ચૂંટણીના પરિણામ બાદ 4 ડિસેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, આ બિલો પર ચર્ચા થવાની સંભાવના
સંસદનું શિયાળુ સત્ર ચોથી ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી યોજાશે
19 દિવસ ચાલનાર શિયાળુ સત્રમાં 15 બેઠકો યોજાશે
નવી દિલ્હી, તા.09 નવેમ્બર-2023, ગુરુવાર
સંસદનું શિયાળુ સત્ર ચોથી ડિસેમ્બરથી શરૂ થશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આજે જણાવ્યું કે, સંસદનું શિયાળુ સત્ર ચોથી ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી યોજાશે. તેમણે કહ્યું કે, 19 દિવસ ચાલનાર શિયાળુ સત્રમાં 15 બેઠકો યોજાશે. જોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક પોસ્ટ દ્વારા શિયાળુ સત્ર અંગે માહિતી આપી છે.
ચૂંટણી બાદ તુરંત યોજાશે સંસદનું શિયાળુ સત્ર
પાંચ રાજ્યોમાંથીમાંથી છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું જ્યારે મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન પૂર્ણ થઈ ગયું છે, તો 17મીએ મધ્યપ્રદેશમાં, 23મીએ રાજસ્થાનમાં અને 30મીએ તેલંગણામાં મતદાન યોજાવાનું છે, જ્યારે પાંચેય રાજ્યોનું ત્રીજી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારબાદ ચોથી ડિસેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનું છે.
આ વિધેયકો પર ચર્ચા થવાની સંભાવના
સૂત્રોના જણાવ્યા મુજબ સંસદનું શિયાળુ સત્ર દરમિયાન આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટને બદલવા માટેના 3 મોટા વિધેયકો પર વિચારણા થવાની સંભાવના છે, કારણ કે ગૃહ બાબતોની સ્થાયી સમિતિએ તાજેતરમાં 3 રિપોર્ટ સ્વીકાર્યા છે. સંસદમાં પેન્ડિંગ અન્ય મુખ્ય વિધેયકો મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સાથે સંબંધિત છે.