કાશ્મીરની જેમ જ બંગાળનું પણ વિભાજન કરવા માંગે છે દિગ્ગજ ભાજપ નેતા, PM મોદીને કરી રજૂઆત
West Bengal: જમ્મુ-કાશ્મીરની જેમ પશ્ચિમ બંગાળને પણ બે ભાગમાં વહેંચી શકાય છે. બુધવારે કેન્દ્રીય મંત્રી અને બંગાળ ભાજપના વડા સુકાંત મજુમદાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જેમાં તેમણે સિક્કિમ સાથે સરહદ ધરાવતા પશ્ચિમ બંગાળના આઠ જિલ્લાઓને પૂર્વોત્તરના ભાગ માનવામાં આવે તેવી વિનંતી કરી હતી.
ઉત્તર બંગાળને પૂર્વોત્તરનો ભાગ માનવો જોઈએ
બેઠક બાદ મજુમદારે કહ્યું, 'મે વડાપ્રધાનને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે અને તેમને કહ્યું છે કે ઉત્તર બંગાળને પૂર્વોત્તરનો ભાગ માનવો જોઈએ અને બંને વચ્ચે સમાનતા છે. જો તેઓ મારા પ્રસ્તાવનો સ્વીકાર કરશે તો બંગાળના આ પછાત વિસ્તારને કેન્દ્ર તરફથી વધુ ભંડોળ મળશે. હું માનું છું કે રાજ્ય સરકાર સહકાર આપશે.'
મજમુદાર પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ સાથે કામ કરતા મંત્રાલયમાં રાજ્ય મંત્રી તેમજ પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ પણ છે. આથી તેમનો પ્રસ્તાવ મહત્વપૂર્ણ બની જાય છે. અગાઉ મજુમદારે ભાજપના સાંસદો દ્વારા અલગ ઉત્તર બંગાળની માંગને અંગત અભિપ્રાય ગણાવીને ફગાવી દીધી હતી. પરંતુ રસપ્રદ વાત એ છે કે, તેઓ બાલુરઘાટ મતવિસ્તારના છે, જે ઉત્તર બંગાળ હેઠળ પણ આવે છે.
ભાજપની 'ઉત્તર બંગાળ' માંગનો ઈતિહાસ
બીજેપીના અન્ય સાંસદ અને 'ગ્રેટર કૂચ બિહાર પીપલ્સ એસોસિએશન' નામની સંસ્થાના વડા અનંત મહારાજે માંગ કરી હતી કે ગ્રેટર કૂચ બિહાર તરીકે ઓળખાતા ઉત્તર બંગાળના ભાગને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવે. તેઓ ઉત્તર બંગાળના એક ભાગને હાલના પશ્ચિમ બંગાળથી અલગ કરવા અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા માંગે છે. તેઓ 2015થી આ માંગ ઉઠાવી રહ્યા છે.
આ પ્રકારની માગણી કરનાર અનંત મહારાજ પ્રથમ વ્યક્તિ નથી. મોદી 2.0 માં, ભૂતપૂર્વ પ્રધાન જોન બાર્લા પણ આવી જ માંગ ચૂક્યા હતા. જલપાઈગુડીમાં જન્મેલા બરલાએ અગાઉ અલગ ગોરખાલેન્ડની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'અત્યાચારથી બચવા માટે મેં ઉત્તર બંગાળને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની માંગ ઉઠાવી હતી. હું આ મામલો દિલ્હી સમક્ષ ઉઠાવીશ.'
પરંતુ ટીએમસીએ બંગાળના વિભાજનને બંધારણ વિરોધી ગણાવી છે.