દેશની આ બે ટ્રેનો લેશે વંદે ભારતનું સ્થાન? જાણો શું છે રેલવે મંત્રાલયની નવી યોજના
Vande Bharat: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે (બીજી ઓગસ્ટ) રાજ્યસભામાં લેખિત જવાબમાં માહિતી આપી હતી કે, 'ભારતીય રેલવેએ હાલની ટ્રેનોને બદલ્યા વિના નવી વંદે ભારત ટ્રેન સેવાઓ શરૂ કરી છે.' આ નિવેદન એઆઈએડીએમકે સાંસદ સી.વી. ષણમુગમ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે પૂછ્યું હતું કે, 'શું વંદે ભારત ટ્રેન રાજધાની અને અન્ય સુપર ફાસ્ટ ટ્રેનોનું સ્થાન લેશે?'
વંદે ભારત કોઈપણ અન્ય ટ્રેનનું સ્થાન લેશે નહીંઃ રેલવે મંત્રી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી કે વંદે ભારત ટ્રેન સેવાઓ હાલની સેવાઓમાં કોઈ ફેરફાર કર્યા વિના શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, '29મી જુલાઈ, 2024 સુધી ભારતીય રેલવેમાં કુલ 102 વંદે ભારત ટ્રેન સેવાઓ ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનો મુખ્યત્વે રાજ્યોને બ્રોડગેજ (બીજી) ઇલેક્ટ્રિફાઇડ નેટવર્ક સાથે જોડવા માટે દોડે છે. આ સાથે, આ ચેર કાર વેરિઅન્ટ ટ્રેનો હાલમાં 760 કિલોમીટરના અંતર સુધી મુસાફરોને સેવા આપી રહી છે.'
આ પણ વાંચો: વંદે ભારત મેટ્રોને લઈને સારા સમાચાર, આ રૂટ પર ટ્રાયલ રન પૂર્ણ, જાણો શેડ્યૂલ
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતુ કે, 'વંદે ભારત ટ્રેન ભારતીય રેલવેના આધુનિકીકરણ અને વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ટ્રેનો માત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ નથી, પરંતુ ઝડપી ગતિ અને આરામદાયક મુસાફરીનો અનુભવ પણ પ્રદાન કરે છે. આ સેવા ખાસ કરીને તે મુસાફરો માટે ઉપયોગી છે જેઓ ઓછા સમયમાં લાંબા અંતરની મુસાફરી પૂર્ણ કરવા માંગે છે.'
એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત ટ્રેન સેવા શરૂ
એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત સેવા બુધવારે (31મી જુલાઈ) શરૂ કરવામાં આવી હતી. એર્નાકુલમ-બેંગલુરુ રૂટ પર વંદે ભારતની માંગ ઘણાં સમયથી ચાલી રહી હતી. આ સેવા 25મી ઓગસ્ટ સુધી અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે. આ ટ્રેન એર્નાકુલમથી બુધવાર, શુક્રવાર અને રવિવારે અને બેંગલુરુથી ગુરુવાર, શનિવાર અને સોમવારે ઉપડશે.
ઉલ્લેખનીય છે કે, કેરળના ચેન્નાઈ બીચથી કટપડી રૂટ પર વંદે ભારત મેટ્રોનું ટ્રાયલ શનિવારે (ત્રીજી ઓગસ્ટ) પૂર્ણ થયું હતું. આ ટ્રેનના કોચ ICF પેરમ્બદુરમાં તૈયાર કરવામાં આવ્યા છે. આ ટ્રેન 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.