંધ્ર પ્રદેશ.
પીએમ મોદીએ કહ્યું કે, આખી દુનિયામાં કેન્દ્રમાં એનડીએના શાસનની ચર્ચા થઈ રહી છે. અમારી સરકારમાં ૧૦ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે. આખી દુનિયામાં એનડીએ સરકારના વિકાસ કાર્યોની ચર્ચા થઈ રહી છે. એનડીએ સરકારે આંધ્ર પ્રદેશમાં ગરીબોને પીએમ આવાસ યોજનાના અંદાજે ૧૦ લાખ ઘર અપાવ્યા છે. અહીં પાલનાડુમાં ૫,૦૦૦ પાકા ઘર બનાવ્યા છે. પાલનાડુમાં જરૂરિયાતમંદોને મફત રાશન પણ મળી રહ્યું છે.
કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે એનડીએમાં અમે બધાને સાથે લઈને ચાલીએ છીએ, પરંતુ બીજી બાજુ કોંગ્રેેસ પક્ષનો એક જ એજન્ડા છે -ગઠબંધનના લોકોને યુઝ એન્ડ થ્રો કરવા. આજે કોંગ્રેસને ભલે મજબૂરીમાં ઈન્ડિયા ગઠબંધનનો ભાગ બનવું પડયું હોય, પરંતુ તેની વિચારસરણ હજુ પણ જૂની જ છે.