નાગપુરમાં બે કેસ નોંધાતા દેશમાં એચએમપીવીના કુલ કેસો વધીને સાત
- સ્થિતિ પર ચાંપતી નજર, ચિંતાની કોઇ વાત નથી : કેન્દ્ર સરકાર
- કેન્દ્ર સરકારે રાજ્યોને તપાસ વધારવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવાના નિર્દેશ આપ્યા
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે રાજ્યોને આઇએલઆઇ (ઇન્ફલ્યુએન્ઝા લાઇક ઇલનેશ) અને એસએઆરઆઇ (સિવયર એક્યુએટ રિસપેરટરી ઇન્ફેકશન) સહિતના શ્વસન સંબધી રોગોની તપાસ વધારવાના નિર્દેશ આપ્યા છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે રાજ્યોને હ્યુમન મેટાન્યૂમોવાઈરસ (એચએમપીવી)થી બચવા માટેના ઉપાયો અંગે જાગૃતિ ફેલાવવા જણાવ્યું છે. આજે નાગપુરમાં એચએમપીવીના બે કેસ જોવા મળતા દેશમાં આ વાઈરસના કુલ કેસોની સંખ્યા વધીને સાત થઇ ગઇ છે.
મંગળવારે નાગપુરમાં એચએમપીવીના બે શંકાસ્પદ કેસો સામે આવ્યા હતાં. જો કે બંનેને સારવાર પછી રજા આપી દેવામાં આવી હતી તેમ વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
અધિકારીના જણાવ્યા અનુસાર આ બંને દર્દીઓના સેમ્પલ નાગપુરની એઇમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ) અને પુણેની નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજીમાં મોકલી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલ સુધીમાં કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાત સહિત દેશમાં એચએમપીવીના પાંચ કેસો હતાં. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને ચિંતાની કોઇ જરૂર નથી.
કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રીવાસ્તવે ગઇકાલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ વાઈરસથી ડરવાની જરૂર નથી કે કારણકે સમગ્ર વિશ્વમાં ૨૦૦૧થી આ વાઈરસ અસ્તિત્વમાં છે.