'શું તમે ભાજપ માટે મત માગશો?', કેજરીવાલે મોહન ભાગવતને પત્ર લખીને પૂછ્યા સવાલ
Arvind Kejriwal Letter to Mohan Bhagwat: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં રાજકીય ચળવળ તેજ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવતને પત્ર લખ્યો છે. પત્રમાં કેજરીવાલે મોહન ભાગવતને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના વચ્ચે પત્ર યુદ્ધ ચાલી રહ્યું છે.
મોહન ભાગવતને લખેલા પત્રમાં કેજરીવાલે લખ્યું છે, કે મીડિયામાં એવા સમાચાર આવી રહ્યા છે કે, RSS દિલ્હીમાં ભાજપ માટે વોટ માંગશે? આ પહેલા લોકો તમારી પાસેથી જાણવા માંગે છે કે, ભાજપ દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલા ખોટા કાર્યો માટે શું સંઘ તેનું સમર્થન કરે છે ?
શું RSS એવું વિચારે છે કે, આ ભારતીય લોકશાહી માટે યોગ્ય છે?
કેજરીવાલે સવાલ કર્યો છે કે, ભાજપના નેતાઓ ખુલ્લેઆમ પૈસા વહેંચીને વોટ ખરીદી રહ્યા છે, શું RSS વોટ ખરીદવાનું સમર્થન કરે છે? કેજરીવાલે કહ્યું છે કે, ગરીબો, દલિતો, પૂર્વાંચલના લોકો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના વોટને મોટા પાયા પર ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ લોકો ઘણા વર્ષોથી દિલ્હીમાં રહે છે. ત્યારે શું RSS એવું વિચારે છે કે, આવું કરવું ભારતીય લોકશાહી માટે યોગ્ય છે?
AAPના સંયોજક કેજરીવાલે આખરે પૂછ્યું છે કે, શું તમને નથી લાગતું કે, ભાજપ આ રીતે ભારતીય લોકતંત્રને નબળું કરી રહ્યું છે?
હાલ દિલ્હીના એલજી અને સીએમ વચ્ચે પણ પત્ર વૉર ચાલી રહ્યો છે
ઉલ્લેખનીય છે હાલમાં જ એલજી વી કે સક્સેનાએ એક પત્ર લખીને કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે સીએમ આતિશીનું અપમાન કર્યું છે અને તેમને અસ્થાયી મુખ્યમંત્રી કહ્યા છે. આતિશીએ તેમના પત્ર પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે પણ એક પત્ર પણ લખ્યો હતો કે ,એલજીએ ગંદી રાજનીતિ કરવાને બદલે દિલ્હીની ભલાઈ વિશે વિચારવું જોઈએ.