દિલ્હીમાં પ્રદૂષણને લઈને શિયાળું વેકેશન જાહેર, 18 નવેમ્બર સુધી તમામ શાળામાં રહેશે બંધ
Image Source: Twitter
- દિલ્હી સરકાર દ્વારા આ નિર્ણય બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો
નવી દિલ્હી, તા. 08 નવેમ્બર 2023, બુધવાર
રાજધાની દિલ્હીમાં દિવસને દિવસે પ્રદૂષણ વધતું જ જઈ રહ્યું છે. ઝેરી પ્રદૂષણે દિલ્હીને બાનમાં લીધું હોય તેવું સ્થિતિ સર્જાઈ છે. લોકો ઝેરી પ્રદૂષણ વચ્ચે જીવવા મજબુર બન્યા છે. દિલ્હી સરકાર પણ પ્રદૂષણને ડામવા સતત પ્રયાસો કરી રહી છે. ત્યારે હવે દિલ્હી સરકારે વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખી નવેમ્બર મહિનામાં જ વિન્ટર વેકેશનનું એલાન કરી દીધુ છે. તમામ સ્કૂલોમાં 09 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી વિન્ટર બ્રેક એટલે કે શિયાળું વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે. આ અગાઉ પ્રદૂષણના કારણે દિલ્હી સરકારે 3 નવેમ્બરના રોજ સ્કૂલોમાં ફિઝિકલ ક્લાસિસને બંધ કરીને ઓનલાઈન ક્લાસિસ પર શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. જેને બાદમાં 10 નવેમ્બર સુધી વધારી દેવામાં આવ્યા હતા. હવે દેશની રાજધાનીમાં 18 નવેમ્બર સુધી સ્કૂલ બંધ રહેશે.
દિલ્હીમાં સ્કૂલોમાં વિન્ટર બ્રેકની રજા સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં જાહેર કરવામાં આવે છે પરંતુ આ વખતે સરકારે ઘણી પહેલા શિયાળું વેકેશન જાહેર કરી દીધુ છે. દિલ્હી સરકાર દ્વારા આ નિર્ણય બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
Delhi government announces early winter break in schools from 9th to 18th November amid severe air pollution in the national capital pic.twitter.com/g9TDdHouot
— ANI (@ANI) November 8, 2023
છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્થિતિ પર છે. અનેક વિસ્તારોમાં AQI 900 પાર પહોંચી ગયો છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 10 અને 12માં ધોરણના વિદ્યાર્થીઓને છોડીને તમામ ક્લાસિસ 10 નવેમ્બર સુધી ઓનલાઈન મોડમાં ચાલી રહ્યા હતા. પરંતુ આ વચ્ચે સીએમ અરવિંદ કેજરીવાલે સમય પહેલા જ શિયાળું વેકેશન જાહેર કરવાનો નિર્દેશ જારી કરી દીધો છે.
પ્રદૂષણના કારણે દિલ્હીમાં તમામ સ્કૂલોને ઔપચારિક આદેશ જારી કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પ્રદૂષણના કારણે જે સ્કૂલ બંધ કરવી પડી છે તેના કારણે ક્યાંક બાળકોને અભ્યાસનું નુકશાન ન થાય તે માટે આ રજાઓને વિન્ટર બ્રેક સાથે એડજસ્ટ કરવામાં આવી રહી છે.