ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન કરશે ઉદ્ધવ ઠાકરેની શિવસેના? AIMIMએ લેખિતમાં આપ્યો પ્રસ્તાવ
Image: Facebook
Asaduddin Owaisi: ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી સાથે-સાથે લડી શકે છે. એઆઈએમઆઈએમની તરફથી આ માટે એક લેખિત પ્રસ્તાવ પણ આપવામાં આવી ચૂક્યો છે. જો બધું ઠીક રહ્યું તો ઓવૈસી મહાવિકાસ અઘાડીની સાથે મળીને ચૂંટણી લડશે. સૂત્રો અનુસાર આ પ્રસ્તાવમાં 28 બેઠકોની માગ કરવામાં આવી છે. આગામી સમયમાં એ સ્પષ્ટ થઈ જશે કે એઆઈએમઆઈએમને ગઠબંધનમાં સામેલ દળોનું સમર્થન મળશે કે નહીં.
આ દરમિયાન એઆઈએમઆઈએમના પ્રસ્તાવ પર ઠાકરે ગ્રૂપે પોતાનું વલણ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. સંજય રાઉતે કહ્યું છે કે 'નવી પાર્ટીને સ્થાન આપવું મુશ્કેલ છે. તે ટૂંક સમયમાં જ શરદ પવાર સાથે ચર્ચા કરશે.' એઆઈએમઆઈએમના પ્રસ્તાવ પર સંજય રાઉતે કહ્યું કે 'મહાવિકાસ અઘાડીમાં ઘણી નાની પાર્ટીઓ છે. ત્રણ મુખ્ય પાર્ટીઓ કોંગ્રેસ, એનસીપી અને શિવસેના છે. સીપીઆઈ, શેતકારી કામગાર પાર્ટી, મુસ્લિમ સમુદાયને નેતૃત્વ કરનારી સમાજવાદી પાર્ટી, રિપબ્લિકન પાર્ટીના અમુક સંગઠન આપણી સાથે છે. દરમિયાન અમને મહાવિકાસ અઘાડીની 288 બેઠકોમાંથી કોઈ નવી પાર્ટીને બેઠકો આપવી મુશ્કેલ લાગે છે. જો શરદ પવાર આ સંબંધમાં કોઈ વલણ અપનાવે છે તો અમે તેમની સાથે ચર્ચા કરીશું.'
આ દરમિયાન એનસીપી તરફથી શરદ પવારે પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. શરદ પવારે એઆઈએમઆઈએમના પ્રસ્તાવ પર ટિપ્પણી કરતાં કહ્યું છે કે 'હું આમાં સામેલ નથી. એઆઈએમઆઈએમના પ્રસ્તાવ વિશે મને જાણકારી નથી. મારી પાર્ટી માટે આ કામ જયંત પાટિલ જોઈ રહ્યાં છે. તેમને કયો પ્રસ્તાવ આપવામાં આવ્યો, તેની મને જાણકારી નથી. એમવીએમાં સામેલ ઘટક દળ બેઠક શેરિંગ પર ચર્ચા કરી રહ્યાં છે.'
શું છે એઆઈએમઆઈએમનો પ્રસ્તાવ?
એઆઈએમઆઈએમએ મહાવિકાસ અઘાડીમાં સામેલ થવાનો લેખિત પ્રસ્તાવ આપ્યો છે. 28 બેઠકોની યાદી સોંપવામાં આવી છે. 10 સપ્ટેમ્બરે આ પ્રસ્તાવ રાખ્યા બાદ એઆઈએમઆઈએમના પ્રદેશ પ્રમુખ ઈમ્તિયાજ જલીલની મહાવિકાસ અઘાડીના નેતાઓની સાથે 2 સકારાત્મક બેઠકો હોવાના સમાચાર છે. એમઆઈએમે આ લેખિત પ્રસ્તાવ ઉદ્ધવ ઠાકરેને છોડીને કોંગ્રેસ-એનસી પ્રમુખોને મોકલ્યા છે. એઆઈએમઆઈએમે તે બેઠકોની યાદી તૈયાર કરી છે જ્યાં મુસ્લિમ અને દલિત મતવિસ્તાર વધુ છે. જલીલે કહ્યું છે કે 'એઆઈએમઆઈએમ તે બેઠકો પર એમવીએથી ચર્ચા અને કરાર કરવા તૈયાર છે.'