મોરેસિયસના સાથથી ભારત હિન્દ મહાસાગરમાં શક્તિવ્યાપ વધારશે
- ઓમાનના હુકમ બંદરે મેરીટાઈમ સપોર્ટ બેઝ રચાશે
- અગાલેગા એરસ્ટ્રીપ અને જેટી બંને દેશોની સમુદ્રીય જાગૃતિનું દ્યોતક બની રહેનાર છે
નવીદિલ્હી : આજે બપોરે ૧.૦૦ વાગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથે અગાલેગા એરસ્ટ્રીપ અને એક વિશાળ ધક્કા (જેટી)નું સંયુક્ત રીતે ઉદ્ધાટન કરતાં હિન્દ મહાસાગરમાં વહાણવટાં ક્ષેત્રે ભારતે ઊંડે સુધી પર્દાપણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે આફ્રિકાના દક્ષિણ પૂર્વ સમુદ્ર તટથી થોડે દૂર રહેલા દક્ષિણ-પશ્ચિમ હિન્દ મહાસાગરમાં આવેલા આ ટાપુમાં સદીઓથી ભારતીયો વસી રહ્યાં છે.
શેરડીનાં ઉત્પાદન માટે પ્રસિદ્ધ બનેલા આ મૂળ બ્રિટિશ સંસ્થાન મોરેશિયસ ઉપરથી જ ભારતમાં ખાંડ માટે મોરસ શબ્દ આવ્યો છે.
આ અગાલેગામાં રચાનાર નૌકાધાર (ધક્કો-જેટી) એટલો લાંબો હશે કે જ્યાં ફ્રીગેટસ તથા ડીસ્ટ્રોયર્સ પણ લાંગરિ શકાશે. આથી ભારતીય નૌકાદળને સુવિધા મળી રહેશે. અહીં રહી ભારતીય નૌકાદળનાં જહાજો, આફ્રિકાના દક્ષિણ પૂર્વ અને પૂર્વ તટનું રક્ષણ પણ કરી શકશે.
અહીં રચાનારી એરસ્ટ્રીમ મલ્ટીમિશન એરક્રાફટ બોઇંગ પી-૮૧ જેવાં વિમાનોનાં ચઢાણ-ઉતરાણ માટે અનુકૂળ બની રહેશે. આ ૩ કિ.મી. લાંબી એરસ્ટ્રીમ, હેવી લિફટ ૯-૧૭, મીડિયમ લિફટ આઈએલ-૭૬, ૯/૩૦ જેવાં ભારે વિમાનો માટે પણ અનુકૂળ રહેશે. તેમજ પી-૮૧ જેવાં જાસૂસી વિમાનો જે એન્ટી સબમરીન વોરફેરમાં ઉપયોગમાં લઈ શકાય તેમ છે તે પણ એરસ્ટ્રીમનો ઉપયોગ કરી શકશે.
વાસ્તવમાં ઇંડીયન-નેવીના ૫૦ જેટલાં નાવિકો-અધિકારીઓ સાથે આ જેટીની રચનાની પૂર્વ તૈયારી માટે પહોંચી ગયા છે. હજી વધુ અધિકારીઓ-નાવિકો ત્યાં જવાના છે.
હિન્દ મહાસાગરમાં ચીનનાં વધી રહેલાં પદાક્રમણ સામે ભારતે લક્ષદ્વિપ અને મોરેશ્યસમાં મજબૂત મથકો સ્થાપવા નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત ભારતે ઓમાનનાં તો હુકમ બંદરે આ પ્રકારની સંરક્ષણાત્મક વ્યવસ્થા ગોઠવી જ દીધી છે. આથી પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર ભારતીય નૌકાદળ મજબૂત ચોકી પહેરો ભરી રહ્યું છે. તેથી તો હુથી આતંકવાદીઓને ભગાડી શક્યું છે. અત્યારે તો સ્થિતિ તેવી છે કે ભારતીય નૌકાદળનાં જહાજને આવતું જોઈ હૂથીઓનાં જહાજો પોબારા ગણી લે છે. ભારતે તેની સમુદ્રીય શક્તિ વધારવી જોઈએ તેમ સરદાર પનીક્કરે દાયકાઓ પૂર્વે ઇંડીયા એન્ડ ધી ઇંડીયન ઓશન નામક પુસ્તકમાં લખ્યું છે.
હિન્દ મહાસાગરમાં ચીનના પદાક્રમણ સામે ભારતે હવે બરોબર કમર કસી છે.