યુપીમાં થશે નેતૃત્વ પરિવર્તન! અખિલેશ યાદવના દાવાથી ફરી રાજકારણ ગરમાયું
Akhilesh Yadav On UP Elections: લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નિરાશાજનક પ્રદર્શન બાદ ઉત્તર પ્રદેશમાં રાજકીય તાપમાન ગરમાયું છે. દિલ્હીથી લખનૌ સુધી ભાજપના નેતાઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે અણબનાવની અફવાઓ ચાલી રહી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મોટો દાવો કર્યો છે. એક અહેવાલ મુજબ અખિલેશ યાદવે કહ્યું હતું કે, 'હું યોગી સરકારના કોઈ ધારાસભ્યને તોડવા માંગતો નથી. સાંભળવામાં આવી રહ્યું છે કે અંદરો અંદર લડાઈ ચાલી રહી છે, પરંતુ લડાઈ માત્ર અંદર જ નથી, દિલ્હી સુધી ચાલી રહી છે.'
કોઈ પરિવર્તન માટે તૈયાર હશે તો અમે સમર્થન આપીશું
આંતરિક કલેશ વચ્ચે એવા અહેવાલો આવ્યા છે કે, 'આવી સ્થતિમાં વિપક્ષ કંઇક ઓફર કરશે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી મોટી ખુરશી પર બેસવાની કોશિશ કરી રહી હોય તો તમે તેને તે ખુરશી પર બેસવાની ઓફર અને ખાતરી આપો તો ખોટું શું છે? તે પોતે જ એટલા શક્તિશાળી છે. અમારા બેસાડવાથી જ થોડા તે ખુરશી પર બેસી શકે એવું બને. અમે પરિવર્તન તો ન લાવી શકીએ પરંતુ જો કોઈ પરિવર્તન માટે તૈયાર હશે તો અમે તેને ચોક્કસ સમર્થન આપીશું.
અખિલેશ યાદવે ગયા અઠવાડિયે X પર કહ્યું હતું કે, 'મોનસૂન ઓફર છે. 100 લાવો અને સરકાર બનાવો' સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની 'મોનસૂન ઓફર'ના એક દિવસ પછી કેશવ પ્રસાદ મૌર્યએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, 'જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેને 2027માં ફરી 47 સુધી ઘટાડશે.'
આ પણ વાંચો: સાહેબ, અધિકારીઓ કશું સાંભળતા જ નથી...: યોગીની સામે જ ધારાસભ્યએ વ્યક્ત કરી નારાજગી
વર્ષ 2017માં જ્યારે મૌર્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ હતા, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગીઓને 403 સભ્યોની વિધાનસભામાં 325 બેઠકો મળી હતી. જ્યારે સપાના ખાતામાં 47 સીટો આવી હતી. ત્યારે (2012-2017 સુધી) મુખ્યમંત્રી રહેલા અખિલેશ યાદવ સત્તાથી બહાર હતા.
કેજરીવાલે પણ કરી હતી ભવિષ્યવાણી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકસભા ચુંટણી દરમિયાન દાવો કર્યો હતો કે ત્રીજી વાર સત્તામાં આવ્યા પછી ભારતીય જનતા પાર્ટી સીએમ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેશે. આ બાબતે અરવિંદ કેજરીવાલે દાવો કરતા કહ્યું હતું કે, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ, યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદ પરથી દૂર કરવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં કેજરીવાલ સાથે દુર્વ્યવહાર કરવા કરતા તેમની સાથે વાતચીત કરવી જોઈએ.